SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

'બુક ભૂલી ગઈ'નું કહી ફ્લેટ પર લઈ ગયો: રાજકોટમાં સરકારી શિક્ષકે 14 વર્ષની સગીરાનું આચર્યું શારીરિક શોષણ, 8 મહિને ભાંડો ફૂટ્યો!

Rajkot Teacher Mohit Tank Accused: રાજકોટમાં ધોરણ-9માં અભ્યાસ કરતી 14 વર્ષની સગીરાને શિક્ષકે પાસ કરાવવાની લાલચ અને નાપાસ કરવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજાર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાજકોટની સરકારી સ્કૂલના શિક્ષક મોહિત ટાંક દ્વારા આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે. ત્યારે પોલીસે આરોપી મોહિત ટાંકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Written By Kinjal Patel
Published: Oct 02, 2026, 03:13 PM IST | Updated: Oct 02, 2026, 03:41 PM IST
Join

સાહિલ સપ્પા/રાજકોટ: રાજકોટમાં ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને કલંકિત કરતી ગંભીર ઘટના સામે આવી છે. સરકારી શાળાના 38 વર્ષીય ગણિત શિક્ષક સામે 14 વર્ષની સગીરા સાથે જાતીય શોષણ અને ધમકી આપ્યાનો આરોપ લાગ્યો છે. તાલુકા પોલીસે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી શિક્ષક મોહિત ટાંકની ધરપકડ કરી છે. આરોપ છે કે શિક્ષકે સગીરાને પરીક્ષામાં સારા માર્ક્સથી પાસ કરાવવાની લાલચ અને ધમકી આપી પોતાની જાળમાં ફસાવી હતી. સમગ્ર મામલો સામે આવતા શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને આરોપી શિક્ષક મોહિત ટાંકને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શિક્ષક સગીરા સાથે વર્ગખંડમાં અન્ય વિદ્યાર્થીઓ હાજર ન હોય ત્યારે હગ અને કિસ કરતો..
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સગીરાની માતાએ આરોપ મૂક્યો છે કે શિક્ષક દ્વારા સગીરાને ગણિત વિષયમાં નાપાસ કરવાની ધમકી આપી તેની સાથે અયોગ્ય વર્તન કરવામાં આવતું હતું. શિક્ષક અગાઉ સગીરા જે સરકારી શાળામાં ધોરણ 6થી 8 દરમિયાન અભ્યાસ કરતી હતી ત્યાં ગણિત ભણાવતા હતા. માતાના આક્ષેપ મુજબ, જાન્યુઆરી 2026થી શિક્ષક સગીરા સાથે વર્ગખંડમાં અન્ય વિદ્યાર્થીઓ હાજર ન હોય ત્યારે હગ અને કિસ કરતા હતા. 

'બુક ઘરે ભૂલી ગઈ હોવાથી સર ઘરે મૂકવા આવે છે' તેમ કહેવા દબાણ કર્યું 
સગીરાએ આ વર્તનનો વિરોધ કરતાં તેને ગણિતમાં નાપાસ કરવાની તથા અભ્યાસમાં નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવતી હતી. 9 જાન્યુઆરીના રોજ સગીરા શાળાએ પહોંચી ત્યારે શિક્ષકે તેને પોતાની સાથે ઘરે આવવા કહ્યું હતું. સગીરાએ ઇનકાર કરતાં શિક્ષકે તેનું બેગ ખેંચ્યું હોવાનો અને જો કોઈ પૂછે તો 'બુક ઘરે ભૂલી ગઈ હોવાથી સર ઘરે મૂકવા આવે છે' તેમ કહેવા દબાણ કર્યું હોવાનો આરોપ છે.

મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો
ગણિતમાં નાપાસ કરી દેવાની તથા ભણતરમાં આગળ વધવા નહીં દેવાની ધમકી આપીને શિક્ષક સગીરાને પોતાની કારમાં મવડી રોડ વિસ્તારમાં આવેલા ફ્લેટ પર લઈ ગયા હતા. સગીરાને બેડરૂમમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ ઘટના બાદ શિક્ષકે સગીરાને કારમાં બેસાડી શાળાની નજીક ઉતારી દીધી હતી. જ્યાંથી તે ચાલીને શાળાએ ગઈ હતી. 

શિક્ષકની વાત નહીં માને તો ગણિતમાં નાપાસ કરીશ
આ ઘટના બાદ પણ એપ્રિલ 2026 સુધી સગીરાને ખાલી વર્ગખંડમાં બોલાવવામાં આવતી હતી અને ત્યાં તેની સાથે અયોગ્ય વર્તન કરવામાં આવતું હતું. સગીરાને આ બાબત કોઈને ન જણાવવા માટે સતત ધમકાવવામાં આવતી હતી. શિક્ષકની વાત નહીં માને તો ગણિતમાં નાપાસ કરી દેવાની તેમજ પોતાને નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવતી હતી.

સગીરાની માતાની ફરિયાદના આધારે ગુનો દાખલ
23 સપ્ટેમ્બરના રોજ સગીરા ઘરે ગુમસુમ બેઠી હતી. ત્યારે માતાએ તેને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતાં તેણે અગાઉ બનેલી ઘટનાઓ અંગે જાણ કરી હતી. ત્યારબાદ પરિવાર દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો અને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તાલુકા પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે BNSની કલમ 137(2), 64(2)(F), 65(1), 78(2), 351(2) તથા પોક્સો અધિનિયમની કલમ 4, 8 અને 12 સહિતની લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. 

પરણિત સરકારી શિક્ષક મોહિત ટાંકની ધરપકડ
ફરિયાદના આધારે પોક્સો સહિતની કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા શાળા અને ઘટનાસ્થળ સંબંધિત વિગતો, સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓ તથા ફરિયાદમાં કરવામાં આવેલા અન્ય આક્ષેપોની તપાસ કરવામાં આવી રહી છે. 38 વર્ષીય પરણિત સરકારી શિક્ષક મોહિત ટાંકની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ આરોપી મોહિત ટાંકને પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. 

તપાસમાં સામે આવ્યું છે કે મોહિત ટાંક વર્ષ 2010થી શિક્ષણ વિભાગમાં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો છે. શિક્ષક તરીકેની લાંબી સરકારી સેવા દરમિયાન ગંભીર આરોપો સામે આવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES