અમદાવાદનો ફ્લાવર શો જોવા હવે ખિસ્સું વધુ હળવું કરવું પડશે! AMCએ જાહેર કર્યા ટિકિટના ભાવ, અટલ બ્રિજ પણ પરાણે જોડાયો!
Ahmedabad Riverfront Flower Show: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના કાંઠે આગામી 1 જાન્યુઆરથી 18 દિવસના ફ્લાવર શોનું આયોજન કરાયું છે. જેની ટિકિટના દરમાં ગત વર્ષની સરખામણીએ રૂ. 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 12 વર્ષથી વધુ વયના મુલાકાતીઓ માટે શનિ-રવિની રજામાં રૂ.120 અને સોમથી શુક્રવાર માટે રૂ. 100 ટિકિટના દર નક્કી કરાયા છે. જે ગત વર્ષ 2026ના દર રૂ. 100 અને 80થી 20 વધારે છે.
Ahmedabad Riverfront Flower Show: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના કાંઠે આગામી 1 જાન્યુઆરીથી 18 દિવસીય 'ઈન્ટરનેશનલ ફ્લાવર શો'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ વખતે મુલાકાતીઓના ખિસ્સા પર થોડો ભાર વધશે, કારણ કે ફ્લાવર શોની ટિકિટના દરમાં ગત વર્ષની સરખામણીએ 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, આ વર્ષે ફ્લાવર શોની ટિકિટ સાથે અટલ બ્રિજની મુલાકાત પણ ફરજિયાતપણે જોડી દેવામાં આવી છે.
રિવરફ્રન્ટ ફ્લાવર શોની ટિકિટના નવા ભાવ અને કમિટીની મંજૂરી
આજે મળેલી AMCની રિક્રિએશન એન્ડ કલ્ચરલ કમિટીની બેઠકમાં ફ્લાવર શોના ટિકિટના દરોને આખરી મંજૂરી આપવામાં આવી હતી. નવા નિયમ મુજબ, 12 વર્ષથી વધુ વયના મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવારે 100 રૂપિયા (ગત વર્ષે રૂ. 80 હતા) કરાયો છે. જ્યારે શનિવાર અને રવિવારે (જાહેર રજાઓ) 120 (ગત વર્ષે રૂ. 100 હતા) રૂપિયા કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, અધિકારીઓ દ્વારા શરૂઆતમાં શનિ-રવિ માટે રૂ. 150 અને અન્ય દિવસો માટે રૂ. 120નો દર સૂચવવામાં આવ્યો હતો. પરંતુ નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કમિટીએ આ સૂચિત ભાવમાં અનુક્રમે રૂ. 30 અને રૂ. 20નો ઘટાડો કરીને અંતિમ ભાવ નક્કી કર્યો છે.
બજેટમાં રૂ.7 કરોડનો વધારો, આ વર્ષના ફ્લાવર શોમાં 25 કરોડથી વધુનો ખર્ચ કરાશે
આ વર્ષના ફ્લાવર શોને વધુ ભવ્ય બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 25 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે. આ બજેટ ગત વર્ષની સરખામણીમાં રૂ. 7 કરોડ જેટલું વધારે છે, જે દર્શાવે છે કે આ વખતે આયોજન વધુ વિશાળ સ્તરે થવા જઈ રહ્યું છે.
60થી વધુ આકર્ષક સ્કલ્પચર અને ગિનિસ બૂકમાં નોંધાશે રેકોર્ડ
ફ્લાવર શોમાં મુલાકાતીઓના મનોરંજન અને આકર્ષણ માટે વિવિધ થીમ પર આધારિત અંદાજે 60 જેટલા ફ્લાવર સ્કલ્પચર તૈયાર કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે 30 મીટર લાંબુ વિશાળ વ્હેલ માછલીનું સ્કલ્પચર આ શોનું મુખ્ય આકર્ષણ બની રહેશે, જેને ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન અપાવવા માટે રજૂ કરવામાં આવશે. આ સિવાય મહાત્મા ગાંધીની દાંડી યાત્રા, સરદાર વલ્લભભાઈ પટેલ, અમદાવાદના હેરિટેજ દરવાજા, ઐતિહાસિક પોળ અને ચબૂતરાની પ્રતિકૃતિઓ અને સૂર્ય નમસ્કાર, પંચતંત્રની વાર્તાઓ આધારિત પાત્રો અને વિશાળ ઓક્ટોપસના સ્કલ્પચર પણ મૂકાશે..
સહેલાણીઓ ફૂલોની સુંદરતા માણવાની સાથે સ્વાદિષ્ટ વ્યંજનોનો આનંદ પણ માણશે
ફ્લાવર શોની મુલાકાતે આવનારા સહેલાણીઓ ફૂલોની સુંદરતા માણવાની સાથે સ્વાદિષ્ટ વ્યંજનોનો આનંદ પણ લઈ શકે તે માટે પરિસરમાં ૨૮ જેટલા ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવશે.