SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

મેટ્રો તો દોડી પણ પાર્કિંગ ક્યાં કરવું? નોર્થ-સાઉથ અને ઈસ્ટ-વેસ્ટ કોરિડોર પર પાર્કિંગ વ્યવસ્થાના અભાવે અમદાવાદીઓની હાલાકી

અમદાવાદ ગુજરાતનું પ્રથમ શહેર છે જ્યાં મેટ્રો રેલ સેવા શરૂ થયેલી છે. અમદાવાદમાં થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ અને APMCથી ગાંધીનગર સુધી બે રૂટ પર મેટ્રો સેવા ચાલે છે. પરંતુ આ મેટ્રો સ્ટેશનમાં પાર્કિંગના અભાવે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જાણો અમદાવાદના વિવિધ મેટ્રો સ્ટેશન પર કેવી છે પાર્કિંગની સુવિધા...

Written By Gokani Dhaval
Published: Nov 24, 2026, 20:10 IST | Updated: Nov 24, 2026, 20:13 IST
Join

મેગાસિટી અમદાવાદમાં મુસાફરી સરળ બને તે માટે કરોડોના ખર્ચે મેટ્રો રેલનું નેટવર્ક તો પાથરી દેવામાં આવ્યું... પરંતુ સવાલ એ છે કે જો નાગરિકો મેટ્રો સ્ટેશન સુધી પોતાના વાહન લઈને આવે, તો તેને પાર્ક ક્યાં કરે?... અમદાવાદના નોર્થ-સાઉથ અને ઈસ્ટ-વેસ્ટ કોરિડોર પર પાર્કિંગ સુવિધાના અભાવે મુસાફરો અને સ્થાનિક વેપારીઓ બંને પરેશાન છે. ત્યારે કરોડો રૂપિયાના પ્રોજેક્ટમાં મુસાફરોને પાયાની સુવિધા એવી પાર્કિંગ માટે કેવી પડી રહી છે હાલાકી?... જોઈએ હકીકત જનતાની વાત...

નોર્થ-સાઉથ, ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં ગણ્યાગાંઠ્યા પાર્કિંગ

આ દ્રશ્યો મેગાસિટી અમદાવાદના અલગ-અલગ મેટ્રો સ્ટેશન નીચેના છે... જ્યાં એક તરફ વિકાસની ગતિ દેખાય છે, તો બીજી તરફ આયોજનના અભાવની વરવી વાસ્તવિકતા... શહેરમાં મેટ્રોના ફેઝ અને રૂટ વધારવા પર સરકારનો પૂરો ભાર છે, પરંતુ હયાત રૂટ પર જ પાર્કિંગની સુવિધા ન હોવાથી નાગરિકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. નોર્થ-સાઉથ અને ઈસ્ટ-વેસ્ટ કોરિડોર પર હાલ ગણ્યાગાંઠ્યા સ્થળે જ પાર્કિંગની સુવિધા છે. અનેક રજૂઆતો બાદ AMC એ માત્ર 9 પ્લોટની ફાળવણી તો કરી, પરંતુ શહેરમાં પથરાયેલા વિશાળ મેટ્રો રૂટની સરખામણીમાં આ સંખ્યા સાવ નજીવી સાબિત થઈ રહી છે...

વિશાળ મેટ્રો રૂટ સામે AMCએ માત્ર 9 પાર્કિંગ પ્લોટ ફાળવ્યાં

પાર્કિંગ પ્લોટ ન હોવાથી મેટ્રોના મુસાફરો મજબૂરીમાં રસ્તા પર કે દુકાનો આગળ આડેધડ વાહનો મૂકીને જતા રહે છે... જેના કારણે સ્થાનિક વેપારીઓનો ધંધો રોજગાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે...

માત્ર વેપારીઓ જ નહીં, ખુદ મેટ્રોમાં મુસાફરી કરતા નાગરિકો પણ આ અવ્યવસ્થાથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. મુસાફરોની સીધી માંગ છે કે તંત્ર દ્વારા દરેક સ્ટેશન પર યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ.

આ પણ વાંચોઃ ગુજરાતની સરહદોને અભેદ્ય બનાવવાની કવાયત: 10 સિનિયર IPS અધિકારીઓ 2 દિવસ સરહદી ગામોમાં રોકાઈને ગ્રામજનો સાથે કરશે સંવાદ

શું બોલ્યા મનપા કમિશનર?

બુલેટ ગતિએ વિકસી રહેલા મેગાસિટી અમદાવાદની આ ગંભીર સમસ્યા અંગે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સાથે વાત કરવામાં આવી તો તેમણે ભવિષ્યના આયોજન અંગે જણાવતા કહ્યું કે, લોકોને પોતાના ઘર નજીકથી જ મેટ્રો સ્ટેશન સુધી પહોંચવા માટે ફીડર વાહનો મળી રહે તેવી વ્યવસ્થા તંત્ર ઊભી કરી રહ્યું છે.

મ્યુનિસિપલ કમિશનર ભવિષ્યમાં ફીડર સુવિધા ઊભી કરવાની વાત તો કરી રહ્યા છે, પરંતુ સવાલ આજનો છે... હાલ જે હજારો મુસાફરો રોજ મેટ્રોમાં મુસાફરી કરે છે, તેમણે પોતાના વાહનો ક્યાં મૂકવા?... કરોડો રૂપિયાના ખર્ચે મેટ્રો સ્ટેશનો તૈયાર કરતી વખતે પાર્કિંગ જેવી પાયાની જરૂરિયાતનું આયોજન કેમ ન કરાયું?... શું તંત્ર માત્ર ભવિષ્યની યોજનાઓના વાયદા જ આપશે કે પછી જમીન પર પાર્કિંગની નક્કર સુવિધા પણ ઊભી કરશે?... જોવાનું એ રહેશે કે અમદાવાદીઓને પાર્કિંગની આ પળોજણમાંથી ક્યારે મુક્તિ મળે છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES