Narmada News: નર્મદા જિલ્લાના ધારીખેડા સુગર ફેક્ટરીમાં સભાસદોની યાદીને લઈને વિવાદ વકર્યો છે. કસ્ટોડિયન તરીકે મુકાયેલા સુનિલ પટેલ અને તેમના સાગરીતોનો ફેક્ટરીના કર્મચારીઓ સાથે ગાળાગાળી અને હોબાળો કરતો વીડિયો સામે આવ્યા બાદ મામલો ગરમાયો છે. સભાસદોની યાદીમાં છેડછાડ થઈ હોવાના આક્ષેપ સાથે સુનિલ પટેલે સવાલો ઉઠાવ્યા છે.
તો બીજી તરફ સુગર ના ચેરમેન ઘનશ્યામ પટેલે આક્ષેપોને ફગાવી ચૂંટણી પહેલાં વાતાવરણ ડહોળવાનો પ્રયાસ ગણાવ્યો છે. ધારીખેડા સુગર ફેક્ટરીની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બંને પક્ષના આક્ષેપ-પ્રતિઆક્ષેપથી સહકારી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
ધારીખેડા સુગર ફેક્ટરીમાં સભાસદોની યાદી હવે વિવાદનું કેન્દ્ર બની છે. સભાસદોની યાદીની માંગણીને લઈને કસ્ટોડિયન સુનિલ પટેલ અને તેમના સાથીઓએ હોબાળો કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ફેક્ટરીના કર્મચારીઓ સાથે ગાળાગાળી કરવામાં આવી હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે. સામે આવેલા આ વીડિયોને લઈને હવે સુગર ફેક્ટરીનું રાજકારણ ગરમાયું છે.
આ સમગ્ર વિવાદમાં સુગર ના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું છે કે સુનિલ પટેલ અને તેમના સાથીઓને સભાસદોની યાદી 5 તારીખે જ આપવામાં આવી છે. તેમ છતાં ચૂંટણી નજીક આવતાં વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. ઘનશ્યામ પટેલના જણાવ્યા અનુસાર, ચૂંટણી આવે ત્યારે સુનિલ પટેલ કોઈને કોઈ મુદ્દે વિવાદ ઊભો કરે છે. તેમણે વધુમાં કહ્યું કે ધારીખેડા સુગર ફેક્ટરીના વિકાસ અંગે વાત કરવી હોય તો ખેડૂતોને પૂછવું જોઈએ.
સુનિલ પટેલના ગંભીર આક્ષેપ
બીજી તરફ કસ્ટોડિયન સુનિલ પટેલે યાદી આપવામાં આવી હોવાની વાત સ્વીકારતાં તેને અધૂરી યાદી ગણાવી છે. તેમના આક્ષેપ મુજબ, સભાસદોની યાદીમાં છેડછાડ કરવામાં આવી છે અને આ જ મુદ્દે તેમણે સવાલો ઉઠાવ્યા છે. સુનિલ પટેલે ઘનશ્યામ પટેલના 30 વર્ષના શાસન સામે પણ સવાલ ઉઠાવતાં આક્ષેપ કર્યો છે કે આ સમયગાળામાં નર્મદા સુગરના ખેડૂતોના બદલે ઘનશ્યામ પટેલનો વિકાસ થયો છે.
ઘનશ્યામ પટેલનો વળતો પ્રહાર
સુનિલ પટેલના આક્ષેપો સામે ઘનશ્યામ પટેલે વરતો જવાબમાં તેમણે જણાવ્યું કે એક સમયે નર્મદા સુગર ફેક્ટરી બંધ થવાની અણી પર હતી, પરંતુ છેલ્લા 30 વર્ષમાં ફેક્ટરીને દેશભરમાં ઓળખ અપાવવામાં આવી છે.
ઘનશ્યામ પટેલે જણાવ્યું કે ફેક્ટરીને છેલ્લા 17 વર્ષથી સરકાર તરફથી બેસ્ટ મેનેજમેન્ટના એવોર્ડ મળી રહ્યા છે. તેમણે ફરી એકવાર સુનિલ પટેલ પર નિશાન સાધતાં જણાવ્યું કે ચૂંટણી નજીક આવતાં જ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવે છે અને આ તેમની જૂની ટેવ છે.જોકે આ સુગર ફેકટરી માં ચૂંટણી આવતા હવે ચેરમેન અને કસ્ટોડિયન સુનિલ પટેલ સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થઈ રહ્યો છે.