ગૌરવ દવે, રાજકોટઃ ગુજરાત પોલીસની સાયબર ક્રાઈમ પ્રત્યેની 'ઝીરો ટોલરન્સ' નીતિ રંગ લાવી છે...વોટ્સએપ પર લગ્નની કંકોતરી અને વીજળી બિલના બહાને મેલિશિયસ .apk ફાઈલ મોકલી દેશભરમાં કરોડોની ડિજિટલ ઠગાઈ આચરતા એક હાઈટેક અને સુસંગઠિત રાષ્ટ્રીય નેટવર્કનો રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે...
ધોરાજીના સુપેડી ગામના એક નિવૃત્ત નાગરિક સાથે થયેલી 6,57,000ની છેતરપિંડીની તપાસમાં પોલીસની ટીમોએ છેક પશ્ચિમ બંગાળ અને કર્ણાટક સુધી પહોંચીને મુખ્ય સૂત્રધાર અને તેની મંગેતર સહિત 3 આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસ તપાસમાં દેશભરની કુલ 7 અલગ-અલગ FIRનો ભેદ ઉકેલાયો છે.
પોલીસ તપાસમાં આ ગેંગની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આરોપીઓ સોશિયલ મીડિયા પર સ્વરૂપવાન યુવતીઓના નામે ફેક પ્રોફાઈલ બનાવી લોકોને જાળમાં ફસાવતા...જો કોઈને શંકા જાય તો ગેંગની મહિલા સદસ્ય પોતાના મીઠા અવાજમાં ઓડિયો મેસેજ મોકલીને વિશ્વાસ જીતતી હતી...ગેંગ દ્વારા સિક્યોરિટી ફીચર્સને બાયપાસ કરવા માટે સમય-સમય પર .apk ફાઈલોને અપગ્રેડ કરવામાં આવતી હતી. તેઓ લગ્નની કંકોતરી ઉપરાંત Wedding Invitation, Super.money, Sjs, m Parivahan New અને BinanceDropper જેવી આકર્ષક ફાઈલો મોકલીને લોકોના ફોન હેક કરતા હતા.
એકવાર .apk ફાઈલ ઈન્સ્ટોલ થાય એટલે બેક-એન્ડથી ગેંગ ફોનનો કંટ્રોલ લઈ બેંક અકાઉન્ટ સાફ કરી નાખતી...પોલીસ ફંડ ટ્રેસ ન કરી શકે તે માટે તેઓ આ ચોરીના પૈસાથી સીધા નામાંકિત શોરૂમમાંથી સોનાના સિક્કા અને કીમતી ચેઈન ખરીદી લેતા હતા...ત્યારબાદ આ સોનું અન્ય જગ્યાએ વેચી, રોકડા કરી, હવાલા મારફતે મુખ્ય સૂત્રધાર સુધી પહોંચાડતા.
પોલીસે આ હાઈટેક ઓપરેશનમાં મુખ્ય સૂત્રધાર એમ.ડી. દાનિશ આલમ, તોસીફ રઝા અને તેની મંગેતર ઝોયા ખાનને પશ્ચિમ બંગાળ અને બેંગલુરુથી દબોચી લીધા છે...તેમની પાસેથી 11 મોબાઈલ, 13 સોનાના સિક્કા, કેશ અને 18 ક્રેડિટ-ડેબિટ કાર્ડ સહિત કુલનો મુદ્દામાલ જપ્ત કરાયો છે...
આ મોટા પર્દાફાશ બાદ રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસે જનતાને ખાસ સાવચેત રહેવા અપીલ કરી છે: WhatsApp કે SMS પર અજાણ્યા સ્રોતમાંથી મળતી કોઈ પણ APK ફાઈલ ક્યારેય ડાઉનલોડ કરવી નહીં. સગા-સંબંધીના નામે પણ કંકોતરી કે ફાઈલ આવે, તો પહેલાં ફોન કરીને સીધી ખરાઈ કરવી...વીજળી બિલ, બેંક KYC, ઈ-ચલન કે કુરિયરના નામે આવતી શંકાસ્પદ લિંકથી સાવધ રહેવું.