SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

જૂનાગઢમાં પૈસાની ઉઘરાણીમાં બાપ-બેટાનો ખૂની ખેલ, યુવકને બેભાન કરી બ્રિજ પરથી ફેંક્યો

Junagadh : જ્યારે વિશ્વાસની આડમાં મોતનું કાવતરું રચાય, ત્યારે પરિવારની આંખોમાંથી આંસુ નથી સુકાતા. જૂનાગઢ અને જેતપુર પંથકમાં આવો જ એક હચમચાવી દેનારો હત્યાકાંડ સામે આવ્યો છે. જે ઘટનાને શરૂઆતમાં અકસ્માત માનવામાં આવતી હતી, તે ત્રીજી આંખ એટલે કે સીસીટીવી કેમેરાએ કેવી રીતે ઉકેલી નાખી અને કેમ એક બાપ-બેટાની જોડીએ રચ્યો મોતનો આ ખૌફનાક ખેલ? તેના વિશે આ લેખમાં જાણીશું.

Written By Dilip Chaudhary
Published: Nov 26, 2026, 17:49 IST | Updated: Nov 26, 2026, 18:30 IST
Join

અશોક બારોટ, જૂનાગઢ: મોતનો એવો ખૌફનાક પ્લાન, જેને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી. જૂનાગઢ અને જેતપુર પંથકમાં ચકચાર મચાવનારી આ ઘટનાની શરૂઆત 16 નવેમ્બર 2026ના રોજ થઈ હતી. મૃતક સમીર શેખને આરોપી નાસીર ખાન પઠાણે પોતાના ઘરે કલર કામ કરવાના બહાને બોલાવ્યા હતા, પરંતુ ઘરેથી નીકળેલા સમીર શેખ પરત ન ફરતા રહસ્યમય રીતે ગુમ થઈ ગયા. બનાવના બે દિવસ બાદ એટલે કે 18 નવેમ્બર 2026ના રોજ ભાદર નદીના પાણીમાંથી સમીર શેખનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ. શરૂઆતમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: ₹18 લાખના બિલમાં ગેરરીતિ ખુલતાં એક અધિકારી સસ્પેન્ડ, બે સામે ખાતાકીય તપાસ

સીસીટીવીએ ફોડ્યો હત્યાનો ભાંડો

જોકે, પરિવારને આ મોત અકસ્માત નહીં પણ સુનિયોજિત કાવતરું લાગી રહ્યું હતું. મૃતકના પરિવારે આરોપી નાસીર ખાન પઠાણ સામે શંકાની સોય તાકી હતી. પરિવારનો આક્ષેપ હતો કે આરોપી અગાઉ પૈસાની ઉઘરાણી માટે આવતો હતો અને છેલ્લે સમીર શેખ કલર કામ માટે તેના ઘરે જ ગયા હતા. આ કડી મળતા જ જેતપુર પોલીસે જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસને એલર્ટ કરી. પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ખોળ્યા અને શંકાસ્પદને રાઉન્ડઅપ કરીને કડક પૂછપરછ કરતા સમગ્ર હત્યાકાંડનો ભાંડો ફૂટી ગયો.

યુવકને બેભાન કરી બ્રિજ પરથી ફેંક્યો

પોલીસ પૂછપરછમાં આરોપી પિતા-પુત્રએ જે કબૂલાત કરી તે કંપાવી દેનારી હતી. આરોપી નાસીર ખાન પઠાણ અને તેના પુત્ર દાઉદ પઠાણે સમીર શેખને ઠંડી લસ્સીમાં ઘેનની ગોળીઓ ભેળવીને પીવડાવી દીધી હતી. સમીર શેખ સંપૂર્ણપણે બેભાન થઈ જતાં બંને બાપ-બેટાએ તેમને પોતાની કાળા રંગની એક્ટિવા પર વચ્ચે બેસાડ્યા હતા અને જેતપુર નજીક પાંચ પીપળા ગામ પાસે આવેલા ભાદર નદીના બ્રિજ પર લઈ જઈ, જીવતા જ નદીમાં ધક્કો મારી દઈ મોતને ઘાટ ઉતારી દીધા હતા.

તપાસમાં ચોંકાવનારો ખુલાસો

તપાસમાં એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી નાસીર ખાન પઠાણ રીઢો ગુનેગાર છે. અગાઉ પણ તેની સામે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં કલમ 302 એટલે કે હત્યા, છેતરપિંડી અને લૂંટ જેવા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ જૂનાગઢ સી ડિવિઝન પોલીસે ગુનાહિત કાવતરું અને હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી આ હત્યારા બાપ-બેટાને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

વિશ્વાસના નામે રચાયેલા મોતના આ ષડયંત્રનો અંતે પર્દાફાશ થયો છે. જે ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ થયો હતો, તેમાં ત્રીજી આંખે બાજી પલટી નાખી. હાલ તો આ હત્યારા બાપ-બેટા જેલની હવા ખાઈ રહ્યા છે, પરંતુ જૂનાગઢ અને જેતપુર પંથકમાં બનેલી આ ઘટનાએ માનવતાને શર્મસાર કરી દીધી છે. આ ઘટના દરેક વ્યક્તિ માટે એક મોટો બોધપાઠ છે. ક્યારેક જાણીતા અને વિશ્વાસુ ચહેરા પાછળ પણ કાળો ચહેરો છુપાયેલો હોય છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES