રૂપાલની પલ્લી: પાંડવકાળ સાથે જોડાયેલી પરંપરા! ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી થઈ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
ગાંધીનગરના રૂપાલમાં ફરી એકવાર આસ્થાનું વિરાટ દૃશ્ય જોવા મળ્યું. વર્ષો જૂની પરંપરા મુજબ નવમા નોરતે વરદાયિની માતાની પલ્લી નીકળી અને પલ્લી પર લાખો શ્રદ્ધાળુઓ દ્વારા પલ્લી પસાર થાય એ રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી હોય તેવા અદભૂત દૃશ્યો જોવા મળ્યા. પાંડવકાળ સાથે જોડાયેલી આ પરંપરા આજે પણ અઢારે આલમના સહિયારા પ્રયાસથી જીવંત છે. ત્યારે જુઓ રૂપાલની પલ્લીનો આસ્થા, પરંપરા અને શ્રદ્ધાથી ભરેલો આ વિશેષ અહેવાલ..
નવરાત્રિ એટલે શક્તિની આરાધનાનું પર્વ. અને જ્યારે વાત આવે નવરાત્રિના નવમા નોરતાની, ત્યારે ગાંધીનગરના રૂપાલ ગામની વરદાયિની માતાની પલ્લીનું નામ દેશભરમાં પ્રસિદ્ધ છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આસો સુદ નોમના દિવસે રૂપાલમાં માતા વરદાયિનીની પલ્લી કાઢવામાં આવે છે. ખીજડાના લાકડામાંથી તૈયાર થતો આ પલ્લીરથ માત્ર એક ધાર્મિક પ્રતીક નથી. પરંતુ રૂપાલ ગામના અઢારે આલમની એકતા અને સર્વધર્મ સમભાવનું પણ પ્રતીક છે. પલ્લી તૈયાર કરવામાં ગામના વિવિધ સમાજના લોકો પોતાની પરંપરાગત સેવા આપે છે.વાલ્મીકિ સમાજ ખીજડાનું લાકડું લાવે છે.વાળંદ સમાજ વરખડાના સોટાથી પલ્લીને શણગારે છે. કુંભાર સમાજ માટીના કુંડા તૈયાર કરે છે. પિંજારા સમાજ કપાસ પૂરે છે.. પંચાલ સમાજ લાકડાના ખીલા આપે છે. માળી સમાજ ફૂલહારથી માતાજીને શણગારે છે..અને બ્રાહ્મણ સમાજ માતાજીનો પ્રસાદ તૈયાર કરે છે.પલ્લી તૈયાર થયા બાદ તેમાં માતાજીની છબી અને ગોખની સ્થાપના કરવામાં આવે છે.વિધિપૂર્વક ગંગાજળ, ગાયનું છાણ અને ગૌમૂત્રથી સ્થળને પવિત્ર કરવામાં આવે છે..ત્યાર બાદ પલ્લી પર પાંચ માટીના કુંડા સ્થાપિત કરવામાં આવે છે.
Gujarat News Live: મુંબઈ પોલીસ લોરેન્સની પૂછપરછ માટે આવશે સાબરમતી જેલ, 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાતને મળશે 2 હજાર કરોડ
દેશ વિદેશથી ઉમટી પડ્યા ભક્તો
મધરાતે 12 વાગ્યા બાદ 5 દિવ્ય જ્યોત ધરાવતો આ પલ્લી રથ ગામમાં ભ્રમણ માટે નીકળ્યો હતો. આ દરમિયાન ભક્તોએ શુદ્ધ ઘીના અભિષેકથી ઘીની નદીઓ વહેતી કરી. સવારે પલ્લી રથ નીજ મંદિરે પરત ફર્યો હતો. માતાજીના દર્શન માટે ભક્તોની ભારી ભીડ ઉમટી પડી.
કૃષિ વિભાગનો મોટો નિર્ણય! વર્ગ-2ના 115 અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી
પાંડવકાળ સાથે જોડાયેલી પરંપરા!
રૂપાલની પલ્લીની પરંપરા પાંડવકાળ સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે. લોકવાયકા મુજબ પાંડવોના બાર વર્ષના વનવાસ અને એક વર્ષના અજ્ઞાતવાસ દરમિયાન તેઓ રૂપાલના જંગલ વિસ્તારમાં આવ્યા હતા. વરખડાના વૃક્ષ નીચે પાંડવોએ પોતાના શસ્ત્રો સંતાડ્યા હતા.શસ્ત્રોની રક્ષા માટે તેમણે વરદાયિની માતાની પ્રાર્થના કરી હતી.યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ પાંડવો, શ્રીકૃષ્ણ અને દ્રૌપદીએ આસો સુદ નોમના દિવસે માતાજીની સોનાની પલ્લી બનાવી હતી.પલ્લી પર પાંચ કુંડની સ્થાપના કરી અને ગામમાં પલ્લીયાત્રા કાઢી પંચબલી યજ્ઞ કર્યો હોવાની લોકવાયકા છે.
રૂપાલની પલ્લીની સૌથી મોટી વિશેષતા
- રૂપાલની પલ્લીની સૌથી મોટી વિશેષતા એ છે કે માનતા પૂર્ણ થયા બાદ શ્રદ્ધાળુઓ પલ્લી પર શુદ્ધ ઘી ચઢાવે છે.
- આ માટે દૂરદૂરથી ભક્તો ઘીના પીપડા અને વાસણો લઈને રૂપાલ પહોંચે છે.
- દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પલ્લીના દર્શન કરે છે અને પલ્લી પર અંદાજે ચારથી પાંચ લાખ કિલો જેટલું ઘી ચઢાવવામાં આવતું હોવાનું માનતા છે.
- બાળકના જન્મ બાદ પલ્લીના દર્શન કરાવવાની પણ અહીં વિશેષ માન્યતા છે.
- મનોકામના પૂર્ણ થાય ત્યારે ભક્તો પલ્લી પર ઘીનો અભિષેક કરીને પોતાની માનતા પૂર્ણ કરે છે.
- મહિલાઓ માથે ઘડુલિયા લઈને ગરબા કરે છે. યુવાનો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોક સુધી લઈ જાય છે અને ભક્તો માતાજીના જયઘોષ સાથે પલ્લીના દર્શન કરે છે.
- પલ્લી જેમ જેમ રૂપાલની શેરીઓમાંથી પસાર થાય છે તેમ તેમ ભક્તો ઘીનો અભિષેક કરતા જાય છે. જોતજોતામાં રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાય છે.
- આટલી મોટી માત્રામાં ઘી રસ્તા પર ઢોળાતું હોવા છતાં શ્રદ્ધાળુઓની આસ્થા અડગ રહે છે.અને ભક્તો આ સમગ્ર ઘટનાને માતાજીનો સાક્ષાત પરચો માને છે.
અભિનેતા ટાઈગર શ્રોફ પર હુમલા કેસમાં મોટો ખુલાસો, આરોપીઓનું સુરત કનેક્શન નીકળ્યું
લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર
રૂપાલની પલ્લી માત્ર ધાર્મિક શ્રદ્ધાનું કેન્દ્ર નથી. આ પરંપરા ગામમાં વસતા વિવિધ સમાજોને એકસાથે જોડે છે. પલ્લી બનાવવાથી લઈને માતાજીના પ્રસાદ અને શણગાર સુધી દરેક સમાજ પોતાની શક્તિ પ્રમાણે સેવા આપે છે. એટલે જ રૂપાલની પલ્લી આસ્થા સાથે એકતા અને સર્વધર્મ સમભાવનો પણ સંદેશ આપે છે. પાંડવકાળથી ચાલી આવતી હોવાની લોકમાન્યતા ધરાવતી રૂપાલની આ પલ્લી આજે પણ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. માતાજીના જયઘોષ વચ્ચે નીકળતી પલ્લી,ઘીનો અભિષેક અને અઢારે આલમની સહિયારી સેવા. આ બધું મળીને રૂપાલની પલ્લીને બનાવે છે ગુજરાતની અનોખી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું જીવંત પ્રતીક જોવા મળે છે.