હિમાંશુ ભટ્ટ, મોરબી : મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ લોકોને આશા હતી કે, રોડ રસ્તા અને પાણીની સમસ્યાનો ઉકેલ આવશે. પરંતુ ચૂંટણી પૂર્ણ થયાને એક વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. તેમ છતાં લોકોના પ્રશ્નો જેમ ને તેમ જ છે. ન્યૂ આલાપ પાર્ક, ખોડીયાર પાર્ક અને પટેલ નગરના રહીશો છેલ્લા ચાર વર્ષથી રોડની રાહ જોઈ રહ્યા છે.
ચોમાસામાં રસ્તા બન્યા લોકો માટે મુશ્કેલી
રસ્તાની હાલત એવી છે કે રસ્તા પર કપચી છુટી પડી છે. તો રસ્તા પર ઠેર-ઠેર ખાડા પણ જોવા મળી રહ્યા છે. ચોમાસાના વરસાદમાં આ રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે લોકોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે લોકોની માંગ છે કે, આ રસ્તો તાત્કાલિક બનાવવામાં આવે.
લોકોને પડતી મુશ્કેલીઓની વાત સાંભળવા માટે ઝી મીડિયાની ટીમે સ્થાનિક સોસાયટીમાં પહોંચી હતી. જો કે લોકોનો રોષ જોતા વોર્ડ નંબર -12ના ચૂંટાયેલા પ્રતિનિધિ મીડિયા સમક્ષ આવ્યા અને તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી વાત કરી. મોરબી વિધાનસભાના ધારાસભ્ય રાજ્ય સરકારમાં મંત્રી છે. છતાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ચાર વર્ષથી રોડની રાહ
ચાર વર્ષથી રોડની રાહ જોઈ રહેલા વોર્ડ નંબર 12ના રહીશો માટે હવે સવાલ માત્ર રસ્તાનો નથી, પરંતુ જવાબદારીનો છે. ગ્રાન્ટની ફાળવણીના દાવા વચ્ચે જો પ્રાથમિક સુવિધા માટે પણ લોકોને આટલી લાંબી રાહ જોવી પડે, તો વિકાસના આ દાવાઓ સામે સવાલો ઉઠવા સ્વાભાવિક છે. હવે તંત્ર પાસે આશ્વાસન નહીં, પરંતુ રોડનું કામ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે તેની સ્પષ્ટ સમયમર્યાદા આપવાનો સમય છે. કારણ કે ખાડાઓથી ભરાયેલા રસ્તા પર જનતા નહીં, પરંતુ તંત્રની કામગીરીની કસોટી થઈ રહી છે.