ભાવનગરના લીંબુનો જબરો કમાલ: ભાવ આસમાને ઉંચકાયા, જાણો અન્ય જિલ્લાઓ કરતા અહીંના લીંબુ કેમ છે ખાસ
Bhavnagar News: ચોમાસાની સીઝનમાં લીંબુના સારા ભાવ મળતા ભાવનગર જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. હાલ માર્કેટયાર્ડમાં ક્વોલિટી મુજબ લીંબુનો ભાવ 50થી 150 રૂપિયા પ્રતિકિલો સુધી પહોંચ્યો છે, જ્યારે થોડા દિવસો અગાઉ ખેડૂતોને લીંબુમાં 200 રૂપિયા પ્રતિ કિલો સુધીના ભાવ મળ્યા હતા. છેલ્લા એક મહિનાથી લીંબુની આવક ઓછી રહેતા વેચાણમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે, ત્યારે દિવાળીના તહેવારો ટાણે આવક વધવાની સાથે ખેડૂતોને વધુ લાભની આશા છે.
નવનીત દલવાડી/ભાવનગર: સમગ્ર ગુજરાતમાં લીંબુના ઉત્પાદનમાં ભાવનગર જિલ્લો મોખરે છે, જેના કારણે પાલીતાણા તથા ભાવનગર માર્કેટયાર્ડમાં લીંબુની સૌથી વધુ આવક થાય છે. ભાવનગરના લીંબુમાં ખટાશનું પ્રમાણ વધુ હોવાથી ગુજરાત સહિત હરિયાણા, પંજાબ અને અન્ય રાજ્યોમાં તેની મોટી માંગ રહે છે. જૂના ફાલના લીંબુને ક્વોલિટી પ્રમાણે 50થી 150 રૂપિયા જ્યારે નવા ફાલના લીંબુને 50થી 80 રૂપિયા પ્રતિકિલો સુધીના ભાવ મળી રહ્યા છે.
ખેડૂતોને દિવાળી પણ સારી જવાની આશા
સામાન્ય રીતે માર્ચથી જૂન દરમિયાન ઉનાળાની માંગને કારણે લીંબુના શ્રેષ્ઠ ભાવ મળતા હોય છે, જ્યારે અન્ય સમયમાં લીંબુના ભાવ 5થી 30 રૂપિયા પ્રતિકિલો સુધી રહેતા હોય છે. જોકે હાલ બહારના રાજ્યોમાંથી સસ્તા લીંબુની આવક બંધ હોવાથી ભાવ ઊંચકાયા છે, ખેડૂતો અને વેપારીઓના મતે હજુ એક મહિના સુધી ભાવ જળવાઈ રહે તો ખેડૂતોને દિવાળી પણ સારી જવાની આશા છે
માર્કેટયાર્ડમાં ખેડૂતોના લીંબુને સારા ભાવ
ચોમાસાની સીઝનમાં સામાન્ય રીતે લીંબુની માંગ ઉનાળાની સરખામણીએ ઓછી રહેતી હોય છે, પરંતુ આ વખતે ભાવનગર જિલ્લામાં પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનાથી લીંબુની આવક ઓછી રહેતા માર્કેટયાર્ડમાં ખેડૂતોના લીંબુને સારા ભાવ મળી રહ્યા છે. હાલ ક્વોલિટી મુજબ લીંબુનો ભાવ 50થી 150 રૂપિયા પ્રતિકિલો સુધી પહોંચ્યો છે. થોડા દિવસો અગાઉ તો સારા ક્વોલિટીના લીંબુ 200 રૂપિયા પ્રતિકિલો સુધીના ભાવે પણ વેચાયા હતા. આમ જોઈએ તો લીંબુમાં ભાવ ક્વોલિટી અને ફાલ પ્રમાણે નક્કી થાય છે.
માર્ચથી જૂન સુધી ખેડૂતોને લીંબુના શ્રેષ્ઠ ભાવ મળતા હોય છે...
જૂના ફાલના લીંબુની ગુણવત્તા સારી હોવાથી તેના 50થી 150 રૂપિયા પ્રતિ કિલો સુધીના ભાવ મળી રહ્યા છે, જ્યારે નવા ફાલના લીંબુ 50થી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. સામાન્ય રીતે ઉનાળાની અસહ્ય ગરમીમાં લીંબુની માંગ સૌથી વધુ રહે છે અને માર્ચથી જૂન સુધી ખેડૂતોને લીંબુના શ્રેષ્ઠ ભાવ મળતા હોય છે. જ્યારે અન્ય દિવસોમાં લીંબુના ભાવ ઘટીને 5થી 30 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી જતા હોય છે.
ભાવનગર માર્કેટયાર્ડમાં લીંબુની મોટી આવક
જોકે આ વખતે ચોમાસામાં પણ ઓછું ઉત્પાદન અને બહારના રાજ્યોમાંથી આવતા સસ્તા લીંબુની આવક બંધ હોવાથી ભાવનગરના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. દિવાળી નજીક આવી રહી છે ત્યારે લીંબુની આવકમાં વધારો થવાની શક્યતા છે, છતાં હાલ સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાતમાં લીંબુના ઉત્પાદનમાં ભાવનગર જિલ્લો મોખરાનું સ્થાન ધરાવે છે. જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં ખેડૂતો મોટા પ્રમાણમાં લીંબુનું વાવેતર કરતા હોવાથી પાલીતાણા અને ભાવનગર માર્કેટયાર્ડમાં લીંબુની મોટી આવક થાય છે.
ભાવનગરના લીંબુમાં ખટાશ વધુ હોવાથી વેપારીઓ અને ગ્રાહકોમાં તેની માંગ
દેશના દક્ષિણના રાજ્યોમાં લીંબુનું ઉત્પાદન સૌથી વધુ થતું હોવા છતાં ભાવનગરના લીંબુની પોતાની અલગ ઓળખ છે. ભાવનગરના લીંબુમાં ખટાશનું પ્રમાણ વધુ હોવાથી ગુજરાત ઉપરાંત હરિયાણા, પંજાબ સહિત પાંચથી વધુ રાજ્યોમાં તેની સારી માંગ રહે છે. દક્ષિણના રાજ્યોમાંથી આવતા લીંબુમાં ખટાશનું પ્રમાણ ઓછું હોય છે, જ્યારે ભાવનગરના લીંબુમાં ખટાશ વધુ હોવાથી વેપારીઓ અને ગ્રાહકોમાં તેની માંગ વધુ રહે છે.
ભાવ વધારો લીંબુ ઉત્પાદક ખેડૂતો માટે હાલ રાહતરૂપ બન્યો
હાલ બહારના રાજ્યોમાંથી આવતા સસ્તા લીંબુની આવક બંધ થતાં સ્થાનિક ખેડૂતોને લીંબુના ઊંચા ભાવ મળી રહ્યા છે. જોકે આગામી સમયમાં દક્ષિણના રાજ્યોમાંથી ફરી સસ્તા લીંબુની આવક શરૂ થશે તો ગુજરાતના બજારમાં લીંબુના ભાવ ઘટી શકે છે. જોકે હાલ ખેડૂતો અને વેપારીઓના મતે હજુ એક મહિના સુધી લીંબુના ભાવ સારા રહેવાની શક્યતા છે. દિવાળીના તહેવારો ટાણે સારા ભાવ મળતા ખેડૂતોને પણ આ વર્ષે દિવાળીના દિવસો સારી રીતે પસાર થાય તેવી આશા બંધાઈ છે. ઓછા ઉત્પાદન વચ્ચે મળેલો ભાવ વધારો લીંબુ ઉત્પાદક ખેડૂતો માટે હાલ રાહતરૂપ બન્યો છે.