ગાંધીનગરના કાવાદાવા : નવરાત્રિ અને પૂનમ પણ ગઈ, શંકરસિંહ બાપુનો કોંગ્રેસ પ્રવેશ અટક્યો! સરકારની સ્થિતિ થપ્પડ મારીને ગાલ લાલ રાખવા જેવી
Gandhinagar Na Kavadava : ગુજરાતના રાજકારણની ગપશપ, કયા નેતાએ શું કર્યું, કોણ રાજ રમત રમી ગયું... જાણવા માટે જુઓ ‘ગાંધીનગરના કાવાદાવા’
Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.
સરકારની સ્થિતિ ન કહેવાય અને ન સહેવાય તેવી... થપ્પડ મારીને ગાલ લાલ રાખવા જેવી
છેલ્લા કેટલાય વખતથી રાજ્ય સરકાર અનેક મુદ્દાઓ ઉપર જંગ લડી રહી છે. કુદરત પણ ગુજરાત સરકારની પરીક્ષા લઈ રહી છે. વરસાદ વગર દુષ્કાળ જાહેર કરવાની બાબત હોય કે વીજળીની માંગણી વધતા વીજકાપ મુકવાની સ્થિતિ હોય. સરકાર અત્યારે આ બંને મુદ્દા ઉપર ન કોઈને કશું કહી શકે કે ન સહન કરી શકે તેવી સ્થિતિમાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી દુષ્કાળને ભૂતકાળ બનાવી દીધો છે. એ જ રીતે વીજળીમાં ગુજરાતને સરપ્લસ સ્ટેટ જાહેર કર્યું. આ વખતે આ બંને મુદ્દાઓ પર સરકારની પરીક્ષા થઈ રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ઓછો છે અને દુષ્કાળ જાહેર કરવો પડે તેવી સ્થિતિ છે. પણ ભૂતકાળને ધ્યાનમાં રાખી સરકાર આ પ્રકારની હિંમત કરી શક્તી નથી. ચોક્કસ, સરકારે દુષ્કાળ જાહેર કરાયો હોય તેવી રીતે પગલા ભરવાના ક્યારના શરૂ કરી દીધા છે, પણ સરકાર દુષ્કાળગ્રસ્ત ગુજરાતનું લેબલ લગાડવા માંગતી નથી. આ જ પ્રકારે વીજળીમાં પણ સરપ્લસ સ્ટેટનો દરજ્જો જાળવી રાખવાની મથામણ કરી રહી છે. ગત વર્ષની સરખામણીમાં વીજળીની માગમાં 36 ટકાથી વધારે વધારો થયો છે, એટલે સ્વાભાવિક છે. કુદરતી ગરમીને કારણે વીજળીની માંગ વધી છે. ગુજરાતને જોઈએ એટલી વીજળી હાલ ઉપલબ્ધ નથી. આમ છતાં સરકાર અનેક કારણોને કારણે આ બંને મુદ્દા ઉપર થપ્પડ મારીને ગાલ લાલ રાખી રહી છે. સરકારની નીતિ ચોક્કસ ગુજરાત અને ગુજરાતની પ્રજા માટે ઉપયોગી સાબિત થશે. જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગુજરાતમાં મૂડી રોકાણ માટે ખૂબ મહત્વનું સાબિત થશે. ગુજરાત વેપારી રાજ્ય તરીકે સમગ્ર દેશમાં પંકાયેલું છે એટલે જો દુષ્કાળ કે વીજળી અછતવાળું રાજ્ય ગણાય તો વેપાર ધંધાના મૂડી રોકાણ પર અસર પડી શકે છે. આથી જ રાજ્યના હિતમાં સરકાર સહનશીલ બની છે. કોંગ્રેસ રાજકીય દાવપેચમાં આ બંને મુદ્દા ઉપર સરકારને ઘેરવાનો પ્રયત્ન કરે છે. કોંગ્રેસ રાજકીય પાર્ટી છે એટલે કરે એ સ્વાભાવિક છે. સરકાર ભલે ગુજરાતની પ્રતિષ્ઠા જાળવે, પણ ખેડુતો અને સામાન્ય માણસને સહન ન કરવું પડે તેનું પણ ધ્યાન રાખવું પડશે. 2027 નું વર્ષ ચૂંટણીનુ વર્ષ છે તે સરકાર નહીં ભૂલી હોય.
કોંગ્રેસને કરવાનું કામ ગુજરાતમાં ભાજપ કરશે
ગુજરાતના રાજકારણમાં આજે પણ વિરોધ પક્ષ જો કોઈ શ્રેષ્ઠ હોય તો તે ભાજપનો સમયગાળો ગણવામાં આવે છે. ભાજપના કાર્યકર અને નેતાઓ વિરોધ કરવામાં કે સરકાર સામે આક્રમક કાર્યક્રમો આપવામાં યાદ કરવામાં આવે છે. ગુજરાતમા કોંગ્રેસ ત્રીસ વર્ષથી વિરોધ પક્ષમાં છે, પણ હજુ ભાજપ જેવી આક્રમકતા લાવી શકી નથી. એટલે જ કદાચ ભાજપ ત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસન કરે છે. જો કે આ વખતે કોંગ્રેસે રાષ્ટ્રીય કક્ષાએ ‘વોટ બચાવો લોકશાહી બચાવો’ નો નારો આપી આંદોલનો શરૂ કર્યા. તેની સામે હવે ભાજપ પણ આક્રમક મૂળમાં આવી ગયું છે. કોંગ્રેસના ‘વોટ બચાવો લોકશાહી બચાવો’ ના નારા સામે ભાજપે ‘લોકતંત્ર બચાવો ભીડ તંત્ર હટાવો’ ( અરાજકતા હટાવો) નો નારો આપ્યો છે. સમગ્ર ગુજરાતમાં ચાર ઝોનમાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ આમ જનતાને જોડીને કાર્યક્રમો આપશે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને તમામ કેન્દ્રીય મંત્રીઓ આ કાર્યક્રમમાં જોડાશે. સરકાર અને સંગઠન એક સાથે આવીને કોંગ્રેસના આંદોલનનો પ્રતિકાર કરશે.
નવરાત્રિ અને પૂનમ પણ પૂરી થઈ, શંકરસિંહ બાપુનો કોંગ્રેસ પ્રવેશ અટક્યો?
માતાજીના નોરતામાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પ્રવેશ કરશે તેવી અનેક અટકળો ચાલી હતી. શંકરસિંહ બાપુએ પણ તેને હવા આપી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી સુરજેવાલાએ ઈશારા ઇશારામાં કોંગ્રેસ પ્રવેશની વાત વહેવા દીધી. જો કે માતાજીના નોરતા અને હવે તો પૂનમ પણ પૂરી થઈ, બાપુના કોંગ્રેસ પ્રવેશનો મુદ્દો લટકતો રહ્યો. કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે, આ મુદ્દા પર રાહુલ ગાંધી સિવાય કોઈ નિર્ણય નહીં લે. શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં જવું પણ છે અને ધમાકેદાર એન્ટ્રી જોઈએ છે એટલે જ કદાચ અત્યારે બાપુને ધીરજ રાખવાનું કહેવાયું છે. શંકરસિંહ વાઘેલાએ ભુતકાળમાં કોંગ્રેસ તોડી કોંગ્રેસનો રાજકીય દાવ લીધો હતો. હવે કોંગ્રેસ શંકરસિંહ વાઘેલાના ધીરજની પરીક્ષા લઈ રાજકીય કાવાદાવાનો હિસાબ કરી રહી છે.
‘ઘર ફૂટે ઘર જાય’ તેવી સ્થિતિ IPS લોબીમાં સર્જાઈ
રાજ્યમાં IAS અને IPS અધિકારીઓમાં પોતપોતાની લોબી કામ કરતી હોય છે. પોતાની લોબી સત્તાના કેન્દ્રસ્થાને મજબૂત પકડ બનાવે તેવો પ્રયાસ સતત રહેતો હોય છે. જો કે સામેવાળી લોબીનો કોઈ અધિકારી ભૂલ કરે એટલે તેનો હિસાબ પણ ચૂકતે કરવામાં આ અધિકારીઓ પાછીપાની કરતા નથી. ગુજરાતના ભૂતકાળમાં આ પ્રકારના અનેક દાખલાઓ IAS અને IPS લોબીઓમાં જોવા મળ્યા છે. IPS લોબીમાં થોડા સમય અગાઉ સત્તાના કેન્દ્રસ્થાનની ખૂબ નજીક ગણાતા IPS અધિકારીનો દાવ સામેની લોબીએ લીધો હતો. આખરે નિવૃત્તિના વર્ષો સુધી સાઈડ પોસ્ટિંગ રહ્યાં. હવે આ જ સ્થિતિ તરફ અન્ય એક IPS અધિકારી આગળ વધી રહ્યા છે. સરકારની નજીકના ગણાતા આ IPS અધિકારી સામે અન્ય વિરોધી લોબી પડી હોવાની ચર્ચા શરૂ થઈ છે. હવે જોવાનું એ છે કે મજબૂત ગણાતા IPS અધિકારી વિરોધી લોબી સામે કેટલા ટકી શકે છે. નહીં તો ઘર ફૂટે ઘર જાય તે સ્થિતિ સર્જાશે.