ખોડલધામમાં નવા વર્ષની અનોખી રોનક; દેશ-વિદેશથી દર્શનાર્થીઓ પહોંચ્યા, શ્રી શ્રી રવિશંકરજીએ લીધા આશીર્વાદ
Rajkot News: નવા વર્ષની શરૂઆત ભક્તોએ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને કરી હતી. રાજકોટ જિલ્લાના કાગવડ ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિરે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. નવા વર્ષના પ્રથમ દિવસે માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી,એટલું જ નહીં, આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીએ પણ ખોડલધામ મંદિરે પધારી મા ખોડલના દર્શન કર્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
નરેશ ભાલીયા/જેતપુર: મા ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એવું રાજકોટ જિલ્લાના કાગવડ નજીક આવેલું શ્રી ખોડલધામ મંદિર આજે દેશ-વિદેશમાં આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. ટૂંકા ગાળામાં જ ખોડલધામની ભક્તિની સુવાસ ચારેકોર ફેલાઈ છે. ધાર્મિક સ્થાનની સાથે ખોડલધામ આજે સૌરાષ્ટ્રનું એક મહત્વપૂર્ણ પ્રવાસન ધામ પણ બન્યું છે. દિવાળીના પર્વને લઈને મંદિર અને સમગ્ર પરિસરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. જેના કારણે રાત્રિના સમયે મંદિર ઝળહળી ઊઠ્યું હતું.
Gujarat News Live: આજથી વિક્રમ સંવત 2083ની શરૂઆત, સોના-ચાંદીના ભાવમાં ફરી ભાવ વધારો, PM મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત
દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો મા ખોડલનાં દર્શન કરવા પહોંચ્યા
સાથે જ મંદિર પરિસરમાં આકર્ષક રંગોળીઓ પણ દોરવામાં આવી હતી. સાથે દિવાળીના તહેવાર અને નૂતન વર્ષ નિમિત્તે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો મા ખોડલનાં દર્શન કરવા માટે ખોડલધામ પહોંચી રહ્યા છે. ભક્તોની સુવિધા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દરરોજ 500થી વધુ સ્વયંસેવકો અને ખોડલધામ ટ્રસ્ટનો સ્ટાફ ખડેપગે સેવા આપી રહ્યો છે. વાહનોની સુવ્યવસ્થિત અવરજવર માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
મંદિર પરિસરમાં આકર્ષક રંગોળીઓ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર
દિવાળીના પર્વ દરમિયાન દરરોજ મા ખોડલને વિશિષ્ટ અને અવનવા શણગાર કરવામાં આવે છે. મંદિર પરિસરમાં આકર્ષક રંગોળીઓ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ભક્તો માતાજીને સુખડી, શ્રીફળ અને ચુંદડી સહિતનો પ્રસાદ અર્પણ કરી આરાધના કરે છે. ખાસ કરીને નૂતન વર્ષથી લઈને લાભ પાંચમ સુધી વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળે છે. નવા વર્ષમાં માતાજીના દર્શન કરી ભક્તો આખું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેમજ જીવનનાં દુઃખ અને સંકટ દૂર થાય તેવી પ્રાર્થના કરે છે.
'બંધ થવી જોઈએ 500 અને 2000 રૂપિયાની નોટો'... મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કેમ ઉઠાવી આ માંગ?
ખોડલધામ મંદિર ખાતે દર્શન અને આરતીનો સમય બદલાયો
ખોડલધામ મંદિર ખાતે દર્શન અને આરતીનો પણ સુવ્યવસ્થિત સમય રાખવામાં આવ્યો છે. મંદિર પરિસર સવારે 5:30 કલાકે પ્રવેશદ્વાર ખોલવામાં આવે છે અને સવારે 6 કલાકે દર્શન ખુલશે, ત્યારબાદ સવારે 7 કલાકે આરતી થશે, સાથે સાંજે 7 કલાકે આરતી થાય છે,દિવસ દરમિયાન ભક્તો માતાજીનાં દર્શન કરી શકે છે. જ્યારે રાત્રે 9 વાગ્યે માતાજીનાં દ્વાર અને 9:30 કલાકે મંદિર પરિસર બંધ કરવામાં આવે છે.
મા ખોડલનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા
ભક્તોની સુવિધા માટે ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નવા વર્ષના પ્રથમ દિવસે લેઉવા પટેલ સમાજની આસ્થાના પ્રતીક સમાન કાગવડના ખોડલધામ ખાતે હજારો ભક્તોએ શીશ ઝુકાવી નવા વર્ષની શુભ શરૂઆત કરી ધન્યતા અનુભવી હતી. નૂતન વર્ષના પાવન અવસરે આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીએ પણ શ્રી ખોડલધામ મંદિરની મુલાકાત લીધી હતી અને મા ખોડલનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. તેમની ઉપસ્થિતિથી મંદિર પરિસરમાં ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો.
કાવ્યા મારન અને અનિરુદ્ધના લગ્નની તૈયારીઓ પૂર્ણ, ક્યારે લેશે ફેરા અને કોણ હશે મહેમાનો ? જાણો
નવા વર્ષના પ્રથમ દિવસે મા ખોડલનાં દર્શન કરીને ભક્તોએ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પરિવારની ખુશહાલી માટે પ્રાર્થના કરી હતી. ભક્તિ અને આસ્થાના અનોખા સંગમ સમાન ખોડલધામ ખાતે નૂતન વર્ષની શરૂઆત ભક્તિમય માહોલમાં થઈ હતી.