Ahmedabad News: હવે થોડાક જ દિવસોમાં નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે. ખેલૈયાઓ અત્યારથી જ ગરબા રમવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે નવરાત્રિ પહેલા ગરબા રસિકો માટે મોટા ખુશખબર સામે આવી રહ્યા છે. મોડી રાત સુધી ગરબા રમવાના શોખીનો હવે મન મૂકીને રાસ-ગરબાની રમઝટ બોલાવી શકશે. જી હા...GMDC ગ્રાઉન્ડમાં આ વખતે ખેલૈયાઓને આખી રાત થનગનવાનો શાનદાર મોકો મળવા જઈ રહ્યો છે.
ઢોલ-શરણાઈના તાલે GMDCમાં ગરબાનો અસલી રોમાંચ શરૂ થશે
દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના જાણીતા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની રૂપરેખાની વાત કરીએ તો ખેલૈયાઓ રાત્રિના 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી અર્વાચીન રાસ-ગરબાની રમઝટ માણી શકશે. ત્યારબાદ, ગરબાનો અસલી રોમાંચ શરૂ થશે! રાત્રિના 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી ખાસ પરંપરાગત ઢોલ અને શરણાઈના તાલે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેલૈયાઓ દેશી ઢોલના તાલે મન મૂકીને ઝૂમી શકશે.
ગુજરાત પ્રવાસન વિભાગે સત્તાવાર વેબસાઈટ પર કરી જાહેરાત
ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ટ્વિટ કરીને આ આયોજન અંગેની સત્તાવાર જાણકારી આપવામાં આવી છે. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આ ઐતિહાસિક ગરબા મહોત્સવ માટે પાસનું બુકિંગ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. આધુનિક સમયને ધ્યાનમાં રાખીને અને ખેલૈયાઓની સુવિધા માટે ઓનલાઈન પાસ મેળવવાની સરળ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
નવરાત્રીની શાનદાર ઉજવણી માટે તૈયાર થઈ જાઓ
જો તમે પણ આ ભવ્ય અને પરંપરાગત ગરબાનો લ્હાવો લેવા માંગતા હોવ, તો અત્યારે જ જાણીતા પ્લેટફોર્મ 'બુક માય શો' (BookMyShow) પર જઈને તમારા ઓનલાઈન પાસ બુક કરાવી શકો છો. તો હવે રાહ જોયા વગર તમારા ગરબા ગ્રુપ અને મિત્રો સાથે આ ખુશખબર શેર કરો અને આજે જ તમારા પાસ બુક કરાવીને નવરાત્રીની શાનદાર ઉજવણી માટે તૈયાર થઈ જાઓ!