SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

એક ગાય વર્ષે 10થી 20 વાછરડીઓ આપશે: BBBRC સેન્ટર થકી બનાસકાંઠા બનશે પશુ સંવર્ધનનું નેશનલ મોડેલ

બનાસકાંઠાના ભીલડી ખાતે નિર્મિત ભારત બોવાઇન બ્રીડિંગ & રિસર્ચ સેન્ટર (BBBRC)માં અત્યાધુનિક પ્રજનન તકનીક થકી એક વર્ષમાં 25,000 ભ્રૂણ વિકસિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પ્રગતિશીલ દૂધ ઉત્પાદકોને ગુણવત્તાયુક્ત પશુઓના સંવર્ધન માટે પ્રોત્સાહિત કરવા કાર્યરત છે બોવાઇન બ્રીડપ્રેન્યોર્સ ક્લબ, 316 બ્રીડપ્રેન્યોર્સ BBBRC સાથે જોડાયા.

Written By Gokani Dhaval
Published: Oct 28, 2026, 08:32 PM IST | Updated: Oct 28, 2026, 08:34 PM IST
Join

પશુપાલકો માટે પશુદીઠ દૂધ ઉત્પાદકતા વધારવા અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે ઉચ્ચ આનુવંશિક ગુણવત્તાયુક્ત પશુઓ તૈયાર કરવાના ઉદ્દેશથી બનાસકાંઠા જિલ્લામાં ભીલડી ખાતે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC)નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં અત્યાધુનિક પ્રજનન તકનીકો થકી ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભ્રૂણ વિકસિત કરવામાં આવે છે, અને તેમને ફ્રીઝ કરવામાં આવે છે. આ સેન્ટરનો લક્ષ્યાંક વાર્ષિક 25,000 ભ્રૂણ વિકસિત કરવાનો છે.

127 એકરમાં વિસ્તરેલા આ સેન્ટરને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) દ્વારા ટેક્નિકલ સહાય પૂરી પાડવામાં આવે છે, જ્યારે કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય ગોકુલ મિશને આ પ્રોજેક્ટ માટે ₹38.83 કરોડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 30 ઓક્ટોબરના રોજ ભીલડી ખાતે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC)નું ઉદ્ઘાટન કરશે.

BBBRC: જિનેટિક શ્રેષ્ઠતા અને નવીનતા દ્વારા ભારતના પશુ સંવર્ધન ક્ષેત્રે ક્રાંતિ

વિશ્વમાં સૌથી વધુ દૂધાળુ પશુધન ભારતમાં છે, અને ગુજરાતના બનાસકાંઠાનો 28 લાખ પશુઓનો મિલ્ક-શેડ એ સમગ્ર દેશના પશુધનનું જ એક પ્રતિબિંબ છે. આ 28 લાખ પશુઓમાં 4 લાખ કાંકરેજી ગાયો, સારા ફેટવાળું દૂધ આપતી આશરે 14 લાખ ભેંસો, અને 10 લાખ ક્રોસબ્રીડ HF ગાયોનો સમાવેશ થાય છે. આ ત્રણેય પ્રકારના પશુઓ પહેલેથી જ રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ દૂધ આપે છે. હવે આ જ પશુઓની ક્ષમતાઓમાં વધારો કરવા માટે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC)નું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું વિઝન જિનેટિક શ્રેષ્ઠતા અને નવીનતા દ્વારા ભારતના પશુ સંવર્ધન ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનું છે.

આ પણ વાંચો- વડોદરાના માંડવી વિસ્તારમાં સોની પરિવારના ત્રણ સભ્યોના આપઘાતથી હાહાકાર

પરંપરાગત સંવર્ધનથી અદ્યતન બાયોટેક્નોલોજી તરફ, એક જ ઉત્કૃષ્ટ ગાય વાર્ષિક 10 થી 20 વાછરડીઓ પેદા કરી શકશે

ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર અત્યાધુનિક પ્રજનન તકનીક (ART) પર કાર્ય કરે છે, જેમાં ઓવમ પિક-અપ વિથ ઇન વિટ્રો એમ્બ્રિયો પ્રોડક્શન એન્ડ એમ્બ્રિયો ટ્રાન્સફર (OPU-IVEP-ET), અને ગર્ભ (ભ્રૂણ)ને ફ્રીઝ કરવા માટે વિટ્રિફિકેશન પદ્ધતિનો સમાવેશ થાય છે. આ પદ્ધતિ હેઠળ ઉત્કૃષ્ટ દાતા (ડોનર) પશુઓમાંથી ઓવમ એકત્રિત કરીને, તેમને લેબોરેટરીમાં પરિપક્વ અને સારા આખલા/સાંઢના વીર્ય સાથે ફલિત કરીને તેમાંથી ભ્રૂણ વિકસિત કરવામાં આવે છે. વિટ્રિફિકેશન એક અલ્ટ્રા-રેપિડ ફ્લેશ-ફ્રીઝિંગ પ્રક્રિયા છે, જે દરેક ભ્રૂણને થોડીક ક્ષણોમાં જ ફ્રીઝ કરે છે, જેથી યોગ્ય પ્રાપ્તકર્તા (રેસિપિયન્ટ) પશુ મળે ત્યાં સુધી આ ફ્રીઝ ભ્રૂણને સાચવી રાખી શકાય છે, તેમજ લેબોરેટરીથી દૂરના ગામ સુધી પણ આ ફ્રીઝ કરેલા ભ્રૂણને પહોંચાડી શકાય છે. સ્વસ્થ અને ઉત્કૃષ્ટ પ્રાપ્તકર્તા માદા પશુ સુધી આ ભ્રૂણ પહોંચાડવામાં આવે છે.

પરંપરાગત સંવર્ધન પદ્ધતિ હેઠળ એક ઉત્કૃષ્ટ ગાય વર્ષે માત્ર એક જ વાછરડી આપી શકે છે, જ્યારે અત્યાધુનિક પ્રજનન તકનીકના ઉપયોગથી એક જ ઉત્કૃષ્ટ ગાય એક વર્ષમાં 10 થી 20 વાછરડીઓ પેદા કરી શકે છે. આ પદ્ધતિ થકી પશુઓના પ્રજનનની પ્રક્રિયા ધીમી અને ક્રમિક પ્રતિસ્થાપનમાંથી એક ઝડપી આનુવંશિક ગુણાકારમાં પરિવર્તિત થાય છે, એટલે કે એક ઉત્તમ માદા પશુ તેના શ્રેષ્ઠ લક્ષણોને માત્ર થોડા વર્ષોમાં તેના ડઝનબંધ ઉચ્ચ-ગુણવત્તાવાળા સંતાનોમાં પહોંચાડી શકે છે.

વાર્ષિક 25,000 ભ્રૂણ વિકસિત કરવાનો BBBRC નો લક્ષ્યાંક, આનુવંશિક લાભો સમય જતાં ચક્રવૃદ્ધિ દરે વધશે

BBBRC ખાતે ઉત્કૃષ્ટ દાતા (ડોનર) પશુધનના ભ્રૂણ બનાસકાંઠા મિલ્ક શેડના ત્રણેય પ્રકારના પશુઓની સ્થાનિક જરૂરિયાત સાથે સુસંગત છે. આ ત્રણ પ્રકારોમાં, દેશી ગાયો (કાંકરેજ, ગીર, પુંગનૂર, સાહીવાલ, રેડ સિંધી, રાઠી, થારપારકર અને ઓંગોલ), અગ્રણી ભેંસો (મહેસાણી, બન્ની, મુર્રાહ અને જાફરાબાદી) તેમજ ઉચ્ચ ઉત્પાદક વિદેશી અને ક્રોસબ્રીડ ઓલાદો (HF, HF ક્રોસ અને જર્સી) નો સમાવેશ થાય છે. આ મજબૂત પ્રાપ્તકર્તા (રિસિપિયન્ટ) ગાયો અને ભેંસોનું પશુધન આ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભ્રૂણને ધારણ કરે છે, જે સમગ્ર પ્રદેશમાં શ્રેષ્ઠ આનુવંશિકતાના ઝડપી પ્રસારને સુનિશ્ચિત કરે છે. આમ, નસ્લ સુધારણાની પ્રત્યેક નવી પેઢી અગાઉની પેઢીની ગુણવત્તામાં વૃદ્ધિ કરે છે, જેથી આનુવંશિક લાભો સમય જતાં ચક્રવૃદ્ધિ દરે વધતા રહે છે. આ સેન્ટરનું લક્ષ્યાંક વાર્ષિક 25,000 ભ્રૂણ વિકસિત કરવાનો છે.

આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાનું મોટું સંકટ! ત્રણ દિવસ પડશે વરસાદ

BBBRCના લાભો પહોંચશે પશુપાલકોના ઘરઆંગણે

BBBRC પશુપાલકોને પરવડે તેવા ભાવે ભ્રૂણ ઉપલબ્ધ કરાવશે. એક ભ્રૂણ માટે, પશુપાલકો શરૂઆતમાં ₹1000ની ચૂકવણી કરશે, અને ગર્ભાવસ્થાની પુષ્ટિ થયા બાદ ગુજરાત સરકાર, GCMMF અને બનાસ ડેરી સંયુક્ત રીતે બાકીની રકમ સબસીડી તરીકે ચૂકવશે. વધુમાં, આ સેન્ટર પશુપાલકોને રોગમુક્ત તથા ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા ધરાવતા આખલાઓ/સાંઢ પણ ઉપલબ્ધ કરાવશે. આવા ઉચ્ચ ગુણવત્તાયુક્ત આખલા/સાંઢનો સમાગમ ઉત્કૃષ્ટ ગાય સાથે થાય છે, ત્યારે પેદા થતું વાછરડું બંને તરફથી ઉચ્ચ આનુવંશિક ગુણવત્તાઓ ધરાવે છે. આ રીતે, ભીલડી ખાતે મેળવેલા આનુવંશિક અને આર્થિક લાભો મિલ્ક શેડના 28 લાખ પશુઓ સુધી પહોંચશે, અને બનાસકાંઠાને તેની પાસે પહેલેથી જ રહેલા પશુધનમાંથી પ્રતિ લિટર ઓછા ખર્ચે વધુ દૂધ મળશે.

બોવાઇન બ્રીડપ્રેન્યોર ક્લબ

બોવાઈન બ્રીડપ્રેન્યોર ક્લબ દ્વારા પ્રગતિશીલ દૂધ ઉત્પાદકોને ગુણવત્તાયુક્ત પશુઓના સંવર્ધન માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. 316 બોવાઈન બ્રીડપ્રેન્યોર્સ પહેલેથી જ BBBRC સાથે જોડાયેલા છે. તેઓ BBBRC સાથે કરાર કરીને ઉચ્ચ આનુવંશિક ગુણવત્તાવાળાં પશુઓની સુલભતા મેળવે છે. બદલામાં, BBBRCને તેમના ફાર્મમાં જન્મેલાં વાછરડાં, ભ્રૂણ અને આખલાની ખરીદીમાં પ્રથમ પસંદગીનો અધિકાર મળે છે, જ્યારે અન્ય પશુઓનું વેચાણ આ બ્રીડપ્રેન્યોર્સ ખુલ્લા બજારમાં કરી શકે છે. ક્લબના સભ્યો પશુઓની જન્મતારીખ, વંશાવળી, વૃદ્ધિ, દૈનિક દૂધ ઉત્પાદન અને આરોગ્યની નિયમિત નોંધ રાખે છે તથા વર્ષમાં એકવાર રોગની તપાસ કરાવે છે. આમ, દરેક સભ્યનું ફાર્મ સ્થાનિક સ્તરે પશુ સંવર્ધન કેન્દ્ર તરીકે કાર્ય કરે છે.

ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર- એક રાષ્ટ્રીય મોડલ

BBBRC સમગ્ર દેશ માટે અપનાવી શકાય તેવું રાષ્ટ્રીય મોડેલ પૂરું પાડે છે. તે ખેડૂત સહકારી મંડળીઓ, NDDB સાથેની તકનીકી ભાગીદારી અને સરકારી સહાયને એકસાથે લાવે છે; તેમજ વડાપ્રધાને ગ્રામીણ વિકાસના કેન્દ્રમાં મૂકેલા 'સહકાર સે સમૃદ્ધિ'ના મંત્ર સાથે દેશી ગાયો, ભેંસો અને ક્રોસબ્રીડ પશુઓ માટે સંયુક્ત રીતે કાર્ય કરે છે. તે આબોહવા સ્થિતિસ્થાપકતા (ક્લાઇમેટ રેઝિલિયન્સ), ખોરાકમાંથી દૂધ રૂપાંતરણનો ગુણોત્તર (feed to milk conversion ratio) અને પ્રાણીઓના સ્વાસ્થ્ય જેવા માપદંડો પર ભારતીય જર્મપ્લાઝમ માટે વૈશ્વિક બજારના દ્વાર પણ ખોલી શકે છે. ભારતનું ડેરી ભવિષ્ય શ્રેષ્ઠ જિનેટિક્સ અને પોષણ પર ટકેલું છે, અને તે ભવિષ્ય બનાસકાંઠાના ભીલડી ખાતે પહેલેથી જ શરૂ થઈ ચૂક્યું છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES