Geniben Thakor : દિયોદરમાં ઠાકોર સમાજની બોર્ડિંગ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત ઠાકોર સમાજ દ્વારા દિયોદર, લાખણી અને ભીલડીના ઠાકોર સમાજનું સંમેલન યોજાયું. આ સંમેલનમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ ઠાકોર સમાજના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા.
નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમમાં ઠાકોર સેનાના અધ્યક્ષ અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર, સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય કેશાજી ચૌહાણ, ધારાસભ્ય અમૃતજી ઠાકોર, ગાંધીનગરના મેયર રૂપસિંહજી ઠાકોર, ભાજપ જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોર સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ ગેનીબેન ઠાકોરે પણ સમાજ કાયમી એક થઈને રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી. સમાજ જ્યારે એક મંચ પર આવે છે, ત્યારે એના પરિણામો પણ મળતા હોય છે. આપણા બંધારણ પછી આઠ સમાજોએ બંધારણ કર્યું અને આપણું અનુકરણ પણ કર્યું છે. હું સૌને વિનંતી કરું છું કે, બધા તમામ રાજકીય પક્ષ સાથે જોડાયેલા વ્યક્તિઓ એક સાથે બેસી અને સમાજને આગળ લાવવા મહેનત કરવી પડશે. તો ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સમાજ માટે આપેલા દાન અને તેમની સમાજ પ્રત્યેની કામગિરીના વખાણ કર્યા હતા.
રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે પણ કહ્યું કે, ઠાકોર સમાજમાં શિક્ષણ વધ્યું છે. આ વખતે દિવાળીમાં ક્યાંય પણ ઠાકોરનો છોકરો દારૂ પીને ફરતો નથી જોયો. તો ધારાસભ્ય કેશાજી ચૌહાણે 2027માં રાજકીય પક્ષો ગમે તેવા પ્રયાસો કરે પણ સમાજની એકતા મજબૂત રાખવાનું આહવાન કર્યું.
અલ્પેશ ઠાકોરે પણ કહ્યું તે, સમાજના તમામ નેતાઓ પણ આપણા ભાઈઓ છે. સૌએ સાથે મળીને સમાજ માટે કામ કરવું પડશે. વધુમાં તેમણે કહ્યું કે, દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી દ્વારા તાજેતરમાં ગાંધીનગરના મેયર પણ આપણા ઠાકોર સમાજના આપ્યા છે. અહીં બેઠેલ તમામ લોકોએ ગામડે ગામડે જઈ બંધારણ માટે મહેનત કરી હતી અને આજે આ બંધારણનો ફાયદો જોવા મળી રહ્યો છે, સાદગીથી લગ્ન થઈ રહ્યા છે.
આ બંધારણથી મા-બાપને ઘણો ફાયદો થયો છે. બંધારણ લાગુ થયા પછી મા-બાપનો ઉજાગરા બંધ થયા છે. આ બંધારણના કારણે સમાજના કરોડો રૂપિયા બચ્ચા છે. બંધારણ બાદ વિરોધ થયો એ ડીજેનો થયો હતો, પરંતુ અમને વાંધો ડીજેમાં વાગતા ગીતોનો હતો.
હાલ છેવાડાના વિસ્તારમાં પણ જમીનોના ભાવ વધ્યા છે. જમીનો વેચતા નહીં અમદાવાદમાં જમીનો વેચાઈ એમની હાલત જુઓ. જેની બચી છે એ જમીનો તેમની સાત પેઢી તારી દેશે. યુવાનોને વિનંતી છે કે સદારામ બાપાએ આપેલી વ્યસન મુક્તિની વાત યાદ રાખજો.