Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.
દાદા-કાકા અને ભત્રીજાનું ગજબનું ટ્યુનિંગ, પહેલા વર્ષે 100 માંથી 99 માર્ક
દાદા એટલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કાકા એટલે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ભત્રીજો એટલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વાત છે. આ ત્રિપુટી ભેગી થઈ તેને એક વર્ષ પૂર્ણ થયું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા તેનું એક વર્ષ પૂર્ણ થયું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સીએમ અને ડેપ્યુટી સીએમ તરીકે જોડાયા, તેને 17 ઓક્ટોબરે એક વર્ષ પૂર્ણ થયું. સરકાર અને સંગઠનની દ્રષ્ટિએ આ ત્રિપુટી માટે ઐતિહાસિક એક વર્ષ રહ્યું. આ ત્રિપુટીના સ્વભાવ, કામ કરવાની સ્ટાઇલમાં આસમાન-જમીનનો વિરોધાભાસ જોવા મળે છે. આમ છતાં એકબીજા સાથેના ટ્યુનિંગમાં ત્રિપુટી નંબર વન બની છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં સરકાર કે સંગઠન વચ્ચે તાલમેલ નથી તેવી કોઈ ફરિયાદ ઉઠી નથી. સામાન્ય રીતે ગુજરાત ભાજપમાં ભૂતકાળમાં અનેક મુદ્દાઓ ઉપર સરકાર અને સંગઠન એકબીજા પર હાવી થવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા છે. જો કે આ ત્રિપુટીએ એકબીજા સાથે તાલમેલ દાખવી એક વર્ષમાં અનેક સિદ્ધિ હાંસલ કરી છે. પ્રદેશ પ્રમુખને મુખ્યમંત્રી સાથે મનભેદ હોય કે મુખ્યમંત્રીને નાયબ મુખ્યમંત્રી સાથે મનભેદ હોય તેવા કિસ્સા ભૂતકાળની સરકારોમાં જોવા મળ્યા હતા. જોકે છેલ્લા એક વર્ષમાં આ ત્રિપુટીમાં મતભેદ હોય પણ મનભેદ ન હોય તે રીતે કામગીરી કરી છે. તેના જ કારણે ખુશામત ખોર અધિકારીઓ કે ભાજપના નેતાઓ કે મંત્રીને ત્રિપુટી મા તિરાડ પડાવવામાં સફળતા મળી નથી. અનેકવાર સ્વાર્થી અધિકારી કે રાજકીય નેતાઓએ એકબીજાની કાન ભમરડી કરી હોય પણ તેને ભોંઠા પડવાનો જ વારો આવ્યો છે.
એક બાપુ હાર્યા, તો બીજા બાપુ જીત્યા
આ વાત ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની છે. પરિણામોએ ભાજપને ભવ્ય વિજય અપાવી 38 બેઠકો મેળવી. કોંગ્રેસ પાંચ બેઠક સાથે વિરોધ પક્ષનુ સ્થાન મેળવશે. આમ તો ચૂંટણી પરિણામો ભાજપ અને કોંગ્રેસ બંને માટે વિન-વિન સ્થિતિમાં છે. ભાજપની સ્પષ્ટ બહુમતી અને કોંગ્રેસ માટે પુનઃજીવિત થવાની તક ગાંધીનગરના નગરજનોએ આપી છે. જો કે બાપુવાળી વાત કોઈ ઉમેદવાર માટે નહિ, પણ કોંગ્રેસ માટે કરવાની છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુએ વોર્ડ નંબર 4 માં પ્રચાર અને મીટીંગ કરી. અહીં કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નહીં. જ્યારે કોંગ્રેસના જ નેતા શક્તિસિંહ ગોહિલે વોર્ડ નંબર 6 માં કોંગ્રેસના ઉમેદવાર કર્મજીત વિરેન્દ્રસિંહ વાઘેલા અને અન્ય ઉમેદવાર માટે પ્રચાર કર્યો. વોર્ડ નંબર 6 માં કોંગ્રેસની આખી પેનલ જીતી ગઈ. એટલે જ કહેવાય છે ને કે, એક બાપુ હાર્યા તો બીજા બાપુ જીતી ગયા. વોર્ડ નંબર 4 માં કોંગ્રેસના ઉમેદવાર યુનુસ પરમારના પિતા યુસુફભાઈ શંકરસિંહ વાઘેલાના ખૂબ અંગત હોવાના કારણે પ્રચાર કરતા હતા. જ્યારે કર્મજીત વાઘેલાના પિતા વિરેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં વર્ષોથી શક્તિસિંહ ગોહિલ સાથે જોડાયેલા છે. તેમના જ કારણે શક્તિસિંહ ગોહિલ પ્રચારમાં આવ્યા હતા. સૌથી આશ્ચર્યની બાબત એ છે કે શંકરસિંહ વાઘેલા અને વિરેન્દ્રસિંહ વાઘેલા બંને મૂળ વાસણ ગામના જ વતની છે.
IAS અધિકારીઓ મેટ્રો ટ્રેનથી ખફા,બંગલા વેચવા કાઢ્યા
ગાંધીનગરમાં મેટ્રો ટ્રેન આવતા નગરજનો ખુશ છે. મેટ્રો ટ્રેનનો ભરપૂર ઉપયોગ ગાંધીનગર વાળા કરી રહ્યાં છે. જોકે આ મેટ્રો ટ્રેનથી કેટલાક IAS અધિકારીઓની શાંતિમય જિંદગીમાં ખલેલ ઉભી થઈ છે. રાજ્ય સરકારમાં સિનિયર IAS તરીકે નિવૃત્ત થયેલા અધિકારીઓના બંગલા મેટ્રો ટ્રેનના સ્ટેશનની આસપાસ આવેલા હતા. પહેલા આ વિસ્તારમાં બિલકુલ શાંતિ હતી. જોકે હવે મેટ્રો સ્ટેશનના પાર્કિંગથી દિવસ દરમિયાન અવરજવર અને અવાજ થાય છે. એટલે ત્રણથી વધુ IAS અધિકારીઓએ બંગલા વેચી દીધા છે. જ્યારે બીજા IAS અધિકારીઓએ બંગલા વેચવા કાઢ્યા હોવાની જાણકારી મળી રહી છે. પ્રોપર્ટી ડીલરો સાથે અનેક IAS અધિકારીઓ સંપર્કમાં હોવાની જાણકારી મળી રહી છે. યોગ્ય ભાવ મળતા તે લોકો પણ મેટ્રો ટ્રેનના કારણે અન્ય જગ્યા પર સ્થળાંતર કરશે.
મહિલા IAS અધિકારી નસીબદાર, અનેક દેશોનો પ્રવાસ
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તારીખ 17 મી ઓક્ટોબરથી 25 ઓક્ટોબર દરમિયાન જાપાન અને કોરિયાના પ્રવાસે છે. તેમની સાથે અધિકારીઓનું એક પ્રતિનિધિ મંડળ પણ ગયું છે. જેમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા પણ જોડાયા છે. ઉદ્યોગ વિભાગનો હવાલો હોવાના કારણે આ સિનિયર મહિલા IAS અધિકારી નસીબદાર સાબિત થયા છે. અગાઉ મુખ્યમંત્રી સાથે અમેરિકા અને કેનેડાનો પ્રવાસ પણ તેઓએ કર્યો હતો. હવે જાપાન અને કોરિયાનો પ્રવાસ કરી રહ્યા છે. હજુ ગુજરાતમાંથી નવેમ્બર માસ 15 થી વધુ દેશોનો પ્રવાસ ગુજરાતનું પ્રતિનિધિ મંડળ કરશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે આ તમામ પ્રવાસ થઈ રહ્યા છે. મમતા વર્મા પાસે ઉદ્યોગ વિભાગ હોવાથી હજુ બીજા 10 દેશોનો પ્રવાસ કરે તો નવાઈ નહીં. હા ચોક્કસ મુખ્યમંત્રી સાથેના અમેરિકા અને કેનેડાના પ્રવાસમાં તેમના પતિ IAS અધિકારી સંજીવ કુમાર પણ સાથે હતા. જોકે જાપાન અને કોરિયાના પ્રવાસમાં તેમનો સાથ નહીં મળે.
ગાંધીનગરના IAS અધિકારીએ આદિવાસી વિસ્તારમાં ગરબા કર્યા
રાજ્ય સરકાર અને ભાજપ સંગઠન દ્વારા આદિવાસી વિસ્તારો પર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે. 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા આદિવાસી વિસ્તારમાં કાર્યક્રમોની હારમાળા સરકાર અને સંગઠન દ્વારા કરવામાં આવી રહી છે. આવા જ એક કાર્યક્રમમાં મંત્રી સાથે એક IAS અધિકારી પણ આદિવાસી વિસ્તારમાં ગયા હતા. ત્યાં રાત્રિ રોકાણ દરમિયાન ગરબાની રમઝટ બોલાવવામાં આવી. જેમાં ગાંધીનગરથી ગયેલા IAS અધિકારીએ મન મૂકીને ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા કર્યા. અધિકારીનો આ ગરબા રમતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ પણ થયો. અધિકારી ગરબા પણ સ્ટાઇલથી રમતા હતા. એટલે સ્થાનિક આદિવાસીઓમાં પણ તે લોકપ્રિય થયા. આ અધિકારી પણ ભૂતકાળમાં આદિજાતિ વિભાગમાં કામ કરી ચૂક્યા હતા એટલે આદિવાસીઓ સાથે ગરબે રમી સરકાર અને સ્થાનિક પ્રજા સાથે તાલ મિલાવવાનું કામ પણ સરળ કરી આપ્યું.