SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગાંધીનગરના કાવાદાવા : GMC ચૂંટણીમાં RSS-BJP પાસ થશે કે ફેલ? IAS અને IPS ની દિવાળી સુધરશે કે બગડશે?

Gandhinagar Na Kavadava : ગુજરાતના રાજકારણની ગપશપ, કયા નેતાએ શું કર્યું, કોણ રાજ રમત રમી ગયું... જાણવા માટે જુઓ ‘ગાંધીનગરના કાવાદાવા’

Reported By Karan Rajput Written By Karan Rajput
Published: Oct 12, 2026, 10:58 AM IST | Updated: Oct 12, 2026, 11:06 AM IST
Image Credit: ગાંધીનગરના કાવાદાવા : GMC ચૂંટણીમાં RSS-BJP પાસ થશે કે ફેલ? IAS અને IPS ની દિવાળી સુધરશે કે બગડશે?
Join

Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.

GMC ની ચૂંટણી  RSS અને BJP ની પ્રયોગશાળાનું પરિણામ બનશે 
RSS અને ભાજપ રાજનીતિક પ્રયોગો ગુજરાતમાં કરતી હોય છે. તેમાંનો જ એક મહત્વનો પ્રયોગ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. જે વિધાનસભા 2027 અને ભાજપના રાષ્ટ્રીય રાજકારણમાં ઉપયોગી સાબિત થશે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીએ મતદાનનો રેકોર્ડ બનાવ્યો છે. 60% જેટલું મતદાન ગાંધીનગર મહાનગરપાલિકામાં પ્રથમવાર થયું છે. 13 તારીખે આ ચૂંટણીનું પરિણામ આવશે. પરિણામ કેવા આવે છે તેના આધારે આરએસએસ અને ભાજપે કરેલો પ્રયોગ કેવો રહ્યો તેનો ખ્યાલ આવશે. ભવિષ્યમાં વિધાનસભા અને અન્ય રાજ્યોમાં કરવો કે નહીં તેનો પણ નિર્ણય લેવાશે. અત્યાર સુધી ભાજપ ચૂંટણીમાં વિરોધી પક્ષોના વોટ કાપવા અન્ય કે ત્રીજા પક્ષની રણનીતિ પર ચાલતું હતું. જો કે ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ સાથે સીધો જ મુકાબલો કરવાનો એક પ્રયોગ કર્યો. આમ આદમી પાર્ટીને 2021 માં ભાજપે જ હવા આપી હતી અને તેના કારણે આમ આદમી પાર્ટી 21.77 ટકા મત લઈ ગઈ હતી. કોંગ્રેસના મત કપાતા ભાજપને 41 બેઠક પર વિજય મળ્યો હતો. આ વખતે ચિત્ર અલગ છે. આ ઉપરાંત ભાજપ અને આરએસએસ માટે શંકરસિંહ વાઘેલાના જાતિગત અનામત માટેના નિવેદનની શું અસર થઈ, કોકરોચ જનતા પાર્ટીની Gen-Z મતદારો પર અસર સહિતના મુદ્દાની ચકાસણી ગાંધીનગર મહાનગરપાલિકાના પરિણામોને આધારે કરવામાં આવશે. ભાજપની રણનીતિ સમગ્ર દેશમાં અત્યાર સુધી સ્થાનિક રાજકીય પક્ષ સાથે ગઠબંધન કરી તે રાજ્યમાં પગ પેસારો કરવાની રહી છે. જોકે ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ હવે એકલા હાથે મુખ્ય વિરોધી પક્ષ સામે ચૂંટણી જંગમાં લડવાની વિચારણા કરી રહ્યું છે. એટલે જ ગાંધીનગર મહાનગરપાલિકાના પરિણામ ભાજપની પ્રયોગશાળા માટે મહત્વનું સાબિત થશે. ભાજપ અને RSSનો આ પ્રયોગ આશ્ચર્યચકિત પરિણામો આપે તો પણ નવાઈ નહીં.

મંત્રીમંડળમાં ખાવાના શોખીન મંત્રી તરીકે હર્ષ સંઘવીનું નામ આવે 
‘સુરતનું જમણ અને કાશીનું મરણ’ આ કહેવત સુરતી લાલાઓ માટે પ્રચલિત છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સુરતી લાલા છે. ખાવા અને ખવડાવવાના શોખીન પણ ખરા. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પરાકાષ્ઠાએ પહોંચી હતી, ત્યારે એકાએક કાર્યકરો સાથે સચિવાલયની સામે આવેલી લારી ઉપર ચોરાફળી અને ચટણીનો ટેસ્ટ કરવા પહોંચી ગયા. તબિયતથી ચોરાફળીની મોજ માણી. ચટણીના પણ ભુક્કા બોલાવ્યા. સુરતમાં પોતાના મજુરા વિધાનસભા ક્ષેત્રમાં અવારનવાર આ રીતે ચા પાણી નાસ્તો કરવા લારી પર ઉભા રહી જાય છે. પોતાના પ્રવાસ દરમિયાન પણ જે તે જગ્યાની જાણીતા ફરસાણનો આસ્વાદ માણી લે છે. પોતાના કાર્યાલયમાં ગાંધીનગરના જાણીતા ઢોકળા મંગાવી ખાય અને ખવડાવે પણ છે.

શક્તિસિંહ ગોહિલે શંકરસિંહ વાઘેલાના નામનો ઉલ્લેખ પણ ન કર્યો
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાય છે અને નવરાત્રિ દરમિયાન જ જોડાશે તેવી વાતો આવી રહી છે. આમ તો કોંગ્રેસના નેતાઓ સાથે જાહેર સભામાં દેખાવા લાગ્યા છે. માત્ર સત્તાવાર જાહેરાત કે કોંગ્રેસમાં ભવ્ય સ્વાગત બાકી છે. બાપુ કોંગ્રેસમાં જોડાશે તે કેટલાક ચુસ્ત કોંગ્રેસીઓ માટે હજુ પચાવવું અઘરું છે. તાજેતરમાં જ કોંગ્રેસના પીઢ નેતા શક્તિસિંહ ગોહિલને શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ આગમન સંદર્ભે પ્રશ્ન પૂછાયો ત્યારે શક્તિસિંહ ગોહિલે શીફરત રીતે શંકરસિંહ વાઘેલાના નામનો ઉલ્લેખ કર્યા વગર જવાબ આપ્યો. ભાજપથી નારાજ હોય તેવા નેતાઓ કે લોકો કોંગ્રેસમાં આવી રહ્યા છે. પક્ષની વિચારધારા પ્રમાણે કામ કરશે તેઓ આશાવાદ પણ વ્યક્ત કર્યો. પત્રકાર દ્વારા અલગ અલગ રીતે શંકરસિંહ વાઘેલાના નામનો પ્રશ્ન પૂછાયો, પણ શક્તિસિંહ ગોહિલે એક પણ વખત શંકરસિંહ વાઘેલાના નામનો ઉલ્લેખ સુધ્ધા ન કર્યો.

સિવિલ ઈજનેર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પાઠશાલા 
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતે સિવિલ એન્જિનિયર છે. તેનો અનુભવ રાજ્યના માર્ગ અને મકાન વિભાગમાં કામ કરતા સિવિલ ઈજનેરોને થઈ ગયો હશે. માર્ગ મકાન વિભાગની ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગની કામગીરી અને કોન્ટ્રાક્ટરોના બિલ પસાર કરવાની સ્ટાઈલના મુદ્દે આડે હાથ લીધા અને પોતાને બધું જ અનુભવ હોવાનો અહેસાસ કરાવ્યો. ગુણવત્તાયુક્ત રોડ રસ્તા અને પુલોના કામ ન કરતા કોન્ટ્રાક્ટરોને કેવી રીતે સીધાદોર કરવાનું જ્ઞાન મુખ્યમંત્રીએ આપ્યું. માર્ગ મકાન વિભાગની કામગીરીની પ્રશંસા પણ કરી તો સામે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ચિંતન પણ કરવાની ટકોર કરી. સભાગૃહમાં બેઠેલા માર્ગ મકાન વિભાગના સિવિલ ઇજનેરોને ખ્યાલ આવી ગયો હશે કે મુખ્યમંત્રી કઈ દિશામાં ઇશારો કરી રહ્યા છે.

IAS અને IPS ની દિવાળી સુધરશે કે બગડશે 
રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે IAS અને IPS અધિકારીઓની બદલીના ઓર્ડર થશે. લાંબા સમયથી રાહ જોતા આ ઓર્ડર ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં કરવામાં આવે તેવી સંભાવનાઓ અધિકારીઓમાં જ ચર્ચા રહી છે. કેટલાક અધિકારીઓ ખાનગીમાં દિવાળી સુધરશે કે બગડશે તેની ચર્ચા પણ કરી રહ્યા છે. કલેક્ટર અને એસપી કક્ષાએ છેલ્લે કેટલાક ઓર્ડર થયા હતા, પણ એક જ જગ્યાએ ત્રણ વર્ષ પૂરા થઈ ગયા હોય તેવા અધિકારીઓની સંખ્યા પણ વધુ છે. તેના જ કારણે આવા અધિકારીઓ ઉપરાંત સચિવાલય અને પોલીસ ભવનમાં બેઠેલા અધિકારીઓની બદલીઓ મોટાપાયે ગમે ત્યારે આવશે તેવી ચર્ચા પણ શરૂ થઈ છે. હવે સવાલ એ છે કે દિવાળી પહેલા કે દિવાળી પછી બદલીના આદેશ થાય છે તેની પર સૌની નજર છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES