ગુજરાત મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: એક સાથે 22 નાયબ કલેક્ટરોની તાત્કાલિક બદલીના આદેશ
Gandhinagar News: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડીને 22 જેટલા નાયબ કલેક્ટર કક્ષાના વર્ગ-1ના અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.
Gandhinagar News: ગુજરાત મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવેલી બદલીઓ પાછળનું મુખ્ય કારણ ચૂંટણી સંબંધિત વ્યવસ્થા અને કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાનું છે. તમામ 22 અધિકારીઓને વિવિધ જિલ્લાઓમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી (Deputy District Election Officer) તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ બદલીના આદેશો કરવામાં આવ્યા છે.
ગાંધીનગરના નાયબ કલેક્ટર ધારિયા પરાગકુમાર શાહની નવી નિમણૂક
આ બદલી સત્ર દરમિયાન ગાંધીનગરના નાયબ કલેક્ટર ધારિયા પરાગકુમાર શાહની પણ બદલી કરવામાં આવી છે. તેમને ગાંધીનગરમાં જ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે, જેથી સ્થાનિક વહીવટી અનુભવનો ચૂંટણી પ્રક્રિયામાં શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે.
મહેસૂલ વિભાગના આ આદેશ હેઠળ રાજ્યના અનેક જિલ્લાઓમાં બદલી અને નિમણૂકનો દૌર જોવા મળ્યો છે. જેમાં મુખ્યત્વે મહેસાણા, નવસારી, વલસાડ, અમરેલી, આણંદ અને અરવલ્લીનો સમાવેશ થાય છે. આ સિવાય પણ રાજ્યના અન્ય સિનિયર અધિકારીઓને તુરંત જ પોતપોતાની નિયુક્ત જગ્યાએ રૂબરૂ થઈ જવાબદારી સંભાળવા જણાવાયું છે.
તમામ 22 અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ ફરજ સંભાળવા આદેશ
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે કે બદલી થયેલા તમામ 22 અધિકારીઓએ કોઈ પણ જાતના વિલંબ વિના તાત્કાલિક અસરથી પોતાની નવી નિમણૂકના સ્થળે હાજર થઈને હોદ્દાનો પ્રભારી હવાલો સંભાળી લેવાનો રહેશે.