અમદાવાદ બન્યું NRI રોકાણકારોની પહેલી પસંદ! 2030 કોમનવેલ્થ ગેમ્સ, ઓલિમ્પિક અને રિયલ એસ્ટેટના ડબલ ક્રેઝ વચ્ચે પ્રોપર્ટી માર્કેટમાં કરોડોનું રોકાણ
Ahmedabad Bews: વિદેશમાં વસતા NRI ગુજરાતીઓને હવે અમદાવાદના વિકાસમાં રસ પડ્યો છે. જી હા... રાજ્ય સ્તરીય બેન્કર્સ કમિટી (SLBC) ના સપ્ટેમ્બર ક્વાર્ટરના તાજેતરના અહેવાલ મુજબ ગુજરાતની બેંકોમાં બિન-નિવાસી ભારતીયો (NRI) ની થાપણોમાં વાર્ષિક ધોરણે 28 ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે. સપ્ટેમ્બર 2025 માં ગુજરાતભરમાં કુલ NRI થાપણો 1.11 લાખ કરોડ હતી, જે 64,381 કરોડથી વધુના વધારા સાથે સપ્ટેમ્બર 2026 ના અંતે 1.75 લાખ કરોડ (અંદાજે 1.76 લાખ કરોડ) સુધી પહોંચી ગઈ છે. આ સમગ્ર વધારામાં અમદાવાદ જિલ્લો સૌથી મોટા યોગદાનકર્તા તરીકે ઉભરી આવ્યો છે, એટલે કે NRI ગુજરાતીઓને અમદાવાદમાં રોકાણ કરવાની તાલાવેલી લાગી છે, NRI ગુજરાતીઓ અમદાવાદમાં કરોડોનું રોકાણ કરી રહ્યા છે.
Ahmedabad Bews: અમદાવાદ શહેરમાં આગામી 2030ની કોમનવેલ્થ ગેમ્સ, ઓલિમ્પિકની તૈયારીઓ અને પ્રોપર્ટીના સતત વધી રહેલા ભાવોને કારણે બિન-નિવાસી ગુજરાતીઓ (NRI) માટે અમદાવાદ રોકાણની પહેલી પસંદ બન્યું છે. પરિણામે, છેલ્લા ચાર મહિનામાં વિદેશથી ગુજરાતમાં આવતા રેમિટન્સમાં 58 ટકાનો મોટો ઉછાળો નોંધાયો છે અને NRI ડિપોઝિટમાં 64,381 કરોડના જંગી વધારા સાથે રાજ્યની કુલ થાપણો ₹1.76 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. ગુજરાતના મુખ્ય ચાર જિલ્લાઓમાં સૌથી વધુ ભંડોળ અમદાવાદમાં આવ્યું છે, જ્યાં NRI રોકાણકારો કરોડો રૂપિયા ઠાલવી રહ્યા છે અને રાજ્યની કુલ NRI થાપણોમાં એકલા અમદાવાદનો હિસ્સો 30 ટકા જેટલો નોંધાયો છે.
ત્રણ મહિનામાં 53,155 કરોડનો વધારો અને FCNR(B) સ્કીમની અસર
SLBC એ જાહેર કરેલા રિપોર્ટમાં પણ ત્રિમાસિક ધોરણે પણ NRI થાપણોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જૂન ક્વાર્ટરમાં રાજ્યવ્યાપી NRI થાપણો 1.22 લાખ કરોડ હતી, જે માત્ર ત્રણ મહિનાના ગાળામાં અંદાજે 53,155 કરોડ વધીને સપ્ટેમ્બરમાં 1.76 લાખ કરોડ થઈ ગઈ છે. એક વરિષ્ઠ બેન્કરે જણાવ્યું હતું કે, ઘણા NRI માટે આ વળતર (Yield) અને ચલણ સુરક્ષા (Currency hedge) બંનેની શ્રેષ્ઠ તક છે, જ્યાં વ્યાજ દરનો તફાવત અને વિનિમય દરનો ફાયદો એકસાથે કામ કરી રહ્યા છે. આ ઉછાળો 'ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (બેંક)' એટલે કે FCNR(B) સ્કીમ હેઠળ થયેલા તીવ્ર નાણાપ્રવાહને દર્શાવે છે.
RBI ના ડેટા અનુસાર, સમગ્ર ભારતમાં એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન NRI થાપણો વધીને $125.6 બિલિયન થઈ છે, જે ગત વર્ષના સમાન ગાળામાં માત્ર $6.01 બિલિયન હતી.
NRIઓને અમદાવાદની બેંકોમાં રસ પડ્યો, થાપણો બમણી થઈ, ચાર જિલ્લાનો હિસ્સો 66% પહોંચ્યો
ગુજરાતના મુખ્ય જિલ્લાઓમાં અમદાવાદમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાઈ છે, જ્યાં NRI થાપણો ગત વર્ષના ₹25,293.8 કરોડથી બમણી થઈને ₹52,751.6 કરોડ સુધી પહોંચી ગઈ છે. રાજ્યની કુલ NRI થાપણોમાં એકલા અમદાવાદનો હિસ્સો 30 ટકાથી વધુ છે.
ગુજરાતના જિલ્લાવાર NRI થાપણોની સ્થિતિ નીચે મુજબ છે...
- અમદાવાદ: ₹52,751.6 કરોડ
- વડોદરા: ₹26,539.4 કરોડ (રાજ્યમાં બીજા ક્રમે)
- કચ્છ: ₹20,972.7 કરોડ
- સુરત: ₹15,886.0 કરોડ
- રાજકોટ: ₹14,442.5 કરોડ (ગત વર્ષે ₹8,479.6 કરોડ હતી)
રાજ્યની કુલ NRI થાપણોના અંદાજે 66 ટકા જેટલો હિસ્સો માત્ર અમદાવાદ, વડોદરા, કચ્છ અને સુરત એમ ચાર જિલ્લાઓમાં કેન્દ્રિત થયેલો છે.
NRIઓની કોમનવેલ્થ ગેમ્સ 2030 અને રિયલ એસ્ટેટ રોકાણનું આકર્ષણ વધ્યું...
બેન્કિંગ નિષ્ણાતોના મતે, 2030 માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ (CWG 2030) ને ધ્યાનમાં રાખીને ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણ કરવું એ બિન-નિવાસી ગુજરાતીઓ (NRGs) માટે સૌથી આકર્ષક વિકલ્પ બની રહ્યું છે. ભારતીય રૂપિયા સામે અમેરિકન ડોલર મજબૂત થવાને કારણે NRGs ને પ્રીમિયમ રહેણાંક મિલકત (Premium residential property) બજારમાં વધુ ફાયદો મળી રહ્યો છે. ડોલરના ઊંચા મૂલ્ય અને ભવિષ્યમાં મિલકતના વધતા ભાવોની અપેક્ષાએ વિદેશથી ગુજરાતમાં આવતા રેમિટન્સમાં આ મોટો ઉછાળો નોંધાયો છે.