સુરતમાં રૂ. 30 હજારની લેતી-દેતીમાં મિત્રની ઘાતકી હત્યા: ધડ કબ્રસ્તાનમાં ફેંક્યું અને માથું રેલવે ટ્રેક પર ફેંકી દીધાનો પર્દાફાશ
સુરતમાં મિત્રએ જ મિત્રની હત્યા કર્યાનું સામે આવ્યું છે. માત્ર 30 હજાર રૂપિયાના વહીવટમાં મિત્રને પતાવી દેવામાં આવ્યો છે. પોલીસે જ્યારે આ હત્યાનો ભેદ ઉકેલ્યો તો ચોંકાવનારો ખુલાસો થયો હતો, જેને સાંભળી પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી.
તહેવારોની રોશની વચ્ચે એક એવી ખૌફનાક કહાની સામે આવી છે, જેને સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે...કલ્પના કરો...સુરત જેવા હીરા નગરીના એક કબ્રસ્તાનના અંધકારમાં, ઝાડી-ઝાખરા વચ્ચેથી એક એવું નગ્ન ધડ મળે છે જેના પર એક પણ કપડું નથી...અને સૌથી મોટો સવાલ એ છે કે... એ ધડ પર માથું જ ગાયબ છે! પોલીસ જ્યારે આ મર્ડર મિસ્ટ્રીના ભેદ ઉકેલવા નીકળી, ત્યારે જે ખુલાસો થયો તેણે ખુદ ખાખી વર્દીવાળાને પણ હચમચાવી દીધા!...
મિત્રએ જ મિત્રનું વાઢી નાખ્યું માથું
સુરતનું કતારગામ...અને આ એ જ ગોટાલાવાડી ચાર રસ્તા પાસે આવેલું ખ્રિસ્તી કબ્રસ્તાન છે જ્યાં મંગળવારે રાત્રે 10 વાગ્યે પોલીસને એક એવો કોલ મળ્યો જેણે આખી પોલીસ ને દોડતી કરી દીધી...કબ્રસ્તાનના ઝાડી-ઝાખરામાંથી એક પુરુષની લાશ મળી આવી, પણ એ લાશ સામાન્ય નહોતી...લાશ પર એક પણ કપડું નહોતું અને શરીર પરથી માથું ગાયબ હતું! નગ્ન હાલતમાં માથા વગરનું ધડ જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા...
ઘટનાની ગંભીરતા જોઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ, FSL અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે ઉતારી દેવામાં આવી...સવાલ એ હતો કે મૃતક કોણ છે? અને તેનું માથું ક્યાં છે? પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા અને કતારગામ અલ્કાપુરી બ્રિજ નીચે સુમુલ ડેરી રોડ પર આવેલી રેલવે પટરી પરથી મૃતકનું કપાયેલું માથું મળી આવ્યું...ધડ કબ્રસ્તાનમાં અને માથું ત્રણ કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર! કાતિલે ઓળખ છુપાવવા માટે આ આખો પ્લાન ઘડ્યો હતો.
આ પણ વાંચોઃ તેલમાં કલર અને ફ્લેવર મિક્સ કરીને વેચાતું હતું નકલી ઘી: ફૂડ વિભાગના દરોડામાં થયો ચોંકાવનારો ખુલાસો
પોલીસ માટે આ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવો એક મોટો પડકાર હતો, પણ કતારગામ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ક્રૂર હત્યાકાંડના માસ્ટરમાઈન્ડ આરોપી સચિત્રકુમાર નરેન્દ્ર બાલને ઝડપી પાડ્યો...મૂળ ઓડિશાનો અને સુરતમાં લૂમ્સ કારીગર તરીકે કામ કરતો 54 વર્ષનો સચિત્રકુમાર જ્યારે પોલીસના સકંજામાં આવ્યો, ત્યારે તેણે જે કબૂલાત કરી તે કંપાવી દેનારી હતી.
મૃતક 44 વર્ષીય સંજીત ઉર્ફે સંજય ખોસલા અને આરોપી સચિત્રકુમાર બંને સાથે કામ કરતા હતા...સંજીતે આરોપી પાસેથી 30 હજાર રૂપિયા ઉછીના લીધા હતા, જે તે પરત આપતો નહોતો...બસ, આ જ રૂપિયાની લેતી-દેતીમાં રવિવારે રાત્રે આરોપી મૃતક સંજીતના ઘરે ગયો અને ત્યાં જ કોયતાના ઘા ઝીંકીને સંજીતને મોતને ઘાટ ઉતારી દીધો.
આ પણ વાંચોઃ ખાખી વર્દીની આડમાં ખેલ: નકલી પોલીસ બની લોકો સાથે ઠગાઈ કરનાર ઝડપાયો
હત્યા કર્યા બાદ રવિવારે સાંજે જ આરોપીએ લાશને એક પોટલામાં બાંધી કતારગામ કબ્રસ્તાનની ઝાડીઓમાં ફેંકી દીધી...પણ સોમવારે આરોપીને ડર લાગ્યો કે પોલીસ લાશ ઓળખી જશે...એટલે તે સોમવારે સાંજે ફરીથી કબ્રસ્તાન પહોંચ્યો, લાશનું માથું કોયતાથી કાપી અલગ કર્યું, તેને કોથળામાં ભર્યું અને અલ્કાપુરી બ્રિજ પરથી નીચે રેલવે પટરી પર ફેંકી દીધું!
જોકે, પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતો...પોલીસે આરોપીની કડક પૂછપરછ કરીને તેની જ નિશાનદેહી પરથી કપાયેલું માથું કબજે કર્યું છે...હાલ ધડ અને માથાને પોસ્ટમોર્ટમ અને DNA ટેસ્ટિંગ માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે...તહેવારોના માહોલમાં માત્ર 30 હજાર રૂપિયા માટે રમાયેલા આ લોહિયાળ ખેલથી આખું સુરત ધ્રુજી ઉઠ્યું છે.
આરોપી સચિત્રકુમારે કાયદાના સકંજાથી બચવા માટે ક્રૂરતાની બધી જ હદો વટાવી દીધી હતી... મિત્રતાને કલંકિત કરનારો આ હત્યારો એમ સમજી બેઠો હતો કે માથું કાપીને ત્રણ કિલોમીટર દૂર ફેંકી દેવાથી તે પોલીસને થાપ આપી દેશે...પણ તે ભૂલી ગયો કે કાયદાના હાથ બહુ લાંબા હોય છે...દિવાળીના પર્વ પર ખૂની ખેલ ખેલનારો આ નરાધમ હવે જેલના સળિયા પાછળ ધકેલાઈ ચૂક્યો છે...પરંતુ આ ઘટનાએ સુરતમાં કાયદો અને વ્યવસ્થા સામે ફરી એકવાર અનેક ગંભીર સવાલો ઊભા કરી દીધા છે.