SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

'કોઈપણ સરકાર આવે દારૂ ક્યારેય બંધ ન થાય', બોટાદમાં PSIના નિવેદનથી વિવાદ

Botad News : ગુજરાતમાં દારૂબંધી છે, કાગળ પર કાયદો છે, ને દંડ કે જેલના મોટા-મોટા દાવાઓ પણ છે, પણ જરા વિચારો કે, જો રક્ષક જ એવું કહી દે કે 'આ કાયદો ક્યારેય અમલમાં નહીં આવે અને દારૂ ક્યારેય બંધ નહીં થાય', તો પછી ખાખી પરથી ભરોસો ઉઠી જાય કે નહીં? બોટાદના ઢસા પોલીસ સ્ટેશનના એક પીએસઆઈએ લોકદરબારમાં જ ખાખી વરદીની આબરૂના લીરેલીરા ઉડાડતું એવું બેફામ નિવેદન આપ્યું છે.

Written By Dilip Chaudhary
Published: Oct 18, 2026, 09:30 PM IST | Updated: Oct 18, 2026, 09:37 PM IST
Join

રઘુવીર મકવાણા, બોટાદ : બોટાદની જલાલપુર ગામની પ્રાથમિક શાળામાં પોલીસ અને પ્રજા વચ્ચે સંવાદ માટે લોકદરબાર યોજાયો હતો. ગામના લોકોએ ઢસા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી.ડી. આહીર સામે દારૂના દૂષણની ગંભીર ફરિયાદ કરી અને ગામમાં દારૂ બંધ કરાવવા આજીજી કરી, પરંતુ કાયદો વ્યવસ્થા જાળવવાની જેમના શિરે જવાબદારી છે, એ પીએસઆઈ સાહેબે પ્રજાને રક્ષણ આપવાના બદલે એવું કહી દીધું કે ભારે ચર્ચા જાગી છે. પીએસઆઈએ સરેઆમ સ્વીકારી લીધું કે ગમે તે થાય, દારૂ બંધ કરાવવો અશક્ય છે.

1700 ફૂટ ઊંડી ખીણમાં મોતની છલાંગ... ભાવનગરના યુવકે મહારાષ્ટ્રમાં કર્યો આપઘાત, લગ્ન વિવાદને કારણે ભર્યું પગલું

PSIના નિવેદનથી વિવાદ

ગુજરાત જેવા ડ્રાય સ્ટેટમાં, જ્યાં દારૂબંધીનો કડક કાયદો છે, ત્યાં પબ્લિક પ્લેટફોર્મ પર પીએસઆઈના આવા નકારાત્મક શબ્દોએ સમગ્ર પોલીસ બેડાને શર્મસાર કરી દીધો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થતાં જ ઉચ્ચ અધિકારીઓ એકશનમાં આવ્યા. પરિણામે, બોટાદના જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા.

 

પીએસઆઈને તાત્કાલિક બદલીનો આદેશ

આ સમગ્ર શરમજનક નિવેદનની તપાસ DYSP કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. આ વાયરલ વીડિયોનો વિવાદ એટલો વકર્યો કે કલાકોમાં જ ખાખી એક્શન મોડમાં આવી ગઈ. સરેઆમ સિસ્ટમની મજાક ઉડાવનારા ઢસા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી.ડી. આહીરને એસપી ધર્મેન્દ્ર શર્માએ તાત્કાલિક અસરથી લિવ રિઝર્વમાં મૂકી દીધા છે અને તેમની બદલીના આદેશ પણ કરી દેવાયા છે.

કાયદો માત્ર કાગળ પર જ

ગામ લોકો જે પોલીસ પાસે ન્યાય અને બુટલેગરો સામે એક્શનની આશા રાખીને બેઠા હતા, તેમને પીએસઆઈના આ નિવેદનથી મોટો ઝટકો લાગ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે માત્ર લિવ રિઝર્વ કે બદલી કરીને જ સંતોષ મનાશે, કે પછી સરેઆમ દારૂબંધીના કાયદાનો જનાજો કાઢનાર આ પીએસઆઈ સામે કોઈ કડક ખાતાકીય પગલાં ભરાશે.

એક તરફ સવાલ એ પણ થઈ રહ્યો છે કે, જો ગુજરાતમાં દારૂબંધી છે, તો ગલીએ ગલીએ દારૂ કઈ રીતે મળી રહ્યો છે? શું બુટલેગરો અને પોલીસની મિલીભગતથી જ આ આખું નેટવર્ક ચાલી રહ્યું છે? પીએસઆઈ આહીરે ભલે લેખિતમાં નહીં, પણ બોલીને એ સ્વીકારી લીધું છે કે તંત્ર લાચાર છે અને કાયદો માત્ર કાગળ પર છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES