Dwarka Islands: દ્વારકાના કેટલાક નિર્જન ટાપુઓ દેશની સુરક્ષા અને દરિયાઈ સીમાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં આવેલા 21 નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 20 નવેમ્બર, 2026 સુધી અમલમાં રહેશે. એટલે કે આ સમયગાળા દરમિયાન સંબંધિત પરવાનગી વિના કોઈ વ્યક્તિ આ ટાપુઓ પર જઈ શકશે નહીં.
'નરારા ટાપુ'ને પરવાનગીમાંથી ખાસ મુક્તિ
આ જાહેરનામામાંથી 'નરારા ટાપુ' ને નિયમો અનુસાર લેખિત પરવાનગીમાંથી મુક્તિ આપવામાં આવી છે. સામાન્ય રીતે પ્રવાસીઓ અને સંશોધકો માટે જાણીતા આ ટાપુ પર ચોક્કસ નિયમોના પાલન સાથે છૂટછાટ આપવામાં આવી છે, જેથી જરૂરી પ્રવૃત્તિઓ પર માધ્યમસરનું નિયંત્રણ જળવાઈ રહે.
20 નવેમ્બર સુધી અમલમાં રહેશે પ્રતિબંધ
જાહેરનામા અનુસાર, નિર્જન ટાપુઓ પરનો આ પ્રતિબંધ આગામી 20 નવેમ્બર સુધી અમલમાં રહેશે. દ્વારકા જિલ્લામાં કુલ 24 ટાપુઓ આવેલા છે, જેમાંથી માત્ર 2 ટાપુઓ પર જ માનવ વસાહત છે. માનવ વસાહત વગરના 21 ટાપુઓનો ઉપયોગ કોઈપણ પ્રકારની ગેરકાયદેસર કે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ માટે ન થાય તે માટે આ સમયગાળા દરમિયાન ત્યાં જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
જાહેરનામાના ભંગ બદલ થશે કાયદેસર કાર્યવાહી
દેશની સુરક્ષા અને અખંડિતતાને ધ્યાનમાં રાખીને પ્રસિદ્ધ કરવામાં આવેલા આ જાહેરનામાનો કડક અમલ કરાવવામાં આવશે. જો કોઈ વ્યક્તિ આ આદેશનો અનાદર કરીને પ્રતિબંધિત નિર્જન ટાપુઓ પર જવાનો પ્રયાસ કરશે કે નિયમોનો ભંગ કરશે, તો તેની વિરુદ્ધ કાયદાકીય જોગવાઈઓ હેઠળ સખત કાર્યવાહી કરવામાં આવશે.