54 tribal seats : ગુજરાતના રાજકીય વિશ્લેષકોના મતે, તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં શહેરી વિસ્તારોમાં ભાજપે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે, પરંતુ દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં આમ આદમી પાર્ટીના વધતા જતા પ્રભાવે ભાજપના મોવડીમંડળને નવી રણનીતિ ઘડવા મજબૂર કર્યું છે. અંબાજીથી ઉમરગામ સુધીની ૫૪ બેઠકો પર પકડ મજબૂત કરવા સરકાર અને સંગઠને હવે ભગવાન બિરસા મુંડાના નામે મેગા પ્લાન તૈયાર કર્યો છે. આ અંતર્ગત આદિવાસી સમાજના આરાધ્ય ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે ₹૨,૩૦૦ કરોડના વિકાસ કામોની ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના નેતાઓના મતે, આ કાર્યક્રમોનો ઉદ્દેશ્ય આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ અને સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો છે.
બીજી તરફ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નર્મદા જિલ્લા પંચાયત સહિતના વિસ્તારોમાં મળેલી જીત બાદ આમ આદમી પાર્ટી ઉત્સાહમાં છે. AAPના નેતાઓ જળ, જંગલ અને જમીનના સ્થાનિક મુદ્દાઓ ઉઠાવીને આદિવાસી મતદારોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજકીય નિરીક્ષકો માને છે કે દિલ્હી હાઈકમાન્ડ તરફથી ગુજરાત ભાજપને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે રાજ્યમાં ત્રીજા પક્ષનો પગપેસારો કોઈપણ ભોગે અટકાવવો જરૂરી છે. કોંગ્રેસ 2017 બાદ તૂટી રહી છે. આપને અહીં ચાન્સ લાગી રહ્યો છે. ભાજપને પણ એ ડર છે કે ગુજરાતમાં વિરોધ પક્ષ કોંગ્રેસને બદલે આપ ના બને.

આમ આદમી પાર્ટીનો આદીવાસી બેલ્ટમાં સૌથી મોટો આધાર એ ચૈતર વસાવા છે. જે હાલમાં જેલમાં બંધ છે. આમ આદમી પાર્ટીએ દિવાળી પહેલાં આદીવાસી બેલ્ટમાં યોજેલી યાત્રાનો આ 'જનજાતીય ગૌરવ સપ્તાહ' તોડ છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં આ આદીવાસી બેલ્ટમાં આમ આદમી પાર્ટીનો પગપેસારો અટકાવવા લાગી ગઈ છે. ભાજપ આદીવાસી બેલ્ટમાં ભલે હાલમાં મજબૂત સ્થિતિમાં છે પણ આ યાત્રા સાબિત કરે છે કે સરકાર કંઈ પણ કાચુ કાપવાના મૂડમાં નથી.
એક તરફ ભાજપ વિકાસના કામો અને સાંસ્કૃતિક અસ્મિતાના સમન્વયથી આદિવાસી વોટબેંકને અકબંધ રાખવા મેદાને પડ્યું છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટી સ્થાનિક પ્રશ્નોને હથિયાર બનાવી રહી છે. આગામી દિવસોમાં આદિવાસી પટ્ટાની આ ૫૪ બેઠકો પરનો રાજકીય જંગ વધુ રસપ્રદ બનશે તે નિશ્ચિત છે. ભાજપના આદીવાસી બેલ્ટમાં ભાજપ તરફે વધતી નારાજગી મામલે ભાજપના સાંસદ મનસુખ વસાવા જાહેરમાં પોતાનો બળાપો ઠાલવી ચૂક્યા છે. ભાજપે 2 જિલ્લામાં પ્રમુખોને બદલીને સ્થાનિક નેતાઓને પણ સીધા સંકેત આપી દીધા છે. આદીવાસી બેલ્ટમાં આમ આદમી પાર્ટી મજબૂત ના બને એ માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સીધી નજર રાખી રહ્યાં છે.

દક્ષિણ ગુજરાતનો આદિવાસી પટ્ટો હાલમાં AAPનો સૌથી મજબૂત ગઢ બનીને ઉભર્યો છે. એપ્રિલ ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAPએ નર્મદા જિલ્લા પંચાયત (૨૨માંથી ૧૫ બેઠકો જીતીને) પર કબજો મેળવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાના પ્રભાવ અને જળ-જંગલ-જમીનના મુદ્દાઓને કારણે નર્મદા, ભરૂચ (ડેડિયાપાડા-ઝઘડિયા), તાપી અને ડાંગ જેવા આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસનું સ્થાન લઈને AAP મુખ્ય વિપક્ષ તરીકે ઉભરી આવી છે. ભાજપને સૌથી મોટુ ટેન્શન એ છે કે એક સમયે કોંગ્રેસનો જનાધાર ગણાતો આ પટ્ટે હવે આમ આદમી પાર્ટી તરફ સરકી રહ્યો છે.
૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં AAPના ૫માંથી ૪ ધારાસભ્યો સૌરાષ્ટ્રમાંથી (વિસાવદર, જામજોધપુર, બોટાદ, ગારિયાધાર) ચૂંટાયા હતા. ૨૦૨૬ની તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પણ જૂનાગઢ, અમરેલી, બોટાદ અને જામનગરના ગ્રામીણ વિસ્તારોમાં પાર્ટીએ નોંધપાત્ર બેઠકો જીતીને પોતાની પકડ જાળવી રાખી છે. રાજ્યની ૧૨ જેટલી તાલુકા પંચાયતો અને નર્મદા જિલ્લા પંચાયતમાં સત્તા મેળવીને AAPએ ગુજરાતના આદિવાસી અને ગ્રામીણ પટ્ટામાં પોતાનો દબદબો સૌથી વધુ વધાર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારના મંત્રીઓ વિવિધ કાર્યક્રમોમાં હાજર રહેશે. રાજ્યમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થશે. નોંધનીય છે કે બિરસા મુંડા આદિવાસી સમાજના ભગવાન માનવામાં આવે છે. ગુજરાતની 54 વિધાનસભા સીટો પર વિવિધ કાર્યક્રમો યોજાશે.
રાજ્યકક્ષાના કાર્યક્રમમા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાજરી આપશે. 2300 કરોડ કરતા વધુ રૂપિયાના કામો કરવામાં આવશે. આદિવાસી વિસ્તારોમાં બિરસા મુંડાની પ્રતિમાઓ લગાવવામાં આવશે. 7112 વન અધિકાર પત્રક આપવાના આવશે. 11421 વન અધિકાર પત્રકના લાભાર્થીઓને રેકોર્ડ ઓફ રાઇટ્સ આપવામાં આવશે. આદિવાસી વિસ્તારોમાં શબરી બુથ ખુલ્લા મુકશે. શબરી બુથમાં હાટ બજારો ખુલશે. આદિવાસી વિસ્તારોમાં જોહાર કેફે શરૂ કરાશે. જોહાર કેફેમાં મિલિટ્સ આધારીત વાનગીઓ મળશે