અમદાવાદને મળી દિવાળીની ભેટ, અમિત શાહે ઈસ્કોન-સાણંજ ચોકડીના ઓવરબ્રિજનું કર્યું લોકાર્પણ, લાખો વાહનચાલકોને મળશે રાહત
અમદાવાદમાં સતત ટ્રાફિક ધરાવતા એસજી હાઈવે પર નવા ઓવરબ્રિજનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે. દિવાળીના તહેવાર પર અમદાવાદની જનતાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભેટ આપી છે. ઈસ્કોન-સાણંદ ચોકડી વચ્ચે બનેલા નવા એવિલેટેડ કોરિડોરને ખુલ્લો મુકવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી દિવાળીના પર્વ પર ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહે આજે અમદાવાદના એસજી હાઈવે પર બનેલા નવા ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે. 4.03 કિમી લાંબો આ ઓવરબ્રિજ ઈસ્કોનથી સાણંદ ચોકડી સુધી બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ શરૂ થતાં લોકોને ટ્રાફિકથી મુક્તિ મળશે. આ સાથે હવે વાહનચાલકો સીધા ઈસ્કોનથી સાણંદ ચોકડી પહોંચી શકશે.
450 કરોડના ખર્ચે તૈયાર થયો ઓવરબ્રિજ
અમદાવાદના એસજી હાઈવે પર ઈસ્કોન-કર્ણાવતી ક્લબ પાસે 450 કરોડના ખર્ચે નવો એવિલેટેડ કોરિડોર બનાવવામાં આવ્યો છે. આ નવો બ્રિજ ખાસ કરીને સૌરાષ્ટ્ર તરફથી આવતા લાખો વાહનચાલકોને રાહત મળશે. હવે વાહનચાલકો ટ્રાફિકની મુશ્કેલી વગર સીધા ગાંધીનગર પહોંચી શકશે. આ બ્રિજ શરૂ થવાથી કર્ણાવતી ક્લબ, YMCA ક્લબ, પ્રહ્લાદનગર ટ્રાફિક પણ હળવો થશે.
બ્રિજની બંને તરફ રેમ્પ
આ બ્રિજની સૌથી મોટી ખાસિયત તેની બંને તરફ બનાવવામાં આવેલા રેમ્પ છે. સરખેજ-સાણંદ ચોકડીથી ઈસ્કોન તરફ જતાં વાહનો માટે ત્રણ રેમ્પ બનાવવામાં આવ્યા છે. જ્યારે ઈસ્કોનથી સાણંદ ચોકડી જવા માટે પણ ત્રણ રેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે.
લાખો વાહન ચાલકોને મળશે લાભ
આ બ્રિજના લોકાર્પણ સાથે લાખો વાહનચાલકોને તેનો લાભ મળશે. હવે વાહનચાલકોએ ગાંધીનગર તરફ જવું હશે કે ગાંધીનગરથી આવતા સાણંદ ચોકડી તરફ જવાનું હશે તો નીચે ટ્રાફિક સિગ્નલ પર થોભવું પડશે નહીં. આ વાહનચાલકો સડસડાટ બ્રિજ પરથી પસાર થઈ શકશે. તેવામાં નીચે રોડ પર ટ્રાફિક હળવો થશે.