Keshod Balagam Road Car Fire Accident: આજનો દિવસો ગુજરાતમાં ગોઝારો સાબિત થઈ રહ્યો છે. કચ્છના ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર ખાવડા નજીક મોડી રાત્રે ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયા બાદ આજે વહેલી સવારે કેશોદ-બાલાગામ રોડ પર આવેલા ખમીદાણા ગામ નજીક એક અત્યંત હચમચાવી નાખે તેવી દુર્ઘટના સર્જાઈ છે. જૂનાગઢથી માધવપુર તરફ જઈ રહેલી સ્વિફ્ટ કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી અને રોડ કિનારે આવેલા પથ્થર સાથે અથડાયા બાદ તેમાં ભીષણ આગ લાગી હતી.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કેશોદ-બાલાગામ રોડ પર થયેલા અકસ્માતનો ભોગ બનેલા મિત્રો પૈકી નંદની પોપટનો આજે જન્મદિવસ હતો. પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કર્યા બાદ ચારેય મિત્રો માધવપુર તરફ રવાના થયા હતા. વહેલી સવારે આશરે 5 વાગ્યાના સુમારે પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર વળાંક પર કાબૂ ગુમાવતા આ દુર્ઘટના ઘટી હતી, જેમાં 3 મિત્રોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા.
આ દુર્ઘટનામાં 25 થી 27 વર્ષની વયના ત્રણ યુવાનો નંદની પોપટ, ડેનિસ દિવરાણીયા અને ઝલક મશરૂ કારમાં લાગેલી ભયાનક આગની ઝપેટમાં આવી જતાં ઘટનાસ્થળે જ ભડથું થઈ ગયા હતા. જોકે, કારની આગળની સીટ પર બેઠેલી યુવતી ક્રિષ્ના ચુડાસમા અકસ્માત લખતે કાચ તૂટી જતાં બહાર ફંગોળાઈને નજીકના ખેતરમાં પડી હતી, જેના કારણે તેનો ચમત્કારિક બચાવ થયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં બચી ગયેલી ક્રિષ્ના જૂનાગઢની રહેવાસી છે અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. આ યુવતી મોડેલ તરીકે જાણીતી છે, જેના ઈન્સ્ટાગ્રામ પર 1.23 લાખથી વધુ ફોલોઅર્સ છે.
આ ગમખ્વાર ઘટનાની જાણ થતાં જ કેશોદ ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી 112 પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત ક્રિષ્નાને 108 એમ્બ્યુલન્સ મારફતે કેશોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આંખો સામે સર્જાયેલા ભયાનક દ્રશ્યો અને મિત્રોને ગુમાવવાના ગંભીર આઘાતને પગલે તે માનસિક રીતે અસ્થિર બની જતાં તબીબો દ્વારા તેની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.