અમરેલીના જાફરાબાદના લુણસાપુર ગામની પ્રાથમિક શાળા...જ્યાં રોજ સવારે બાળકીઓ ઉજ્જવળ ભવિષ્યના સપના લઈને ભણવા આવતી હતી..પણ કોઈને ક્યાં ખબર હતી કે વિદ્યાના આ ધામમાં એક રાક્ષસ છુપાયેલો છે! શાળાનો શિક્ષક રામશંકર પંડ્યા છેલ્લા બે વર્ષથી એક માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં કરી રહ્યો હતો. હવસખોર શિક્ષકની હિંમત એટલી વધી ગઈ કે ગત 21 જુલાઈના રોજ તેણે આ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું!.
બાળકીએ અવાજ ઉઠાવ્યો
બાળકી ડરના માર્યા મૌન રહી, પણ અમરેલી પોલીસના 'મિશન સ્માઈલ' પ્રોગ્રામ હેઠળ જ્યારે 'ગૂડ ટચ અને બેડ ટચ'ના પાઠ ભણાવવામાં આવ્યા, ત્યારે આ માસૂમમાં અન્યાય સામે અવાજ ઉઠાવવાની હિંમત આવી!.
વાલીએ પોલીસનો કર્યો સંપર્ક
બાળકીએ પોતાના વાલીને સમગ્ર આપવીતી જણાવી, અને વાલીએ સીધો પોલીસનો સંપર્ક કર્યો...તપાસ આગળ વધી તો પોલીસ પણ ચોંકી ઉઠી. કારણ કે માત્ર એક નહીં, પરંતુ અન્ય ત્રણ માસૂમ બાળકીઓ પણ આ નરાધમ પંડ્યાના શિકાર બની ચૂકી હતી! પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને પોક્સો અને દુષ્કર્મની સંગીન કલમો હેઠળ ગુનો નોંધી આરોપી શિક્ષક રામશંકર બટુકભાઈ પંડ્યાની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિત 6 શહેરોના 29 ઠેકાણાઓ પર EDના દરોડા, 1 લાખથી વધુ નાના રોકાણકારો ફસાયા
પોલીસે શરૂ કરી પૂછપરછ
શિક્ષણ જગતને કલંકિત કરનાર આ હવસખોર શિક્ષક હાલ પોલીસની ગિરફ્તમાં છે...પણ સવાલ એ ઊભો થાય છે કે શું આ ચાર બાળકીઓ સિવાય પણ અન્ય કોઈ માસૂમ આ નરાધમનો ભોગ બની છે? હાલ પોલીસે આરોપી રામશંકર પંડ્યાની કડક પૂછપરછ શરૂ કરી વધુ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
આરોપી રામશંકર બટુકભાઈ પંડ્યા ધોરણ બેમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે...તે ભાવનગર જિલ્લાના તળાજાના વેળાવદરનો રહેવાસી છે...તે અગાઉ ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ કર્મચારી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યો છે.
શિક્ષણ જગત શર્મસાર
ગુરુ બ્રહ્મા...ગુરુ વિષ્ણુ...જે શિક્ષકને સમાજ દેવતાનો દરજ્જો આપે છે, એ જ શિક્ષક જો અસુરો જેવી કરતૂત કરવા લાગે તો માસૂમ દીકરીઓ જશે ક્યાં? જે શાળાના આંગણામાં દીકરીઓ પોતાની જાતને સૌથી સુરક્ષિત માનતી હતી, ત્યાં જ જો હવસના વરુઓ ફાટી નીકળશે તો વાલીઓ પોતાની બાળકીઓને ભણાવવા મોકલશે કઈ રીતે? અમરેલી પોલીસે નરાધમ શિક્ષકને જેલભેગો તો કર્યો છે, પણ આ ઘટનાએ સમગ્ર શિક્ષણ જગત અને સમાજના ચેતના પર એવો દાગ લગાડ્યો છે જેને ભૂંસવો આસાન નથી.