TAT Candidate Protest : ગુજરાતમાં TAT હાયર સેકન્ડરીની પરીક્ષાના પરિણામને લઈને ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પરીક્ષામાં મોટી સંખ્યામાં ઉમેદવારો નાપાસ થતાં રાજ્યભરમાંથી પરીક્ષાર્થીઓ ગાંધીનગર ખાતે એકત્રિત થયા હતા. સેક્ટર-21 સ્થિત ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ખાતે પહોંચેલા ઉમેદવારોએ પરિણામ સામે વિરોધ નોંધાવી રજૂઆત કરી હતી. ઉમેદવારોએ બંને પેપરના માર્ક જાહેર કરવા તેમજ પરિણામની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ સાથે બોર્ડને આવેદનપત્ર આપ્યું હતું.
TAT હાયર સેકન્ડરીની પરીક્ષામાં અંદાજે 47 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાંથી આશરે 16 હજાર ઉમેદવારો જ પાસ થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે લગભગ 30 હજાર જેટલા ઉમેદવારો નાપાસ થતાં પરીક્ષાર્થીઓમાં અસંતોષ ફેલાયો છે. આ પરિણામને લઈને ઉમેદવારોમાં અનેક સવાલો ઊભા થયા છે.
ગાંધીનગરના સેક્ટર-21 ખાતે એકત્રિત થયેલા ઉમેદવારોએ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. ઉમેદવારોનું કહેવું છે કે પરીક્ષાના પરિણામમાં પારદર્શિતા હોવી જરૂરી છે. ખાસ કરીને પેપર-1 અને પેપર-2ના અલગ-અલગ માર્ક જાહેર કરવામાં આવે, જેથી ઉમેદવારોને પોતાના પરિણામ અંગે સ્પષ્ટ માહિતી મળી શકે.
ઉમેદવારોએ એવી પણ માંગ કરી છે કે પરિણામની નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે અને મૂલ્યાંકન પ્રક્રિયામાં કોઈ ભૂલ થઈ હોય તો તેની યોગ્ય ચકાસણી કરવામાં આવે.
રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી ગાંધીનગર પહોંચેલા ઉમેદવારોએ પરીક્ષા બોર્ડ સામે વિરોધ નોંધાવી આવેદનપત્ર સુપરત કર્યું હતું. ઉમેદવારોની મુખ્ય માંગ છે કે બંને પેપરના ગુણ જાહેર કરવામાં આવે, પરિણામની પારદર્શક તપાસ કરવામાં આવે અને ઉમેદવારોને ન્યાય મળે.
હવે ઉમેદવારોની આ રજૂઆત બાદ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે અને પરિણામ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.