SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સસ્તી લોનની લાલચ આપી બેંક એકાઉન્ટ કર્યા સાફ! 23.677 લાખ પડાવ્યા, દિલ્હીથી ચાલતો હતો કાળો કારોબાર

આજના ડિજિટલ જમાનામાં સાયબર ફ્રોડથી સાવચેત રહેવું જરૂરી છે. એક નાની ભૂલ મોટું નુકસાન પહોંચાડી શકે છે. વડોદરામાં એક એવી ઘટના બની, જ્યાં લોનની લાલચ આપીને લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. દિલ્હીમાં બેસીને તેનું નેટવર્ક ચાલી રહ્યું હતું.

Written By Gokani Dhaval
Published: Oct 14, 2026, 05:24 PM IST | Updated: Oct 14, 2026, 05:25 PM IST
Join

લોન જોઈએ છે? બસ, આ એક સવાલ...અને તમારું બેંક એકાઉન્ટ સાફ! જી હા, વડોદરામાં લોનની લાલચ આપીને માસૂમ નાગરિકોને કંગાળ કરતી એક હાઈટેક ઈન્ટરસ્ટેટ ગેંગ સક્રિય થઈ હતી...નોઈડા અને દિલ્હીમાં બેસીને આ ગઠિયાઓ આખું નેટવર્ક ચલાવતા હતા...પણ, વડોદરા સાયબર ક્રાઇમની ટીમે એવો ડિજિટલ સપાટો બોલાવ્યો છે કે દિલ્હીના એરકન્ડિશન્ડ કોલ સેન્ટરમાં બેસીને ઠગાઈ કરનારા માસ્ટરમાઇન્ડ હવે લોકઅપના સળિયા ગણી રહ્યા છે...

દિલ્હીથી ચાલતું લોન ઠગાઈનું નેટવર્ક
બેંકમાંથી સસ્તી લોન અપાવવાનું બહાનું... અને ગણતરીના દિવસોમાં જ લાખો રૂપિયાની સફાચટ! વડોદરામાં લોન વાંચ્છુકોને શિકાર બનાવતી દિલ્હીની ગેંગે અડધી રાતે ધાડ પાડી હોય તેમ બે અલગ-અલગ ગુનામાં 23.67 લાખ રૂપિયા ખંખેરી લીધા! એક જ ઝાટકે એક નાગરિક પાસેથી 18.38 લાખ અને બીજા ગુનામાં 5.29 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી. ગઠિયાઓએ દિલ્હીમાં મોટું નેટવર્ક ઊભું કર્યું હતું...બેરોજગાર યુવાનોને નોકરીએ રાખી આખું કોલ સેન્ટર ધમધમતું કર્યું હતું....આ અંગે ફરિયાદ નોંધાઈ અને હાઈટેક ઠગાઈની તપાસમાં સાયબર ક્રાઇમની ટીમના હાથમાં લાગી એક સૌથી મોટી કડી... અને એ કડી હતી એક સિંગલ ઈમેલ આઈડી!...વડોદરા પોલીસ સીધી પહોંચી ગઈ દેશની રાજધાની દિલ્હી!

પોલીસે જપ્ત કર્યો મુદ્દામાલ
દિલ્હી પહોંચેલી વડોદરા સાયબર ક્રાઇમની ટીમે એવો સપાટો બોલાવ્યો કે ગઠિયાઓને ભાગવાનો મોકો પણ ન મળ્યો...પોલીસે નોઈડાથી જિતેન્દ્રકુમાર મૌર્ય અને પૂર્વ દિલ્હીથી અભિષેકકુમારને દબોચી લીધા...બંને ઠગોને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર વડોદરા લાવી લોકઅપમાં પૂરી દેવાયા. એટલું જ નહીં, જે કોલ સેન્ટરમાંથી આખો ખેલ ચાલતો હતો ત્યાંથી પોલીસે 7 સ્માર્ટફોન, 2 લેપટોપ, 2 હાઈ-સ્પીડ રાઉટર અને 5 નકલી સિમ કાર્ડ સહિતનો ડિજિટલ મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચોઃ સુરતમાં કરોડોની  21 વીંઘા જમીન પચાવી પાડવાનું કૌભાંડ: નિવૃત્ત ASI સહિત 3ની ધરપકડ

મોટા નેટવર્કની સંભાવના
પોલીસને આશંકા છે કે આ બે આરોપીઓ તો માત્ર મહોરાં છે, આ આખા કાળા કારોબાર પાછળ કોઈ મોટું માથું સંડોવાયેલું હોઈ શકે છે. જેથી હવે આ આખી સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા પોલીસે કાયદાકીય સકંજો વધુ મજબૂત કર્યો છે.

સસ્તી લોનની લાલચ પડશે ભારે
અજાણ્યા ફોન કોલ્સ પર ભરોસો કરવો, સસ્તી લોનની લાલચમાં આવીને પોતાની ખાનગી વિગતો શેર કરવી કેટલી ભારે પડી શકે છે, તેનો આ કિસ્સો જીવતો-જાગતો પુરાવો છે...ડિજિટલ યુગમાં સાયબર ગઠિયાઓથી બચવા માટે સરકાર કે પોલીસ નહીં, પણ નાગરિકે પોતે જ જાગૃત થવું પડશે...હાલ તો દિલ્હીની આ ગેંગ જેલના સળિયા ગણી રહી છે, પણ પોલીસની આ તપાસ આગામી દિવસોમાં દેશભરમાં ફેલાયેલા કયા કયા મોટા સ્કેમર્સના નેટવર્કનો સફાયો કરે છે તે જોવું રહ્યું.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES