ચેતન પટેલ, સુરતઃ બાંગ્લાદેશમાં અસ્થિરતા અને અરાજકતાના માહોલ વચ્ચે ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે નવી તકોના દ્વાર ખૂલી રહ્યા છે. વિશ્વની જાણીતી ગાર્મેન્ટ બ્રાન્ડ્સ હવે સુરત તરફ નજર દોડાવી રહી છે. અમેરિકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોની બ્રાન્ડેડ કંપનીઓનાં કપડાંનું ઉત્પાદન હવે સુરતમાં થઈ રહ્યું છે. સૌથી મોટી વાત એ છે કે આ વૈશ્વિક બ્રાન્ડ્સનાં કપડાંની સિલાઈ કરી રહી છે આપણી આદિવાસી મહિલાઓ.... જોઈએ આ વિશેષ અહેવાલમાં...
બાંગ્લાદેશમાં પ્રવર્તતી અસ્થિરતાએ વૈશ્વિક ગાર્મેન્ટ સપ્લાય ચેઇન સામે અનેક સવાલો ઊભા કર્યા છે. વિકસિત દેશોની કંપનીઓ હવે ઉત્પાદન માટે રાજકીય સ્થિરતા, સુરક્ષા અને વિશ્વસનીયતાને પ્રાથમિકતા આપી રહી છે. ભારત આ માપદંડોમાં મજબૂત વિકલ્પ બનીને ઊભરી રહ્યું છે. અને આ તકનો સૌથી મોટો લાભ મળી રહ્યો છે ગુજરાતના સુરતને..
સુરતમાં 100થી વધુ બ્રાન્ડેડ ગાર્મેન્ટ કંપનીઓએ પોતાની ઉત્પાદન પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી છે...વોલમાર્ટ અને લેધર હાઉસ જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સહિત વિદેશી કંપનીઓ માટે શર્ટ, પેન્ટ, શોર્ટ્સ અને ટી-શર્ટનું ઉત્પાદન થઈ રહ્યું છે. સુરતનું મેનમેડ ફાઇબર હબ તરીકેનું મજબૂત માળખું હવે ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ નવી ઓળખ ઊભી કરી રહ્યું છે.
પરંતુ આ સમગ્ર પરિવર્તનની સૌથી પ્રેરણાદાયી તસવીર છે આદિવાસી મહિલાઓની...આંતરરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા મહિલાઓને આધુનિક સિલાઈની તાલીમ આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં અંદાજે 25 હજાર આદિવાસી મહિલાઓને રોજગારી મળી રહી હોવાનો દાવો છે. જે હાથ પહેલાં મર્યાદિત રોજગારીની તકો સુધી સીમિત હતા, એ જ હાથ આજે વિશ્વની જાણીતી બ્રાન્ડ્સનાં કપડાં તૈયાર કરી રહ્યા છે. મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે અને પરિવારની આવકમાં પણ યોગદાન આપી રહી છે.
મહિલાઓને માત્ર રોજગારી જ નહીં, પરંતુ કામના સ્થળે ફીડિંગ રૂમ, તબીબી સારવાર અને અન્ય જરૂરી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. એટલે કે રોજગારી સાથે મહિલાઓના સ્વાસ્થ્ય અને સન્માનનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
વિદેશી બ્રાન્ડ્સનું ઉત્પાદન, સુરતના ઉદ્યોગને નવી ઊંચાઈ અને આદિવાસી મહિલાઓને આત્મનિર્ભરતાની નવી ઓળખ... આ છે બદલાતા ગુજરાતની નવી તસવીર...સુરત હવે માત્ર કાપડનું શહેર નથી, પરંતુ વૈશ્વિક ગાર્મેન્ટ ઉદ્યોગમાં ભારતની નવી તાકાત બની રહ્યું છે.