ખાખી વર્દીની આડમાં ખેલ: નકલી પોલીસ બની લોકો સાથે ઠગાઈ કરનાર ઝડપાયો
અમદાવાદમાં વધુ એક નકલી પોલીસનો પર્દાફાશ થયો છે. અલ્પેશ પરમાર નામનો એક વ્યક્તિ નકલી પોલીસ બની લોકો પાસે પૈસા પડાવી રહ્યો હતો. આ વ્યક્તિ ખાખીના વેશમાં લોકોને લાલચ આપતો હતો. ખોખરા પોલીસે આ વ્યક્તિને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉદય રંજન, અમદાવાદઃ જે રક્ષક હોવાનો દાવો કરે...એ જ જો ભક્ષક બની બેસે, તો વિશ્વાસ ક્યાં કરવો? અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેને જાણીને તમે પણ ચોંકી જશો...ખાખી વર્દી...જેનું નામ સાંભળતા જ સુરક્ષાનો અહેસાસ થાય છે, પણ આ જ ખાખીની આડમાં એક શાતિર ઠગે એવો ખેલ રમી નાખ્યો કે અસલી પોલીસ પણ હચમચી ગઈ!...
ખાખીનો રોફ, ઠગાઈનો ખેલ
અમદાવાદનો ખોખરા વિસ્તાર...અને અહીં ખાખી વર્દીના નામે મોટો ખેલ ખેલાઈ રહ્યો હતો...પોલીસ હોવાની ખોટી ઓળખ આપીને નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવતો આ છે શાતિર ઠગ અલ્કેશ પરમાર...આરોપી અલ્કેશ લોકોને અલગ-અલગ કામો કરાવી આપવાની મોટી-મોટી લાલચો આપતો હતો...ખોખરાની જ સંગીતા પટેલ નામની એક યુવતીને બાકરોલમાં શેડ ભાડે અપાવવાનું કહીને તેણે વિશ્વાસ જીત્યો અને ત્યારબાદ શરૂ કર્યો રૂપિયા પડાવવાનો અસલી ખેલ.
47 હજારની છેતરપિંડીનો પર્દાફાશ
આ નકલી પોલીસે માત્ર સંગીતા જ નહીં, પરંતુ અન્ય બે લોકોને પણ પોતાની જાળમાં ફસાવ્યા હતા. ત્રણેય લોકો પાસેથી આરોપી અલ્કેશ પરમારે કુલ 47 હજારથી વધુની રકમ પડાવી લીધી...હદ તો ત્યારે થઈ જ્યારે ભોગ બનનારે પોતાના પૈસા પરત માંગ્યા, ત્યારે આ નકલી પોલીસે રૌફ બતાવીને જેલમાં ધકેલી દેવાની ધમકીઓ આપી. જોકે, હિંમત હાર્યા વગર યુવતીએ ખોખરા પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા અને નકલી પોલીસનો અસલી ચહેરો સામે લાવી દીધો.
આ પણ વાંચોઃ તેલમાં કલર અને ફ્લેવર મિક્સ કરીને વેચાતું હતું નકલી ઘી: ફૂડ વિભાગના દરોડામાં થયો ચોંકાવનારો ખુલાસો
નકલી પોલીસની ચાલ બેનકાબ
ખોખરા પોલીસે ગુનો નોંધીને જ્યારે તપાસના ચક્રો ગતિમાન કર્યા, ત્યારે સામે આવ્યું કે અલ્કેશ પરમાર કોઈ સાધારણ ગુનેગાર નથી...આ નકલી પોલીસ સામે અગાઉ પણ છેતરપિંડીના 3 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસની કડક પૂછપરછમાં આરોપી પાસેથી છેતરપિંડીની સંપૂર્ણ રકમ રિકવર કરી લેવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે, શું અલ્કેશે આ સિવાય પણ અન્ય કોઈ નિર્દોષ લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે? હાલ અસલી પોલીસ આ નકલી પોલીસના તમામ કાળા ચિઠ્ઠા ખોલવામાં લાગી ગઈ છે.
જે રક્ષકનું મહોરું પહેરીને ફરતો હતો, એ જ આખરે ભક્ષક નીકળ્યો...પોલીસના નામે ખોટો રૌફ જમાવી લોકોને લૂંટતા આ શાતિર ઠગના અસલી કારનામા હવે જેલની કોટડીમાં કેદ થયા છે...ત્યારે જોવું એ રહેશે કે અસલી પોલીસની તપાસમાં આ નકલી પોલીસના બીજા કેટલા ગુનાઓ બહાર આવે છે.