જયેન્દ્ર ભોઈ/પંચમહાલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન માટે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ખાસ કરીને રજાઓ, શનિ -રવિ અને તહેવારોના દિવસોમાં અહીં યાત્રાળુઓની સંખ્યામાં વધારો જોવા મળે છે. જેના કારણે પાવાગઢના બજારોમાં પણ ભારે ચહલપહલ જોવા મળી રહી છે.
પાવાગઢ આવતા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન સાથે પૂજાપાઠની સામગ્રી, પ્રસાદ, ફૂલહાર, રમકડાં અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી પણ કરતા હોય છે. જેના કારણે સ્થાનિક વેપારીઓના વેપાર-ધંધામાં તેજી આવે છે. ચા-નાસ્તાની લારીઓ, હોટલો, પ્રસાદ અને ધાર્મિક સામગ્રીના વેપારીઓ સહિત નાના ધંધાર્થીઓ માટે યાત્રાળુઓની ભીડ આવકનો મહત્વપૂર્ણ આધાર બની રહે છે.
યાત્રાધામ પાવાગઢમાં આવતી શ્રદ્ધાળુઓની ભીડ માત્ર વેપારીઓ પૂરતી જ સીમિત નથી રહેતી, પરંતુ સ્થાનિક અર્થતંત્રના અનેક ક્ષેત્રોને તેનો સીધો લાભ મળે છે. વાહનચાલકો, મજૂરો, લારી-ગલ્લાવાળા અને અન્ય નાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ રોજગારીની તકો મળી રહે છે.
અન્ય શહેરો અને ગામોમાંથી પાવાગઢ આવતા શ્રદ્ધાળુઓની અવરજવરથી સ્થાનિક બજારમાં નાણાંનું પરિભ્રમણ વધે છે. જેના કારણે નાના વેપારીઓથી લઈને અનેક પરિવારોની રોજીરોટી પણ આ યાત્રાધામ સાથે જોડાયેલી છે. આમ, પાવાગઢમાં ધાર્મિક આસ્થા સાથે સ્થાનિક અર્થતંત્રને પણ સતત ગતિ મળી રહી છે.
એક તરફ મહાકાળી માતાજીના દર્શન માટે ઉમટતી શ્રદ્ધાળુઓની ભીડ અને બીજી તરફ આ ભીડના કારણે ધમધમતા સ્થાનિક વેપાર-ધંધા. આમ પાવાગઢ યાત્રાધામ માત્ર આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ સ્થાનિક લોકો માટે રોજગારી અને આજીવિકાનું પણ મહત્વનું માધ્યમ બની રહ્યું છે.