હિતલ પારેખ / Gandhinagar Corporation Election : ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 11માંથી ભાજપે ફરી એકવાર જશવંત પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગત ટર્મમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહેલા જશવંત પટેલની ચૂંટણી એફિડેવિટ મુજબ 250 કરોડની સંપત્તિ છે પરંતુ સંપત્તિની સાથે તેમની ઓળખ તેમના પરિવાર અને ગામ સાથેના જોડાણની પણ છે. ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના આ બે ઉમેદવાર સૌથી વધુ ચર્ચામાં છે. એક છે જેમની પાસે કરોડની સંપત્તિ છે. જ્યારે ભાજપના જ બીજા ઉમેદવાર પાસે રહેવાની સારી છત પણ નથી.
| ભાજપના ઉમેદવાર જશવંત પટેલ | 250 કરોડના માલિક |
| ભાજપના ઉમેદવાર લીલા ચારેલ | પાકુ મકાન પણ નથી |
રાજકારણ સાથેનું જોડાણ બાળપણથી જ રહ્યું
જશવંત પટેલના જીવનમાં તેમની વયોવૃદ્ધ માતાનું પણ આગવું સ્થાન છે. ચૂંટણીના પ્રચાર વચ્ચે પણ માતા સાથે ચર્ચા અને દિવસભરની કામગીરી અંગે વાતચીત. પરિવારમાં રાજકીય વાતાવરણ તેમને વારસામાં મળ્યું છે. તેમના પિતા ભાટ ગામના સરપંચ રહી ચૂક્યા છે એટલે રાજકારણ સાથેનું જોડાણ બાળપણથી જ રહ્યું. BE સિવિલ સુધીનો અભ્યાસ કરનાર અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા જશવંત પટેલ પાસે ₹244 કરોડની સંપત્તિ ઉપરાંત 75 તોલા સોનું પણ છે.
પિતા ભાટ ગામના સરપંચ રહી ચૂક્યા છે
રોજ સવારે પૂજા અને પરિવાર સાથે ચા-નાસ્તો કર્યા બાદ જશવંત પટેલ પ્રચાર માટે નીકળી પડે છે અને ફરી એકવાર ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. હવે વાત કરીએ ભાજપના જ બીજા ઉમેદવારની. વોર્ડ નંબર 6માંથી લીલાબેન ચારેલ. એક સામાન્ય પરિવારની ગૃહિણી. લીલાબેન ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કાચા મકાનમાં રહે છે. પોતાના નામે પાકું મકાન નથી. તેમના પતિ નાની કરિયાણાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ભાજપમાં કરોડપતિ ઉમેદવારોની બોલબાલા
રાજકારણના મોટા નામો વચ્ચે લીલાબેનની ઓળખ એક સામાન્ય કાર્યકર્તા તરીકે રહી છે પરંતુ પાર્ટીએ તેમના સંગઠન સાથેના જોડાણ અને કામગીરીને ધ્યાનમાં લઈને તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ભાજપમાંથી ટિકિટ મળતા પરિવાર અને સમર્થકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. ભાજપના જ અન્ય એક ઉમેદવાર મહેશ ચૌધરી (બિલ્ડર) પાસે ₹29.04 કરોડની સંપત્તિ અને 97 તોલા સોનું છે, જ્યારે વોર્ડ નંબર 10 ના ઉમેદવાર ગૌરાંગ પટેલ પાસે ₹14.81 કરોડની સંપત્તિ અને લક્ઝુરિયસ ગાડીઓનું કલેક્શન છે. ભાજપના મહિલા ઉમેદવાર દિપ્તીબેન પટેલ પણ કરોડપતિઓમાં સામેલ છે, જેમણે 12.35 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.
બંનેની જીવનશૈલી અલગ... સંઘર્ષ અલગ...
હવે સામાન્ય પરિવારની આ મહિલા ઉમેદવાર માટે ચૂંટણી માત્ર રાજકીય મુકાબલો નથી પરંતુ પોતાના વિસ્તારમાંથી કોર્પોરેશન સુધી પહોંચવાની તક પણ છે. લીલાબેન પણ ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યાં છે. એક જ પાર્ટીના બે ઉમેદવાર. એક તરફ કરોડોની સંપત્તિ ધરાવતા જશવંત પટેલ...તો બીજી તરફ સામાન્ય પરિવારની ગૃહિણી લીલાબેન ચારેલ. બંનેની જીવનશૈલી અલગ... સંઘર્ષ અલગ... પરંતુ ચૂંટણીનું મેદાન એક. હવે મતદારો કોને કેટલો જનસમર્થન આપે છે તેનો નિર્ણય ચૂંટણી પરિણામમાં થશે.