SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગુજરાતના ઉદ્યોગો માટે ખુલશે વૈશ્વિક બજારના નવા દ્વાર, 38 દેશો સાથેના વેપાર કરારથી થશે મોટો ફાયદો

ભારતના 38 દેશો સાથેના 9 મુક્ત વેપાર કરારો (FTA)થી ગુજરાતના ઉદ્યોગો માટે વૈશ્વિક બજારોમાં નવી તકો ઊભી થશે. કેમિકલ્સ, ટેક્સટાઇલ, જેમ્સ-જ્વેલરી, મરીન પ્રોડક્ટ્સ અને એન્જિનિયરિંગ ક્ષેત્રને તેનો મોટો લાભ મળી શકે છે. ગુજરાતની નિકાસ ક્ષમતાને વધુ વેગ આપવા અને આંતરરાષ્ટ્રીય વેપારમાં રાજ્યનું સ્થાન મજબૂત કરવા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં FTA પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

Written By Dilip Chaudhary
Published: Nov 03, 2026, 04:51 PM IST | Updated: Nov 03, 2026, 04:59 PM IST
Join

ભારત વૈશ્વિક વેપારમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવવા માટે મુક્ત વેપાર કરારો (FTA)નું નેટવર્ક ઝડપથી વિસ્તારી રહ્યું છે. ભારતના 38 દેશો સાથેના 9 વેપાર કરારો ગુજરાતના ઉદ્યોગો માટે વિકાસની નવી તકો ઊભી કરી રહ્યા છે. આ વધતા નેટવર્કથી ગુજરાતના મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ ક્ષેત્રને મોટો આર્થિક લાભ થવાની પૂરી શક્યતા છે. આગામી 10 થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન યોજાનાર 11મા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આ મહત્વપૂર્ણ વેપાર કરારો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સમિટમાં વિશેષ સત્રો દ્વારા ગુજરાતની મજબૂત ઓદ્યૌગિક ઇકોસિસ્ટમને આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.

ગાંધીનગરના કાવાદાવા : શું ગુજરાતમાં ચૂંટણી વહેલી આવશે? ગાંધીનગરમાં નવી હવા વહેતી થઈ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 પૂર્વે વિવિધ ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે. આ ઈવેન્ટમાં રોકાણો આકર્ષવાથી લઈને ભારતીય ઉત્પાદકોની વેપાર ક્ષમતા અને સ્પર્ધા વધારવા સુધીના તમામ ક્ષેત્ર આવરી લેવામાં આવશે. છેલ્લા બે દાયકાથી વધુ સમયથી યોજાતી ગુજરાત સરકારની આ ફ્લેગશિપ ઇવેન્ટ દેશ-વિદેશના રોકાણકારો અને સરકારો વચ્ચે વૈશ્વિક ભાગીદારી પ્રોત્સાહિત કરવા માટે તથા જ્ઞાનનું આદાન-પ્રદાન અને સહયોગ વધારવા માટેનું એક મહત્વપૂર્ણ મંચ બની ગયું છે.

FTA એક એવા વ્યૂહાત્મક પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું

વર્તમાન વૈશ્વિક સ્થિતિ અને સપ્લાય ચેઈનના બદલાતા પ્રવાહો વચ્ચે, વેપાર કરતા દેશો વચ્ચેના FTAs બંને પક્ષો માટે લાભદાયી સ્થિતિનું નિર્માણ કરે છે. FTAs એક એવા વ્યૂહાત્મક પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે, જે અર્થતંત્રોને રોકાણ આકર્ષવામાં, ઔદ્યોગિક ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં અને ગ્લોબલ વેલ્યુ ચેઇન (GVC) સાથે જોડાવામાં મદદ કરે છે.

નવી પેઢીના આ વેપાર કરારો માત્ર ટેરિફ ઘટાડવા પૂરતા મર્યાદિત નથી, પરંતુ તે અવર-જવર, ડિજિટલ વેપાર, સ્થિરતા, નવા સંશોધન અને રેગ્યુલેટરી સહયોગને પણ આવરી લે છે.  હવે ભારતનું મુખ્ય ધ્યાન આ કરારોનો અસરકારક ઉપયોગ કરવા, નિકાસમાં વૈવિધ્યતા લાવવા અને પ્રેફરન્શિયલ માર્કેટ એક્સેસનો લાભ જમીની સ્તરે બિઝનેસ સુધી પહોંચાડવા પર છે.

ગુજરાત ભારતનું સૌથી મોટું એક્સપોર્ટ પાવરહાઉસ

ગુજરાત ભારતનું સૌથી મોટું એક્સપોર્ટ પાવરહાઉસ છે. ગુજરાત તેના વૈવિધ્યસભર ઔદ્યોગિક આધાર, વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સ, મજબૂત ઉદ્યોગસાહસિકતા, વિશ્વસ્તરીય બંદરોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લાંબા સમયથી નિકાસ-લક્ષી વલણને કારણે ગુજરાત FTA-આધારિત વૃદ્ધિનો મુખ્ય લાભાર્થી બનવા માટે શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે.

ગુજરાત ભારતની કુલ માલ-સામાનની નિકાસમાં આશરે 25% હિસ્સો ધરાવે છે, જેનાથી ગુજરાત દેશનું સૌથી મોટું નિકાસકાર રાજ્ય બન્યું છે. નાણાકીય વર્ષ  2025-26માં ગુજરાતે 110.6 અબજ US ડોલરની કિંમતની વસ્તુઓની નિકાસ કરી હતી. ગુજરાતની નિકાસ FY 2013-14માં રૂપિયા 4.44 લાખ કરોડ હતી, જે FY 2025-26માં વધીને રૂપિયા 9.77 લાખ કરોડ પર પહોંચી છે, એટલે કે આ સમયગાળા દરમિયાન નિકાસ બમણીથી પણ વધુ વધી છે. ગુજરાત પહેલાથી જ ભારતના FTA દેશોને 37.8 અબજ US ડોલરની કિંમતનો માલસામાન નિકાસ કરે છે, જે રાજ્યની કુલ નિકાસના લગભગ 34% જેટલો ભાગ ધરાવે છે.

મુખ્ય મુક્ત વ્યાપાર સમજૂતી ધરાવતા ભાગીદાર દેશોના બજારોમાં ગુજરાત સંબંધિત ક્ષેત્રોની કુલ આયાત માંગ $ 1.08 ટ્રિલિયન US ડોલરથી પણ વધુ છે, જે કોઈપણ ભારતીય રાજ્ય માટે ઉપલબ્ધ નિકાસ માટેની તકનો સૌથી મોટો સ્ત્રોત છે.

નિકાસ 863.1 અબજ US ડોલરની રેકોર્ડ સપાટીએ પહોંચી

ભારતનું વિસ્તરતું FTA નેટવર્ક નિકાસકારોને અનેક બજારો સાથે જોડે છે. આ વિસ્તરણને દેશના વધતા જતા નિકાસ આધારનો મજબૂત ટેકો મળ્યો છે. નાણાકીય વર્ષ 2025-26માં, સંયુક્ત માલ-સામાન અને સેવાઓની નિકાસ 863.1 અબજ US ડોલરની રેકોર્ડ સપાટીએ પહોંચી હતી, જેમાં 441.8 અબજ US ડોલરની માલ-સામાનની નિકાસ સામેલ હતી. માલ-સામાન નિકાસની આ ઝડપ નાણાકીય વર્ષ 2026-27માં પણ ચાલુ રહી છે. એપ્રિલ-જૂન 2026 દરમિયાન, સંયુક્ત નિકાસ 232.37 અબજ US ડોલર હોવાનો અંદાજ હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 11.37%નો વધારો દર્શાવે છે.

છેલ્લા એક દાયકામાં ભારત એક નિર્ણાયક અને વિશ્વસનીય વૈશ્વિક વેપાર ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે. આધુનિક, ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ અને નવી પેઢીના મુક્ત વેપાર કરારો દ્વારા ભારત વૈશ્વિક વેપારને નવી દિશા બતાવી રહ્યું છે. ફેબ્રુઆરી 2021માં ભારત-મોરિશિયસ વચ્ચે વ્યાપક આર્થિક સહયોગ અને ભાગીદારી કરાર કરવામાં આવ્યા, ફેબ્રુઆરી 2022માં ભારત-સંયુક્ત આરબ અમીરાત (UAE)  વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) કરવામાં આવ્યા, તો એપ્રિલ 2022માં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આર્થિક સહયોગ અને વેપાર કરાર (ECTA) કરવામાં આવ્યા.

ભારતની વધતી વૈશ્વિક ભૂમિકા

આ કરારો ભારતની વધતી વૈશ્વિક ભૂમિકાના પુરાવા છે. એટલું જ નહીં, ભારતે માર્ચ 2024માં સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને લિચટેન્સ્ટાઇનને સમાવતા ચાર દેશોના યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) સાથે ભારત-EFTA વેપાર અને આર્થિક ભાગીદારી કરાર (TEPA) પર હસ્તાક્ષર કર્યા હતા. જુલાઈ 2025માં ભારત-બ્રિટન વચ્ચે આર્થિક અને વેપાર કરાર (CETA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ડિસેમ્બર 2025માં ભારત-ઓમાન વચ્ચે આર્થિક ભાગીદારી કરાર (CEPA) પર હસ્તાક્ષર થયા હતા , જયારે  જાન્યુઆરી 2026માં ભારત-યુરોપિયન યુનિયન (EU) મુક્ત વેપાર કરા ની વાટાઘાટો પૂર્ણ થઈ હતી, તો એપ્રિલ 2026માં ભારત-ન્યુઝીલેન્ડ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ સિદ્ધિઓ વૈશ્વિક વેપારમાં ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. આ તમામ મુક્ત વેપાર કરારો ભારતની આર્થિક ક્ષમતા અને દેશમાં રહેલી વ્યાપક સંભાવનાઓ પર વૈશ્વિક સમુદાયની મહોર સમાન છે.  આ કરારોનો લાભ આપણા ઉદ્યોગસાહસિકો અને મહિલાઓના નેતૃત્વ હેઠળના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) ને પણ મળશે. આ કરારો આપણા ઉદ્યોગસાહસિકો અને MSMEs ને કાપડ (ટેક્સટાઇલ), ચામડાના ઉત્પાદનો અને હસ્તકળા જેવી વસ્તુઓ સ્પર્ધાત્મક અને વાજબી કિંમતો પર નિકાસ કરવા માટે સક્ષમ બનાવશે.

મુક્ત વેપાર કરારો ગુજરાત માટે લાભદાયી

આ મુક્ત વેપાર કરારો ગુજરાતની ઔદ્યોગિક ઇકોસિસ્ટમ માટે અનેક રીતે લાભદાયી સાબિત થવાના છે. ગુજરાતના મુખ્યત્વે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, મરીન પ્રોડક્ટ્સ અને એગ્રો-પ્રોસેસ્ડ ફૂડ, જેમ્સ અને જ્વેલરી, ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ્સ તેમજ એન્જિનિયરિંગ અને ઓટોમોબાઇલ ઉત્પાદનો જેવા અનેક ઉદ્યોગોને મોટો ફાયદો થશે. આ કરારો પરંપરાગત આરોગ્ય અને વેલનેસ સિસ્ટમ માટે પણ લાભદાયી સાબિત થશે.

આ મુક્ત વેપાર કરારો વૈશ્વિક સ્તરે ડિજિટલ સેવાઓ અને એઆઈ (AI) ઇકોસિસ્ટમને મજબૂત કરશે. આ કરારોથી રોકાણ આકર્ષવામાં મદદ મળશે અને મુક્ત વેપાર કરારના ભાગીદાર દેશો તેમજ તમામ હિતધારકોને આ કરારના લાભ થશે.

ગુજરાત માટે મુક્ત વેપાર કરારો એક મોટી તક

ગુજરાત માટે મુક્ત વેપાર કરારો એક મોટી તક છે, જેના દ્વારા રાજ્ય એક અગ્રણી નિકાસકાર રાજ્યથી આગળ વધીને વિશ્વના સૌથી વધુ સંકલિત (ઇન્ટિગ્રેટેડ) મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ સેન્ટર્સમાં સામેલ થઈ શકે છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સથી મળતી તકોને ગુજરાત જિલ્લા સ્તર સુધીની ઔદ્યોગિક ક્ષમતાઓ, સેક્ટર આધારિત નિપુણતા અને વૈશ્વિક વેલ્યુ ચેઇન સાથે જોડીને ગુજરાત ભારતની નિકાસ-આધારિત વૃદ્ધિની આગામી પેઢીનું નેતૃત્વ કરી શકે છે.

ગુજરાત વિકસિત ભારત @2047ના સામૂહિક લક્ષ્યને પ્રાપ્ત કરવાની દિશામાં ભારતીયોની આકાંક્ષાઓને સાકાર કરવા માટે દેશની સાથે પગલાં ભરી રહ્યું છે. ગુજરાતના ઉદ્યોગો જ નહીં પરંતુ સમગ્ર ઔદ્યોગિક ઇકોસિસ્ટમ માટે આ મુક્ત વેપાર કરારો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાના છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES