દિવાળી પહેલા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું: સિંગતેલનો ડબ્બો રૂ. 3,000ને પાર, જાણો કપાસિયા અને પામતેલનો લેટેસ્ટ ભાવ
Rajkot Groundnut Oil Prices: રાજકોટના તેલિયા રાજાઓએ ફરી એકવાર દિવાળી પહેલા સિંગતેલના ભાવમાં ભડકો કરાવ્યો છે. 15 કિલોનો ડબ્બો રૂ.3 હજારની સપાટી વટાવી ચૂક્તા મહિલાઓનું બજેટ ખોરવાઈ ગયું છે. છેલ્લા 3 દિવસમાં ડબ્બે રૂ. 75નો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.3 હજારથી લઈને 3080 સુધી પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલના ભાવ રૂ.2620થી 2680, પામતેલ રૂ.2315થી 2320 થયો છે. ઓછો વરસાદ અને નવી મગફળીની આવક બજારમાં નહીં હોવાના કારણે ભાવ સત્તત વધતો જાય છે.
Rajkot Groundnut Oil Prices: દિવાળીના તહેવારો આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે મોંઘવારીની માર ઝીલતી મહિલાઓ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. રાજકોટ તેલબજારમાં દિવાળી પહેલા જ સિંગતેલ સહિતના ખાદ્યતેલોના ભાવમાં મોટો ભડકો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.
3 દિવસમાં 75 રૂપિયાનો ઉછાળો: સિંગતેલનો ડબ્બો 3,080 રૂપિયે પહોંચ્યો
છેલ્લા ત્રણ જ દિવસમાં સિંગતેલના ભાવમાં 75 રૂપિયાનો તોતિંગ વધારો નોંધાયો છે. આ ભાવવધારા સાથે જ 15 કિલો સિંગતેલના ડબ્બાનો ભાવ 3,000 રૂપિયાની સપાટી વટાવી ચૂક્યો છે. હાલ બજારમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 3,000થી વધીને રૂ. 3,080ની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે.
6 હજારનું બ્લાઉઝ, 11 હજારની કુર્તી'ને લાખોનું સોના-ચાંદી: નીરજા ગુપ્તાના વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ
કપાસિયા અને પામતેલમાં પણ ભાવવધારો
માત્ર સિંગતેલ જ નહીં, પરંતુ મધ્યમવર્ગીય પરિવારોમાં વપરાતા અન્ય ખાદ્યતેલોના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ વધીને 2,620 રૂપિયા થી 2,680 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. પામતેલના ડબ્બાનો ભાવ રૂ. 2,315 થી રૂ. 2,320 સુધી બોલાઈ રહ્યો છે.
ખાદ્યતેલમાં ભાવવધારા પાછળ બે મુખ્ય કારણો જવાબદાર
ખાદ્યતેલમાં ભાવવધારા પાછળ મુખ્ય બે કારણો જવાબદાર માનવામાં આવી રહી છે. ચાલુ વર્ષે કેટલાક વિસ્તારોમાં અનિયમિત અને ઓછો વરસાદ થવાના કારણે પાક પર માઠી અસર પડી છે. બજારમાં હજુ સુધી નવી મગફળીની પૂરતી આવક શરૂ થઈ નથી. ડિમાન્ડ સામે પુરવઠો ઓછો હોવાથી ભાવમાં સતત ઉછાળો આવી રહ્યો છે.
રાજકોટમાં માથે સળગતી ઇંઢોણી અને હાથમાં મશાલ સાથે બાળાઓનો રોમાંચક રાસ: અદ્ભુત ભક્તિ અને શૌર્યનો સંગમ
દિવાળી સુધી ખાદ્યતેલના ભાવ ઘટવાની શક્યતા નહિવત
તહેવારોના દિવસોમાં ફરસાણ અને મિઠાઈઓ બનાવવાની હોવાથી ખાદ્યતેલની માંગ સૌથી વધુ હોય છે. નિષ્ણાતોના મતે, નવી આવક હાલ થઈ નથી અને તહેવારોની માંગ ચાલુ હોવાથી દિવાળી સુધી ખાદ્યતેલના ભાવમાં કોઈ મોટા ઘટાડાની શક્યતા નહિવત છે. આમ, દિવાળીએ મોંઘા તેલના કારણે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર વધારાનો બોજ પડવો નક્કી છે.
સમાચારનો ટૂંકમાં સાર:
- રાજકોટ - દિવાળી પહેલા સિંગતેલના ભાવમાં ભડકો
- 15 કિલોનો ડબ્બો રૂ.3 હજારની સપાટી વટાવી ચૂક્યા
- 3 દિવસમાં રૂ. 75નો વધારો થયો
- સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.3 હજારથી લઈને 3080 સુધી પહોંચ્યો
- કપાસિયા તેલના ભાવ રૂ.2620થી 2680
- પામતેલ રૂ.2315થી 2320
- વરસાદ ઓછો અને નવી મગફળીની આવક બઝારમાં નહીં હોવાના કારણે ભાવમાં સત્તત વધતો
- દિવાળી સુધી ખાદ્યતેલના ભાવ ઘટવાની શકયતા નહિવત