રાજકોટમાં માથે સળગતી ઇંઢોણી અને હાથમાં મશાલ સાથે બાળાઓનો રોમાંચક રાસ: અદ્ભુત ભક્તિ અને શૌર્યનો સંગમ
Rajkot Girls Perform Traditional Burning Torch Garba: ભક્તિની શક્તિ, આસ્થાનો અતૂટ વિશ્વાસ અને માથે સળગતી આગ. રાજકોટમાં નવરાત્રિના પર્વ દરમિયાન જોવા મળી રહ્યો છે ભક્તિ અને શૌર્યનો અનોખો સંગમ! મવડી ચોક સ્થિત શ્રી બજરંગ ગરબી મંડળમાં બાળાઓએ સળગતી ઇંઢોણીનો એવો રોમાંચક રાસ રજૂ કર્યો કે દર્શકો પણ મંત્રમુગ્ધ બની ગયા. માથે સળગતી ઇંઢોણી, હાથમાં મશાલ અને સળગતા ગરબા સાથે છ બાળાઓએ સતત 20 મિનિટ સુધી રાસ રમીને સૌનું ધ્યાન ખેંચ્યું. છેલ્લા 19 વર્ષથી યોજાતી આ પ્રાચીન ગરબીમાં આસ્થાની સાથે પરંપરાનું પણ અનોખું જતન થઈ રહ્યું છે. ત્યારે જોઈએ આસ્થા, શક્તિ અને પરંપરાના અદ્ભુત સંગમની આ ખાસ તસવીરો.
સાહિલ સપ્પા/રાજકોટ: નવરાત્રિ એટલે મા અંબાની આરાધના, ભક્તિ અને શક્તિની ઉપાસનાનું પર્વ. ત્યારે રાજકોટના મવડી ચોક વિસ્તારમાં આવેલી શ્રી બજરંગ ગરબી મંડળની પ્રાચીન ગરબીમાં વર્ષોની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. નવરાત્રિના નવેય દિવસ અહીં મોટી સંખ્યામાં ભાવિકો માતાજીનાં દર્શન કરવા અને બાળાઓને ગરબે ઘૂમતી નિહાળવા ઉમટી પડે છે. ખાસ કરીને સળગતી ઇંઢોણીનો રાસ અહીંનું મુખ્ય આકર્ષણ બન્યો છે. આગની જ્વાળાઓ વચ્ચે બાળાઓની અદભુત કળા અને ભક્તિભાવ જોઈને ભાવિકો પણ અભિભૂત થઈ જાય છે
આ વર્ષે પ્રથમ વખત સળગતી ઇંઢોણીનો રાસ રમી
માથા પર સળગતી ઇંઢોણી, હાથમાં મશાલ અને સળગતા ગરબા. આ દૃશ્ય જોઈને ભલભલાના શ્વાસ થંભી જાય! પરંતુ શ્રી બજરંગ ગરબી મંડળની છ બાળાઓ સતત 20 મિનિટ સુધી આ રાસ રજૂ કરે છે. બાળાઓના જણાવ્યા અનુસાર, આ રાસ માટે દોઢ મહિના અગાઉથી ત્રણથી ચાર વખત પ્રેક્ટિસ કરવામાં આવે છે. એક બાળાએ જણાવ્યું કે તે છેલ્લા ચાર વર્ષથી ગરબીમાં ભાગ લે છે અને આ વર્ષે પ્રથમ વખત સળગતી ઇંઢોણીનો રાસ રમી રહી છે. બાળાઓ માતાજીના આશીર્વાદ અને આયોજકોના સહયોગને પોતાની શક્તિ ગણાવે છે. દૂરદૂરથી લોકો આ રાસ નિહાળવા આવે છે. જે બાળાઓ માટે વિશેષ ખુશીની ક્ષણ બની રહે છે.
સળગતી ઇંઢોણીના વિશેષ રાસમાં છ બાળાઓની ટીમ
શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા છેલ્લા 19 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ગરબીમાં 30 બાળાઓ રાસ રમી રહી છે. જ્યારે સળગતી ઇંઢોણીના વિશેષ રાસમાં છ બાળાઓની ટીમ ભાગ લઈ રહી છે. આયોજક યુવરાજસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, નવરાત્રિના ત્રીજા, છઠ્ઠા અને નવમા દિવસે આ વિશેષ રાસનું આયોજન કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ ભાવિકોમાં ભારે આકર્ષણ જમાવી રહી છે.
આમ, રાજકોટની આ પ્રાચીન ગરબીમાં ભક્તિની સાથે સંસ્કૃતિ અને પરંપરાનો વારસો નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. નોંધનીય છે કે આગ સાથેના આ રાસમાં સુરક્ષાની પૂરતી કાળજી રાખવી પણ એટલી જ જરૂરી છે.