કપડાં સિવડાવવા ગયેલી યુવતી સાથે અડપલાં: બારડોલીના મઢી ગામે દરજી વિરુદ્ધ આક્રોશ ફાટી નીકળતા પોલીસ મથકે હોબાળો!
આજના સમયમાં નાની બાળકીઓને ગુડ ટચ કે બેડ ટચનો અભ્યાસ શાળામાંથી અપાતું થયું છે. જે સૌથી મોટું હિતકારી કામ છે પરંતુ હજુ પણ હવસના પુજારીઓ પોતાની તરસ છીપાવવા માટે કોઈને કોઈ એવું કાંડ કરી નાખે છે. જેનાથી મહિલાને જીવનભર યાદ રહે તેવો કડવો અનુભવ થાય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે સુરતના ગ્રામ્ય વિસ્તારમાંથી. જ્યાં બની છે એક એવી ઘટના જેણે ફરી એકવાર મહિલા સુરક્ષા સામે ઉઠાવ્યા છે સવાલ ત્યારે શું છે સમગ્ર મામલો.
સંદીપ વસાવા, બારડોલી : મોડી રાત્રે રસ્તા પર લોકોની ભીડ નજરે પડી રહી છે. આ ભીડ જાણે કોઈ હોબાળાને લીધે એકઠી થઈ હોય તેવું લાગી રહ્યું છે અને ભીડ એકઠી થવાનું કારણ છે છેડતીનો બનાવ. આ ઘટના ઘટી છે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામમાં જ્યાં છેડતીની ઘટના બનતા મચ્યો છે હોબાળો.
- કપડાં સીવતા યુવાને કર્યુ ન કરવાનું કામ
- કપડાંનું માપ લેવાના બહાને અયોગ્ય વર્તન
- યુવતીએ છેડતીનો આરોપ લગાવતા હોબાળો
કપડાં સિવવાની દુકાનમાં કામ કરતા એક દીનેશ મારવાડી નામના યુવક પર એક યુવતીએ છેડતીનો આરોપ લગાવ્યો છે. યુવતીના આરોપ મુજબ ઘટના અંગે વાત કરીએ તો....
શું બની ઘટના?
- કપડાં સીવડાવવા માટે યુવતી દુકાને આવી હતી
- દિનેશે કપડાં સીવવા માટે માપ આપવા માટે કહ્યું હતું
- માપ લેવાના બહાને દિનેશે અયોગ્ય વર્તન કર્યુ
- જે બાદ યુવતીએ પરિજનોને આ ઘટના જણાવી
- પરિજનોએ દુકાનમાં ઘૂસીને હોબાળો મચાવ્યો
ઘટના અંગે પીડિતાએ આરોપી સામે ફરિયાદ નોંધાવી. જેના આધારે બારડોલી ગ્રામ્ય પોલીસે આરોપી દિનેશ મારવાડીની ધરપકડ કરી લીધી છે.
પોલીસે દરજીની કરી અટકાયતની કાર્યવાહી
પોલીસના જણાવ્યા મુજબ આરોપી દિનેશ મારવાડી મૂળ રાજસ્થાનનો વતની છે અને મઢી ગામે મહિલાઓના કપડાં સીવવાનું કામ કરે છે. પીડિતા જ્યારે પોતાના કપડાં સીવડાવવા આવી હતી ત્યારે આરોપીએ એકલતાનો લાભ ઉઠાવીને છેડતીના ગુનાને અંજામ આપ્યો હતો. એક તરફ પોલીસે અટકાયતની કાર્યવાહી કરી તો બીજી તરફ મામલો ગરમાતાં ચૌધરી સમાજના લોકોનું એક ટોળું પોલીસ મથકે આવી પહોચ્યું હતું. એટલું જ નહીં આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે માગ પણ કરી હતી.
મઢી ગામે બનેલી છેડતીની આ ઘટનાએ મહિલાઓની સુરક્ષા સામે ફરી એકવાર સવાલ ઉઠાવ્યો છે. આ કેસમાં પોલીસ પાસે લોકો અપેક્ષા રાખી રહ્યાં છે કે દાખલો બેસે તે પ્રકારની આરોપી સામે કાર્યવાહી થાય.