SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગૂગલ પરથી ફોર્મ્યુલા શીખી ભોંયરામાં ખોલી નાખી 'ડ્રગ્સ લેબ'! અમદાવાદના ફતેવાડીમાં NCBનો સપાટો

ગુજરાતમાં ફરી નશાની ફેક્ટરી ઝડપાઈ છે. શહેરના ફતેવાડીમાં ગૂગલ પરથી ફોર્મ્યુલા શીખી ભોંયરામાં ડ્રગ્સની લેબ ચલાવતો શખ્સ ઝડપાયો છે. NCB અને સરખેજ પોલીસે આ ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે.

Written By Gokani Dhaval
Published: Nov 15, 2026, 06:34 PM IST | Updated: Nov 15, 2026, 06:38 PM IST
Join

અમદાવાદની એક શાંત રહેણાંક સોસાયટી...જ્યાં બહારથી બધું જ સામાન્ય લાગતું હતું, પરંતુ એક મકાનના ભોંયરામાં ધમધમતી હતી 'મોતની મિની ફેક્ટરી'! યુવાધનને નશાના ખપ્પરમાં હોમીને બરબાદ કરવાના સૌથી ખૌફનાક કાવતરાનો NCB અને સરખેજ પોલીસે પર્દાફાશ કર્યો છે...કેવી રીતે ભોંયરામાં ચાલતો હતો આ નશાનો કાળો કારોબાર? જુઓ 'સાવધાન ગુજરાત'નો આ વિશેષ અહેવાલ...

NCBના દરોડામાં ડ્રગ્સ લેબનો પર્દાફાશ

અમદાવાદના ફતેવાડી વિસ્તારની લબ્બેક પાર્ક સોસાયટી... રહેણાંક વિસ્તારની વચ્ચોવચ આવેલા L-2/13 નંબરના મકાનમાં જ્યારે NCB ગુજરાત અને સરખેજ પોલીસની ટીમે અચાનક દરોડો પાડ્યો, ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા...મકાનની નીચે ગુપ્ત રીતે ભોંયરું બનાવવામાં આવ્યું હતું અને ત્યાં સિન્થેટિક એમ.ડી. ડ્રગ્સ બનાવવાની આખી મિની લેબ ધમધમી રહી હતી...પોલીસના હાથે ઝડપાયેલો મુખ્ય આરોપી મુદસર પઠાણ છેલ્લા 6 વર્ષથી ખુદ ડ્રગ્સનો બંધાણી હતો...શરૂઆતમાં છૂટક વેચાણ કર્યા બાદ તેણે જાતે જ ડ્રગ્સ બનાવવાનું નક્કી કર્યું...આ માટે તે રાજસ્થાનથી ખાસ ટ્રેનિંગ લઈને આવ્યો હતો અને વધુ ઘાતક ડ્રગ્સ બનાવવા માટે 'ગૂગલ'ની મદદથી કેમિકલ ફોર્મ્યુલા અજમાવતો હતો...

ગૂગલથી શીખ્યો MD બનાવવાનો ખેલ

તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મુદસર પઠાણ ડ્રગ્સ બનાવવા માટેનું રો-મટીરિયલ ગુજરાતના અંકલેશ્વર, અમદાવાદ અને મધ્યપ્રદેશના રતલામથી મંગાવતો હતો...પોલીસે ભોંયરામાંથી બ્રોમીન સહિતના 20 જેટલા અત્યંત જોખમી કેમિકલ્સ જપ્ત કર્યા છે, જેમાંથી મોટી માત્રામાં એમ.ડી. ડ્રગ્સ તૈયાર થઈ શકે તેમ હતું... ઘટનાની ગંભીરતાને જોતા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એટલે કે NFSU ની ખાસ ટીમને સ્થળ પર બોલાવીને તમામ કેમિકલ્સના સેમ્પલ લેવામાં આવ્યા છે...સદનસીબે આરોપી હજુ પ્રયોગોના તબક્કામાં જ હતો અને મોટા પાયે ડ્રગ્સ બજારમાં ઠાલવે તે પહેલા જ પોલીસ ત્રાટકી હતી.

આ પણ વાંચોઃ 'વિકાસ અને અસ્મિતા' બનશે 2027નો મુખ્ય મુદ્દો? વાંસદાના મંચ પરથી દક્ષિણ ગુજરાતના રાજકારણની નવી ચાલ

NCBના દરોડામાં ડ્રગ્સ લેબનો પર્દાફાશ

પોલીસ ચોપડે મુદસર પઠાણની કુંડળી તપાસતા સામે આવ્યું કે તે રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ સરખેજ પોલીસ સ્ટેશનમાં મારામારી તેમજ રીક્ષા સળગાવવા સહિતના 4 ગંભીર ગુના નોંધાયેલા છે.

NCB તપાસ શરૂ કરી

હાલ NCB એ ગુનો નોંધીને આરોપીની પત્નીની આ કાવતરામાં કોઈ સંડોવણી છે કે કેમ અને તેને આર્થિક મદદ કોણ કરતું હતું તે દિશામાં તપાસ તેજ કરી છે...રહેણાંક સોસાયટીઓની વચ્ચે ભોંયરા બનાવીને યુવાધનની જિંદગી સાથે રમત રમનારા નશાના આ સોદાગરો સામે હવે પોલીસ અને એજન્સીઓએ લાલ આંખ કરી છે...

આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે થોડા દિવસો પહેલા જ એટલે કે 9 નવેમ્બરે અમદાવાદના વાડજ ખાતેના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 31 ડિસેમ્બર 2029 સુધીમાં ગુજરાતને સંપૂર્ણપણે ડ્રગ્સ મુક્ત બનાવવાનો સંકલ્પ લીધો હતો...

ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ સામે થશે કાર્યવાહી

ગુજરાતના યુવાધનને નશાના ખપ્પરમાં હોમીને પોતાની તિજોરીઓ ભરવાના સપના જોનારા ડ્રગ્સ માફિયાઓ માટે આ કાર્યવાહી એક મોટો સંદેશ છે...ભોંયરામાં બેસીને મોતનો સામાન તૈયાર કરતો આરોપી બજારમાં ઝેર ફેલાવે તે પહેલા જ NCB અને અમદાવાદ પોલીસે તેના મન્સૂબા પર પાણી ફેરવી દઈને તેને ધૂળ ચટાડી દીધી છે... શહેરની શાંતિ ડહોળનારા અને નવી પેઢીને બરબાદ કરનારા નશાના સોદાગરો ભલે ગમે તેટલા ઊંડા ભોંયરામાં છુપાય, કાયદાના લાંબા હાથ તેમને શોધીને જેલના સળિયા પાછળ ધકેલી જ દેશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES