દર્શલ રાવલ, અમદાવાદ : અમદાવાદના ઔદ્યોગિક વિસ્તાર એવા ચાંગોદરમાંથી સંબંધોને શરમાવતી ઘટના પ્રકાશમાં આવી છે. 24 સપ્ટેમ્બરના રોજ ચાંગોદર પોલીસ મથકે એક કાળજું કંપાવી દેનારી પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ. ભોગ બનનાર સગીરા અને આરોપી બંને એક જ વિસ્તારમાં નજીક રહેતા હતા અને કૌટુંબિક સગા થતા હતા. આ પરિચયનો ફાયદો ઉઠાવી નરાધમે માસૂમ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી. છેલ્લા ચાર મહિનામાં ડરાવી-ધમકાવીને એક વાર નહીં, પણ ચાર-ચાર વાર સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું.
સંબંધોને શર્મસાર કરતી ઘટના
ઘટનાની વિગત એવી છે કે જ્યારે સગીરાના માતા-પિતા કોઈ કામ અર્થે બહારગામ ગયા હતા, ત્યારે આ તકનો લાભ ઉઠાવી આરોપી સગીરાને એક પરિચિતના ઘરે લઈ ગયો હતો. ત્યાં તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું. આરોપી સગીરાને મોઢું બંધ રાખવા સતત ધમકીઓ આપતો હતો, પરંતુ હેવાનિયતની હદ પાર થતાં, આખરે હિંમત ભેગી કરી સગીરાએ પોતાની માતાને આપવીતી કહી દીધી.
પરિવારે સમય બગાડ્યા વિના સીધો પોલીસનો સંપર્ક કર્યો અને નરાધમ સામે ગુનો નોંધાવ્યો. ફરિયાદના આધારે ચાંગોદર પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ નરાધમ આરોપીને દબોચી લીધો હતો.
આરોપી સામે હત્યાના કેસમાં પણ સામેલ
પરંતુ જ્યારે પોલીસે આ આરોપીની કુંડળી ફંફોસી અને તેની કડક પૂછપરછ શરૂ કરી, ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પકડાયેલો આ હવસખોર માત્ર બળાત્કારી નથી, પણ તેનો ભૂતકાળ લોહીથી ખરડાયેલો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ આરોપી વર્ષ 2025માં અમદાવાદમાં થયેલી એક ઘાતકી હત્યાના કેસમાં પણ સામેલ હતો.
એ સમયે ગુનાહિત માનસ ધરાવતા આ આરોપીએ મુખ્ય હત્યારાને છરી સપ્લાય કરી હતી અને મર્ડર કર્યા બાદ તેને આશરો આપીને ભગાડવામાં મદદ કરી હતી. હત્યા જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો આ આરોપી કોર્ટમાંથી જામીન મેળવીને જેલની બહાર આવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ સુધરવાના બદલે તેની નજર પોતાના જ ઘરની નજીક રહેતી માસૂમ સગીરા પર બગડી હતી અને સંબંધોની આડમાં ગંદુ કૃત્ય આચર્યું. જોકે, હવે આ નરાધમ ફરી એકવાર જેલના સળિયા પાછળ ધકેલાયો છે.
જેલના સળિયા પાછળ ધકેલાયો આરોપી
સગાના સ્વાંગમાં છુપાયેલા આ નરાધમે માસૂમ સગીરાની જિંદગી રોળી નાખી. પરંતુ સગીરાની હિંમત અને ચાંગોદર પોલીસની તાત્કાલિક કાર્યવાહીના કારણે આ ક્રિમિનલ ફરી એકવાર જેલના સળિયા પાછળ પહોંચી ગયો છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે કોર્ટ આવા હેવાનને ક્યારે અને કેટલી કડક સજા ફટકારે છે.