બુરહાન પઠાણ/આણંદ: આણંદ શહેરનાં મૂળ રહીસ અને હાલમાં કેનેડામાં વસવાટ કરી કેનેડાની નાગરીકતા મેળવનાર સમિત ગોહીલએ માત્ર 12 વર્ષની નાની વયે ક્રિકેટ રમવાનો પ્રારંભ કર્યો હતો. શરૂઆતમાં આણંદ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસીએશન દ્વારા ચાલતાં કેમ્પમાં પ્રેક્ટિસ કરવા જતો હતો. ઇન્ટરસ્કૂલ ટુર્નામેન્ટ બાદ ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ રમવાનું શરૂ કર્યુ હતું. ક્રિકેટમાં સારા પરર્ફોમન્સના કારણે 16 વર્ષની વયે ગુજરાતની અંડર 19ની ટીમમાં સિલેક્ટ થયો હતો. ત્યારબાદ વર્ષ 2012માં રણજી ટ્રોફીમાં ગુજરાતની ટીમમાંથી રમવાની તક મળી હતી.
સમિત ગોહીલની કેનેડાની ઈન્ટરને્શનલ ક્રિકેટ ટીમમાં પસંદગી
રણજી ટ્રોફીમાં તેણે 80 થી વધુ મેચો રમી હતી જેમાં પંજાબ અને ગુજરાત વચ્ચેની મેચમાં 140 રન કર્યા હતા. જયારે રણજી ટ્રોફીમાં ગુજરાત ટીમમાંથી ઓડીશા સામે ફાઇનલ મેચમાં અણનમ 359 રન ફટકારી વિશ્વ રેકોર્ડ કર્યો હતો. ત્રણેક વર્ષ પૂર્વે સમિત કેનેડા ગયો હતો અને ત્યાં સ્થાઈ થતા તેને કેનેડાની નાગરીકતા મળી હતી,કેનેડામાં પણ તેણે વિવિધ મેચોમાં સરેરાશ 85થી વધુ રન ફટકાર્યા હતા અને કેનેડાની ઈન્ટરનેશન ક્રિકેટ ટીમનાં સીલેકટરોની નજરમાં તે વસી ગયો હતો અને કેનેડાની નાગરીકતા મળતાની સાથે જે તેની કેનેડા ઈન્ટરનેશનલ ક્રિકેટ ટીમમાં પણ પસંદગી કરી લેવામાં આવી છે,અને આગામી ઓમાન ખાતે રમાનારી ટુર્નામેન્ટથી સમિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં પ્રદર્શન કરશે.
સમિતને બાળપણથી જ ક્રિકેટનો શોખ હતો: સમિતની માતા
સમિત ગોહીલની કેનેડાની ઈન્ટરનેશનલ ટીમમાં પસંદગી થતા તેની ખુશીમાં આખો પરિવાર અત્યારે ટોપ ઓફ ધ વર્લ્ડ છે. સમિતની કારર્કિદીમાં તેની માતાનો બહુ જ મોટો ફાળો રહ્યો છે જયારે સમિત નાનો હતો ત્યારે તેના માટે તેની માતાએ બહુ બાધાં રાખી હતી. અત્યારે માતા પણ બહુ લાગણીશીલ થઈ ગયા હતા, સમિતની માતાએ કહ્યું હતું કે સમિતને બાળપણથી જ ક્રિકેટનો શોખ હતો અને જયારે બીજા બાળકો કાર ઢીંગલા ઢીંગલી જેવા રમકડાથી રમતા હતા ત્યારે સમિત બેટ અને બોલની માંગ કરી બોલ બેટ રમતો હતો.
ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવી અને તેનું સ્વપ્ન સાકાર થયું!
બજારમાં જઈએ ત્યારે પણ તે બેટ ખરીદી આપવાની જ જીદ કરતો,જયારે સુઈ જાય ત્યારે પણ સાથે બોલ બેટ લઈને સુઈ જાય,જમવા બેસે ત્યારે પણ સાથે બોલબેટ લઈને બેસતો હતો,તેનું સ્વપ્ન હતું કે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવી અને તેનું સ્વપ્ન સાકાર થયું છે,તે વિશ્વ કપ પણ રમે તે માટે તેઓએ આશા વ્યકત કરી હતી. સમિતની પત્ની શીખાએ પણ ખુશી વ્યકત કરતા કહ્યું હતું કે સમિતની ઈન્ટરનેશનલ ક્રિકેટ ટીમમાં પસંદગી થતા આખો પરિવાર બહુ જ ખુશ છે. સમિતએ ધણી મહેનત કરી છે,અને મહેનતનું ફળ મળ્યું છે.