Gujarat labor news : ગુજરાતમાં ESIC ના આ વ્યાપક વિસ્તરણના પરિણામે રાજ્યના અંદાજે ૮ થી ૧૦ લાખ નવા શ્રમિકો અને તેમના પરિવારો સામાજિક સુરક્ષા કવચ હેઠળ આવરી લેવાશે. આ યોજના અંતર્ગત પાત્ર શ્રમિકોને કેશલેસ સારવાર, માંદગી દરમિયાન રોકડ સહાય, પ્રસૂતિ લાભ તેમજ અપંગતા સહાય જેવી વિવિધ આરોગ્યલક્ષી અને સામાજિક સુરક્ષાની સેવાઓ પ્રાપ્ત થશે.
કયા કયા જિલ્લાને લાભ મળશે
ESIC ના સંપૂર્ણ અમલીકૃત ૧૫ જિલ્લાઓમાં અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, મહિસાગર, નર્મદા, પાટણ, તાપી અને વાવ-થરાદનો સમાવેશ થાય છે. જ્યારે આંશિક અમલીકૃત ૧૬ જિલ્લાઓમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ખેડા, મહેસાણા, મોરબી, નવસારી, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત અને સુરેન્દ્રનગરના નિર્ધારિત વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે.
આરોગ્ય સુવિધાઓ અંગે વધુ વિગતો આપતાં કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, "હાલમાં રાજ્યમાં ૧૦૩ ESIS ડિસ્પેન્સરીઓ અને ૧૧ ESIC/ESIS હોસ્પિટલો કાર્યરત છે. આ ઉપરાંત શ્રમિકોને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે ૨૩૪ CHC અને PHC ને એમ્પેનલ કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને ભલામણ મોકલવામાં આવશે
સાણંદ ખાતે ૩૫૦ બેડ અને કલોલ-ગાંધીનગર ખાતે ૧૫૦ બેડની ક્ષમતા ધરાવતી ESIC હોસ્પિટલનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે. જ્યારે હાલોલ -પંચમહાલ અને સાવલી -વડોદરા ખાતે ૧૦૦-૧૦૦ બેડની હોસ્પિટલો માટે જમીન ફાળવણીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આ સાથે મહેસાણા, ગાંધીધામ અને મોરબી ખાતે નવી ESIC હોસ્પિટલો શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને ભલામણ મોકલવામાં આવશે. અમદાવાદ ખાતે ESIC મેડિકલ કોલેજ કાર્યરત કરી દેવામાં આવી છે અને સુરત ખાતે નવી કોલેજની પ્રક્રિયા ચાલુ છે.
૬૮ પ્રતિષ્ઠિત હોસ્પિટલોને ESICની પેનલમાં સમાવેશ થશે
શ્રમિકોને ઘરની નજીક ઉત્તમ તબીબી સેવાઓ મળે તે હેતુથી છેલ્લા બે મહિનામાં ૧૩ સરકારી અને ૫૫ ખાનગી મળી કુલ ૬૮ પ્રતિષ્ઠિત હોસ્પિટલોને ESIC ની પેનલમાં જોડવામાં આવી છે. આ ઉપરાંત PM-JAY હેઠળની ૯૦૦ ખાનગી અને ૧,૧૨૭ સરકારી હોસ્પિટલો મારફતે પણ પાત્ર શ્રમિકોને સીધી કેશલેસ સારવારનો લાભ મળશે.
સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોના શ્રમિકોને સ્થાનિક સ્તરે જ સુવિધાઓ મળી રહે તે હેતુથી રાજકોટ ખાતે નવી ESIC પેટા પ્રાદેશિક કાર્યાલય -Sub-Regional Office - SROને મંજૂરી આપવામાં આવી છે. આ નવી કચેરી શરૂ થવાથી સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાઓના વહીવટી કામકાજ, યોગદાન અને કલેઈમ સંબંધિત તમામ કામગીરી વધુ ઝડપી અને સુચારુ રીતે હાથ ધરી શકાશે.
૮થી ૧૦ લાખ નવા કામદારો નોંધાશે
રાજ્યમાં હાલમાં અંદાજે ૨૧.૬૮ લાખ ESIC હેઠળ નોંધાયેલા કામદારો છે જેમાં તેમના પરિવારજનો મળીને કુલ આશરે ૮૪ લાખ લાભાર્થીઓ આરોગ્ય તથા સામાજિક સુરક્ષાનો લાભ મેળવી રહ્યા છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સમગ્ર ગુજરાતમાં આ યોજના પૂર્ણપણે લાગુ કરવામાં આવ્યા બાદ વધુ ૮ થી ૧૦ લાખ નવા કામદારો નોંધાશે. આ વ્યાપક વિસ્તરણના પરિણામે રાજ્યમાં નોંધાયેલા શ્રમિકોની સંખ્યા વધીને અંદાજે ૩૨ લાખ સુધી પહોંચશે, જેનાથી શ્રમિકો અને તેમના પરિવારજનો સહિત રાજ્યના કુલ ૧.૨૦ કરોડ નાગરિકોને ESIC યોજના હેઠળ કેશલેસ સારવાર અને સામાજિક સુરક્ષાનું મજબૂત કવચ પ્રાપ્ત થશે.