નવસારીમાં 120 વર્ષ જૂની અનોખી પરંપરા: કુંભારવાડની સાંકડી શેરીઓમાં આજે પણ ધબકે છે પ્રાચીન 'દોરી રાસ'
Navsari News: આસોની રાતના અજવાળામાં સમગ્ર ગુજરાત અત્યારે ગરબાના તાલે ઝૂમી રહ્યું છે. મોટા મોટા ડોમ, રોશનીનો ઝગમગાટ અને ડીજેના તાલ વચ્ચે આજની યુવા પેઢી જ્યાં આધુનિક ગરબે ઘૂમી રહી છે. ત્યાં દક્ષિણ ગુજરાતના નવસારીમાં એક એવી પરંપરા જીવંત છે જે તમને પ્રાચીનકાળની ભક્તિ અને સંસ્કૃતિમાં લીન કરી દેશે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કુંભારવાડની સાંકડી શેરીઓમાં છેલ્લા 120 થી પણ વધુ વર્ષોથી એક અનોખો ‘દોરી રાસ’ રમાઈ રહ્યો છે. આ માત્ર રાસ નથી, પણ 12 ખેલૈયાઓની એકાગ્રતા, માતાજી અને હનુમાનજી પ્રત્યેની અપરંપાર શ્રદ્ધા અને સંસ્કૃતિને જીવંત રાખવાનો અનોખો યજ્ઞ છે.
Navsari News: નવસારીના ગણદેવી નગરના કુંભારવાડમાં અંદાજે 300 વર્ષથી પણ વધુ જૂનું શ્રીરામ ભક્ત હનુમાનજીનું મંદિર આવેલું છે. આ સાંકડી ગલીઓમાં વસતા પ્રજાપતિ સમાજના 35 થી વધુ પરિવારો વર્ષોથી દાદાની સેવા-પૂજા કરતા આવ્યા છે. સામાન્ય રીતે હનુમાન મંદિર હોય ત્યાં નવરાત્રીનો આટલો મોટો મહોત્સવ ઓછો જોવા મળે, પરંતુ અહીં હનુમાનજીના સાનિધ્યમાં સેંકડો વર્ષોથી શક્તિની આરાધના થાય છે.
'મામાએ જેને દીકરાની જેમ ઉછેર્યો, તે જ ભાણિયાનું કાસળ કાઢ્યું'! અમદાવાદના રામોલમાં સંબંધોની હચમચાવતી ઘટના
કદાચ એકમાત્ર એવો આકર્ષક પ્રકાર એટલે અહીં રમાતો ‘દોરી રાસ’
શનિવારના દિવસે અહીં રામાયણના પ્રસંગો અને સુંદરકાંડ પર આધારિત એક કલાક સુધીનો ખાસ ગરબો ગવાય છે. પરંતુ આ ગરબાની ખરી ઓળખ અને દક્ષિણ ગુજરાતનો કદાચ એકમાત્ર એવો આકર્ષક પ્રકાર એટલે અહીં રમાતો ‘દોરી રાસ’! આ દોરી રાસ અહીં કઈ રીતે આવ્યો એ સંશોધનનો વિષય છે. પરંતુ કાના અને ગોપીઓના વ્રજભક્તિના પ્રેમમાંથી જન્મેલી આ પરંપરા આજે પણ કુંભારવાડની શેરીઓમાં એ જ પવિત્રતા સાથે ધબકે છે
અડધાથી પોણો કલાક સુધી રમતા રમતા આ 12 દોરીઓ એકબીજામાં ગૂંથાતી જાય
આ દોરી રાસની રચના અને રમત અતિ ગહન અને રોમાંચક છે. શેરીમાં ઉપર એક લાકડાના માળખેથી 12 દોરીઓ લટકાવવામાં આવે છે. જેની નીચે લોખંડના દાંડિયા બાંધેલા હોય છે. 6 જોડીમાં વહેંચાયેલા 12 ખેલૈયાઓ અંદર અને બહારના બે વર્તુળોમાં એક ચોક્કસ લય અને ગતિ સાથે રમે છે. જેમ મહિલાઓ પોતાના વાળનો ચોટલો ગૂંથે છે. બિલકુલ એ જ રીતે અડધાથી પોણો કલાક સુધી રમતા રમતા આ 12 દોરીઓ એકબીજામાં ગૂંથાતી જાય છે.
જીવનની મુશ્કેલીઓને એકાગ્રતા અને શાંત ચિત્તે ઉકેલવાનો મોટો જીવનમંત્ર
ત્યારબાદ ઊંધા ફેરા ફરીને, એક પણ ગૂંચવાડા વગર આ ગૂંથણને સફાઈપૂર્વક છોડવામાં આવે છે. આ રાસમાં સહેજ પણ ચુક થાય કે એકાગ્રતા ભંગ થાય તો દોરીઓનો ગૂંચવાડો આખી મજા બગાડી દે છે. પરંતુ, પેઢી દર પેઢી આ રાસ રમતા કુંભારવાડના યુવાનો આ કળામાં માહિર થઈ ગયા છે. આ દોરી રાસ માત્ર એક ઉત્સવ નથી, પણ જીવનની મુશ્કેલીઓને એકાગ્રતા અને શાંત ચિત્તે ઉકેલવાનો મોટો જીવનમંત્ર પણ આપે છે.
"દીકરી નહોતી ગમતી...", રાજકોટમાં બાળકીના શંકાસ્પદ મોતના કેસમાં મોટો ખુલાસો, 5મા માળેથી ફેંકી દીકરીને મારનાર કળયુગી માતા પકડાઈ
ગણદેવીનો આ કુંભારવાડ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ
એક સમયે આ દોરી રાસ વિસરાઈ જવાના આરે હતો, પરંતુ કુંભારવાડના સ્થાનિક આગેવાનો, વડીલોના માર્ગદર્શન અને નવલોહિયા યુવાનોના સમર્પણના કારણે આજે આ લોકકળા દેશ-વિદેશમાં ખ્યાતિ પામી રહી છે. મોટા મોટા ડોમ અને ઝગમગાટ ભરેલા આધુનિક ગરબાની ઝાકઝમાળ વચ્ચે પોતાની પ્રાચીન શેરી સંસ્કૃતિ અને વિરાસતને જતનપૂર્વક સાચવી રાખતો ગણદેવીનો આ કુંભારવાડ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ છે. આગામી પેઢી પણ આ જ શ્રદ્ધા સાથે આ પરંપરાને આગળ ધપાવશે એવો દ્રઢ વિશ્વાસ અહીંના યુવાનો વ્યક્ત કરી રહ્યા છે.