SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સરકારી સહાયમાં ઉત્તર ગુજરાત સાથે અન્યાય? પાટણ અને બનાસકાંઠાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કિસાન સંઘનું અલ્ટીમેટમ

રાજ્ય સરકાર દ્વારા 26 ઓક્ટોબર, સોમવારે ચાર જિલ્લાઓને ચોમાસામાં ઓછા વરસાદને કારણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ ઉત્તર ગુજરાતના કોઈ જિલ્લા માટે સહાયની જાહેરાત ન કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાટણ અને બનાસકાંઠાના ખેલાડૂઓએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.

Written By Gokani Dhaval
Published: Oct 27, 2026, 06:21 PM IST | Updated: Oct 27, 2026, 06:23 PM IST
Join

ગુજરાત સરકારે તાજેતરમાં જ રાજ્યના ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને કરોડોના રાહત પેકેજની જાહેરાત તો કરી દીધી... પરંતુ આ સરકારી નિર્ણયો સામે હવે ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે! પાટણ અને બનાસકાંઠા જેવા અતિ-અસરગ્રસ્ત જિલ્લાઓને આ સહાય પેકેજમાંથી સાવ બાકાત રખાતાં ખેડૂતો અને પશુપાલકોએ  સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે સુત્રોચાર કરી હિજરતની ચેતવણી આપી છે.

ઉત્તર ગુજરાતના અન્નદાતા મુશ્કેલીમાં

ચોમાસાના અનિયમિત મિજાજ અને કુદરતના કોપ બાદ હવે અન્નદાતા મુશ્કેલીના વંટોળમાં ફસાયો છે. સરકારે ભલે ચાર જિલ્લાઓને રાહત પેકેજ આપી દીધું હોય, પરંતુ જેમના ખેતરો સુકાઈ ગયા છે અને પાક નિષ્ફળ ગયો છે તેવા ઉત્તર ગુજરાતના ખેડૂતો આજે પણ સરકારી સહાય અને પાણી માટે વલખા મારી રહ્યા છે. સરકારની પાક સહાયની જાહેરાત બાદ હવે ઉત્તર ગુજરાતના ખેડૂતો પણ કહી રહ્યા છે, 'અમને પણ આપો સહાય'

પાટણ જિલ્લાના ખેડૂતોમાં ભારે રોષ

શરૂઆત કરીએ પાટણ જિલ્લાથી... જ્યાં ખેડૂતો પર કુદરત અને વહીવટી તંત્ર—બંને એકસાથે કોપાયમાન થયા છે! ચોમાસાની શરૂઆતમાં અતિવૃષ્ટિએ પાક ધોઈ નાખ્યો, અને હવે શિયાળુ વાવેતર ટાણે કેનાલો સાવ સુક્કીભઠ્ઠ પડી છે! સરકારી ચોપડે ભલે 82 ટકા વરસાદ નોંધાયો હોય, પણ ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે નર્મદા ડેમ છલોછલ હોવા છતાં સરસ્વતી તાલુકાને સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી નથી અપાતું! એરંડા, કપાસ અને ઘઉં જેવા પાક આંખો સામે સુકાવા લાગતા ખેડૂતોને રોવાના દિવસો આવ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ: ધિરાણ પર 2% વ્યાજ રાહત, 10 લાખથી વધુ અન્નદાતાને થશે ફાયદો

બનાસકાંઠા જિલ્લા સાથે અન્યાય?

પાટણની જેમ જ બનાસકાંઠા જિલ્લા સાથે પણ સરકારે ઘોર અન્યાય કર્યો છે. રાજ્યમાં સૌથી ઓછો વરસાદ નોંધાવા છતાં બનાસકાંઠાને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરાતાં હવે 'ભારતીય કિસાન સંઘ' મેદાનમાં આવી ગયું છે!

પાલનપુર ખાતે કિસાન સંઘની બેઠક બાદ મોટી સંખ્યામાં આગેવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા. ડેમ અને તળાવો તળિયાઝાટક છે, ખેતી તો દૂરની વાત, પશુપાલન કરવું પણ અસંભવ બની ગયું છે. કિસાન સંઘે તાત્કાલિક બનાસકાંઠાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને સરકારને 30 ઓક્ટોબર સુધીનું અંતિમ અલ્ટીમેટમ આપી દીધું છે!

ઉત્તર ગુજરાતને સહાય કેમ નહીં?

જગતનો તાત એક જ સવાલ કરી રહ્યો છે, સરકારે 4 જિલ્લાને સહાય આપી, તો ઉત્તર ગુજરાતને કેમ નહીં? નર્મદા ડેમ છલોછલ છતાં કેનાલોમાં પાણી છોડવામાં વિલંબ કેમ? સૌથી ઓછો વરસાદ હોવા છતાં બનાસકાંઠા-પાટણ સાથે અન્યાય કેમ થઈ રહ્યો છે?

સરકારે ભલે પસંદગીના જિલ્લાઓને સહાય જાહેર કરીને વાહવાહી મેળવવાનો પ્રયાસ કર્યો હોય, પરંતુ પાટણ અને બનાસકાંઠાના ખેડૂતો પર તોળાતી બરબાદી તંત્રની આંખો ખોલવા માટે પૂરતી છે. જો સમયસર કેનાલોમાં પાણી નહીં છોડાય અને આ જિલ્લાઓને સહાય પેકેજમાં સામેલ નહીં કરાય, તો અન્નદાતાઓનો આ આક્રોશ રાજ્યવ્યાપી આંદોલન બનતા વાર નહીં લાગે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES