મુખ્યમંત્રી પદ કોળી સમાજ પાસે હોવું જોઈએ': પાટીદારોના દબદબા વચ્ચે ભાજપના જ ધારાસભ્યે નવો પલિતો ચાંપ્યો, જાણો શું છે વિવાદ
મુખ્યમંત્રીની ખુરશી એક હોય છે અને દાવેદારો અનેક હોય છે. દરેક સમાજ કે વર્ગની ઈચ્છા હોય છે કે અમારા સમાજનો વ્યક્તિ મુખ્યમંત્રી બને... જેમ-જેમ ચૂંટણી નજીક આવે છે તેમ-તેમ પોતાના સમાજના નેતાને મુખ્યમંત્રી બનાવવાની માંગ જોર પકડતી હોય છે. રાજ્યમાં ફરી એક વખત આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. તાજેતરમાં દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે નિવેદન આપ્યું કે મુખ્યમંત્રી કોળી સમાજના હાવો જોઈએ. ત્યારે જાણો ગુજરાતમાં શું છે સમાજ અને વર્ગનું રાજકારણ અને વર્ચસ્વ..
ગુજરાતની રાજનીતિમાં લગભગ ઘણા સમયથી પાટીદારોનો દબદબો જોવા મળ્યો છે. આર્થિક રીતે સમૃદ્ધ અને વસ્તી વધારે હોવાને કારણે પાટીદારોના અનેક નેતાઓ રાજ્યમાં મુખ્યમંત્રીથી લઈને મહત્વના પદ સુધી પહોંચ્યા છે. વર્તમાનમાં પણ ગુજરાતની કમાન પટેલ સંભાળી રહ્યાં છે. પરંતુ રાજ્યમાં વિવિધ સમાજ અને વર્ગની ઈચ્છા હોય છે કે મુખ્યમંત્રીનું પદ અમારા સમાજ કે વર્ગને મળે. વિવિધ વર્ગો દ્વારા પોતાની માંગ પણ રજૂ કરવામાં આવે છે. તેવામાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આ વખતે ભાજપના એક ધારાસભ્યના નિવેદન બાદ મુખ્યમંત્રીના પદની માંગણીને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે.
દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકનું નિવેદન
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હજુ એક વર્ષ જેટલો સમય બાકી છે. પરંતુ રાજકીય હલચલ અત્યારથી જોવા મળી રહી છે. મુખ્યમંત્રી પદ પર દાવેદારી નોંધાવવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં સમયાંતરે અમારા સમાજ કે વર્ગના નેતા મુખ્યમંત્રી બને તેવી માંગ કરવામાં આવતી હોય છે. ગુજરાતમાં ગમે તે ચૂંટણી હોય ત્યારે ટિકિટની વહેચણીમાં પણ જ્ઞાતિ અને વર્ગનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. રાજ્યના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ તેવું જોર પાટીદારો દ્વારા લગાવવામાં આવતું હોય છે.
હવે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે કહ્યુ કે કોળી સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ. દ્વારકા કોળી સમાજની વાડીમાં 12 નવેમ્બરે યોજાયેલી એક ધાર્મિક પ્રસંગમાં રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના નેતા હિરા સોલંકીની હાજરીમાં પબુભાએ કહ્યુ કે મુખ્યમંત્રી કોળી સમાજના હોવા જોઈએ. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી તમારા સમાજના હોવા જોઈએ. તમારો સમાજ ગુજરાતમાં બીજા નંબરનો છે. તેમણે યુવાઓને જાગતા રહેવાની પણ સલાહ આપી છે.
શું છે ગુજરાતમાં જ્ઞાતિઓના રાજકીય સમીકરણો
ગુજરાતની રાજનીતિમાં ઓબીસી, પાટીદાર, એસટી સહિત અન્ય વર્ગની ચર્ચા થાય છે. ઓબીસીની વસ્તી રાજ્યમાં સૌથી વધારે છે અને ચૂંટણીમાં તે મહત્વની ભૂમિકા ભજવે છે. બીજીતરફ રાજ્યમાં પાટીદારોનું રાજકીય પ્રભુત્વ વધુ જોવા મળે છે. આ સિવાય આદિવાસી સમાજ પણ ઘણી સીટો પર મહત્વની ભૂમિકામાં છે, આ સિવાય રાજ્યમાં 27 વિધાનસભા બેઠકો આદિવાસી માટે અનામત છે. તેવામાં આવો જાણીએ ગુજરાતની રાજનીતિમાં જ્ઞાતિ પ્રમાણે કેવા સમીકરણો છે.
ગુજરાતમાં ઓબીસી સમાજના સમીકરણો
ગુજરાતમાં ઓસીબી સમાજની સૌથી મોટી વસ્તી છે, એટલે કે તે સૌથી મોટો મતદાર વર્ગ છે. જેમાં મુખ્ય કરીને ઠાકોર સમાજ ઉત્તર ગુજરાતની 25થી 30 બેઠકો પર પ્રભાવ ધરાવે છે. તો કોળી સમાજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાની લગભગ 30થી 35 બેઠકો પર વર્ચસ્વ ધરાવે છે. આ ઉપરાંત રબારી, ભરવાડ અને આહીર સમાજ પણ સૌરાષ્ટ્ર અને કચ્છની 15 થી 20 બેઠકો પર નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યો છે. કોળી અને ઠાકોર સમાજ એ ભલે ઓબીસીમાં આવે છે પણ બંનેનું પ્રભુત્વ અલગ અલગ વિસ્તારમાં છે. કોળી એ સૌરાષ્ટ્રમાં તો ઠાકોર એ ઉત્તર ગુજરાતમાં પ્રભુત્વ ધરાવે છે. આ બંને સમાજને રાજી રાખવા માટે પાર્ટીઓ પ્રયાસ કરતી હોય છે અને આ સમાજમાંથી મંત્રીપદ પણ ફિક્સ હોય છે. જોકે, આ પહેલાં અલ્પેશ ઠાકોર કોળી સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ એવો દાવો કરી ચૂક્યા છે હવે પબુભા માણેકે કોળી સમાજનો મુખ્યમંત્રી હોવા મામલે નવો વિવાદ ઉભો કર્યો છે.
આ પણ વાંચોઃ PM મોદીની બેઠક બાદ ગુજરાત ભાજપ આજથી એક્શનમાં, લેવાયા 4 મોટા નિર્ણય, 2027ની ચૂંટણી પર નજર
પાટીદાર સમાજનો દબદબો
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનો દબદબો જોવા મળે છે. પાટીદાર રાજનીતિમાં સૌથી વધુ સક્રિય રહે છે અને આર્થિક દ્રષ્ટિએ પણ સદ્ધર માનવામાં આવે છે. પાટીદાર સમાજમાં લઉઆ અને કડવા બે મુખ્ય વર્ગ છે. સૌરાષ્ટ્રની લગભગ 25થી 30 અને ઉત્તર ગુજરાતની 10-12 સીટો અને સુરતની 5-6 સીટો પર પાટીદારો જીત-હારમાં મોટી ભૂમિકા ભજવે છે. ગુજરાતની રાજનીતિમાં પાટીદારોનો દબદબો હંમેશા જોવા મળે છે. મુખ્યમંત્રીથી લઈને મંત્રીઓ સુધી અનેક પાટીદાર નેતાઓ જોવા મળે છે.
આદિવાસી (ST) સમાજનું પણ પ્રભુત્વ
બંધારણીય રીતે 27 બેઠકો અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત છે. આ બેઠકો પૂર્વ ગુજરાતમાં અંબાજી (બનાસકાંઠા) થી લઈને ઉમરગામ (વલસાડ) સુધી ફેલાયેલી છે, જેમાં ભીલ, ચૌધરી, ગામિત, વસાવા અને રાઠવા જેવા સમુદાયોનું પ્રભુત્વ છે. આ સીટો એટલે અંબાજીથી ઉમરગામનો આદીવાસી પટ્ટો જેમાં એક દાયકા પહેલાં કોંગ્રેસનું પ્રભુત્વ હતું. હવે ભાજપે પગપેસારો કરી લીધો છે પણ દક્ષિણ ગુજરાતમાં આદિવાસી બેલ્ટમાં ચૈતર વસાવાને પગલે હવે આમ આદમી પાર્ટી પણ અહીં મજબૂતી સાબિત કરી રહી છે. આ આદીવાસી બેલ્ટની સીટો જીતવા માટે ત્રિકોણિય જંગ ખેલાઈ રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ અને આપ એમ ત્રણેય પાર્ટીઓનું આ બેલ્ટ પર પ્રભુત્વ છે એવું કહેવું પણ ખોટું નથી.
શહેરી અને સવર્ણ મતદારો
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહાનગરોની લગભગ 25થી 30 બેઠકો પર બ્રાહ્મણ, વણિક, જૈન અને લોહાણા સમાજ તેમજ પરપ્રાંતીય મતદારોનું વર્ચસ્વ જોવા મળે છે. આ શહેરી મતદારો હંમેશાં ભાજપના કમિટેડ મતદારો રહ્યાં છે.
ક્ષત્રિય અને મુસ્લિમ સમીકરણ
ક્ષત્રિય સમાજનો પ્રભાવ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની ગ્રામીણ બેઠકો પર વધુ છે. બીજી તરફ, મુસ્લિમ મતદારો રાજ્યની અંદાજે ૧૮ થી ૨૦ બેઠકો પર 15% થી 50% સુધીની વસ્તી ધરાવે છે, જે ચૂંટણીના પરિણામોને સીધી અસર કરે છે. ભાજપ હોય કે કોંગ્રેસ જે સરકાર સત્તામાં હોય એ ક્ષત્રિયોની સાચવે છે. જોકે, છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિયોનો દબદબો ભાજપમાં ઘટ્યો છે. ભાજપે ક્ષત્રિય નેતાઓને કટ ટુ સાઈઝ કર્યા છે. જેનું કારણ ઓબીસી સમાજનું પ્રભુત્વ પણ છે.