)
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના 'ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ'ના વિઝનને સાકાર કરવા તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી દેખરેખ હેઠળ ગુજરાત પોલીસ દ્વારા સરહદી સુરક્ષાની ગ્રાઉન્ડ લેવલ સમીક્ષા માટે એક વિશેષ બે દિવસીય ફિલ્ડ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલ અંતર્ગત આગામી 26 અને 27 નવેમ્બરના રોજ 10 સિનિયર IPS અધિકારીઓ ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા કચ્છ, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના છેવાડાના 20 ગામોની મુલાકાત લેશે અને સ્થાનિક ગ્રામજનોના ઘરે રાત્રિરોકાણ કરશે. આ મુલાકાત દરમિયાન અધિકારીઓ સરહદી સુરક્ષા માળખા, વિવિધ સુરક્ષા એજન્સીઓની સજ્જતા અને બોર્ડર પેટ્રોલિંગનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરશે, સાથોસાથ ગ્રામજનો અને પોલીસ જવાનો સાથે સીધો સંવાદ સાધીને રાત્રિ સમીક્ષા બેઠકો પણ યોજશે.
ગીર સોમનાથ સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ એક અત્યંત અલૌકિક અને દિવ્ય નજારો જોવા મળ્યો હતો. બરાબર રાત્રિના 12 વાગ્યે મંદિરના શિખરની સીધી રેખામાં પૂર્ણ ચંદ્રનું આગમન થતાં જાણે ચંદ્રદેવ પોતાના આરાધ્ય સોમનાથ મહાદેવ પર અમૃત વર્ષા કરતા હોય તેવો અદ્ભુત સંયોગ સર્જાયો હતો. એક તરફ મહાદેવની ભવ્ય મહાઆરતી અને બીજી તરફ પૂર્ણ ચંદ્રના દિવ્ય દર્શનના આ અનોખા સંગમના સાક્ષી બનવા મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર વાતાવરણ મંત્રોચ્ચાર, શંખનાદ અને ઘંટારવથી ગુંજી ઉઠ્યું હતું, જ્યાં ભક્તોએ 'હર હર મહાદેવ' અને 'જય સોમનાથ'ના ગગનભેદી જયઘોષ સાથે આ અવિસ્મરણીય આધ્યાત્મિક ક્ષણનો લ્હાવો માણ્યો હતો.
સાબરકાંઠાના હિંમતનગરમાં યોજાયેલા અર્બુદા મહોત્સવ દરમિયાન અપાયેલા ભાષણનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં લક્ષદ્વીપ અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે કડવા, લેઉવા અને આંજણા સમાજને એક થવા માટે કરેલી રજૂઆત તેમજ અર્બુદા, ખોડલ અને ઉમિયા માતાજીને લઈને અપાયેલા સામાજિક એકતાના સંદેશ અંગે ચર્ચા જાગી છે. દરમિયાન, ધારાસભ્ય અને અનામત આંદોલનકારી હાર્દિક પટેલે પણ સોશિયલ મીડિયા પર સામાજિક એકતાનું ગ્રાફિક્સ શેર કરતા આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે અને ત્રણેય સમાજની એકતાના સમર્થનને લઈને ચર્ચાઓ તેજ બની છે.
ભાવનગર ટર્મિનસથી ઉપડતી ટ્રેન નંબર 19256માં મુસાફરી કરી રહેલા સુરતના 56 વર્ષીય ગોપાલભાઈ લખાભાઈ વઢીયારાને અચાનક છાતીમાં ભારે દુખાવો ઉપડતાં તાત્કાલિક સારવારની જરૂર ઊભી થઈ હતી. ટ્રેનના પ્રસ્થાન સમયે જનરલ કોચ પાસે વધુ ભીડ જોઈને ફરજ પર હાજર CT સંદીપ વાળા ત્યાં પહોંચ્યા હતા અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રેન રોકી મુસાફરને નીચે ઉતારી પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ CT સંદીપ વાળા, પોઇન્ટ્સમેન ગગનદીપ તથા અન્ય મુસાફરની મદદથી તેમને તાત્કાલિક CPR આપવામાં આવ્યું હતું અને સાંજે 5:42 કલાકે 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમના પુત્ર દિનેશભાઈ સાથે મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં ત્યારબાદ સંપર્ક કરતાં તેમની તબિયત સામાન્ય હોવાનું જાણવા મળ્યું હતું. મુસાફરને ટ્રેનમાંથી તેડીને 108 સુધી પહોંચાડતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને આ કામગીરી દરમિયાન ટ્રેન સાંજે 5:31થી 5:42 કલાક સુધી 11 મિનિટ મોડી પડી હતી, ત્યારે મુશ્કેલીના સમયે મદદે પહોંચી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર મહુવા રેલવે પોલીસની આ સરાહનીય કામગીરીને લોકોએ પણ બિરદાવી છે.
'નો ડ્રગ્સ ઇન ગુજરાત સ્ટેટ' કેમ્પેઇન અનુસંધાને ભરૂચ પોલીસે નશાના કારોબાર પર વધુ એક કડક કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરની પાનોલી પોલીસને મધ્યપ્રદેશથી ગાંજો લાવીને વેચાણ કરવામાં આવતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે સંજાલી ગામે સકટા ચોકડી નજીક આવેલી રઘુવીર રેસિડેન્સી પાસે દરોડો પાડી 2.050 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે બિહારીલાલ અયોધ્યપ્રસાદ પટેલ નામના શખ્સની અટકાયત કરી ગાંજા ઉપરાંત મોબાઈલ ફોન સહિત કુલ 1 લાખ 12 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે પાંડે નામના અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભડકોદ્રા ગામે એક 64 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ અને છેડતી થઈ હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદમાં કરાયેલા ઉલ્લેખ મુજબ, ગત 22 નવેમ્બરના રોજ બે શખ્સો વૃદ્ધાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં એક શખ્સે તેમની છેડતી કરી હતી જ્યારે અન્ય શખ્સે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઘટનામાં વૃદ્ધાને શારીરિક ઈજાઓ પણ પહોંચી હોવાનું જણાવાયું છે. આ મામલે કાવી પોલીસ સ્ટેશનમાં બંને આરોપી શખ્સો વિરુદ્ધ BNS-2023ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને કાવી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. સોલંકી દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતમાં ચકચાર જગાવનાર ૧૯ લાખ રૂપિયાના કથિત તોડકાંડ મામલે હવે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. અઠવાડિયા સુધી આ સમગ્ર વિવાદ ભારે ગાજ્યા બાદ, વાયરલ થયેલી ચેટના મુદ્દે ભાજપના નેતા મનીષ નાયક સામે પક્ષ દ્વારા શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ચેટથી શરૂ થયેલો આ વિવાદ હવે સત્તાવાર નોટિસ સુધી પહોંચ્યો છે અને મનીષ નાયક પાસેથી સમગ્ર મામલે ખુલાસો માંગવામાં આવ્યો છે. પક્ષની આ કડક કાર્યવાહીને પગલે સુરતના સ્થાનિક રાજકીય વર્તુળોમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે.
જામનગર-અમૃતસર ભારતમાલા હાઈવે પર કટોકટીની સ્થિતિમાં ઉપયોગની ક્ષમતા ચકાસવા માટે એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ દરમિયાન પાટણના બકુત્રા ટોલ નાકા નજીક આર્મીના ચાર એરક્રાફ્ટ સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા, જેના દ્વારા હાઈવેનો ઈમરજન્સી રન-વે તરીકે ઉપયોગ કરવાની સજ્જતા તપાસવામાં આવી હતી.
સુરતના બારડોલીમાં એક અત્યંત ચોંકાવનારી અને અરેરાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં એક જ પરિવારના છ સભ્યોને નહેરમાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં માતા-પિતા સહિત ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 13 વર્ષના એક કિશોરનો ચમત્કારિક બચાવ થયો છે અને અન્ય બે બાળકો હજુ પણ લાપતા છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
મોંઘવારીનો સામનો કરી રહેલી જનતા પર વધુ એક બોજ ઝીંકતા PGVCL દ્વારા વીજળીના દરમાં યુનિટ દીઠ 15 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ કંપનીએ પાંચ અલગ-અલગ પ્રકારના ચાર્જ પર 3.99 ટકા જેટલો ભાવવધારો લાગુ કર્યો છે. આ ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા PGVCLના એમડી (MD) ને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે.
રાજ્યમાં આકરી ઠંડીનો અનુભવ કરવા માટે લોકોએ હજુ થોડી રાહ જોવી પડશે. હવામાન વિભાગની મહત્વની આગાહી મુજબ, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો 18 થી 20 ડિગ્રીની આસપાસ રહેશે.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..