Ahmedabad Crime News: અમદાવાદમાંથી એક એવું મહા-કૌભાંડ સામે આવ્યું છે, જેનો આંકડો સાંભળીને ભલભલા ચક્કર ખાઈ જશે, રાજકારણ અને દેશભક્તિના નામે ટેક્સ ચોરીનો સૌથી મોટો ખેલ, જી હા, અમદાવાદમાં બોગસ પોલિટિકલ પાર્ટીઓ બનાવીને કરોડો રૂપિયાનું કાળું નાણું ધોળું કરવાનું અબજો રૂપિયાનું કૌભાંડ પકડાયું છે. આવકવેરા વિભાગની લાલ આંખ બાદ હવે અમદાવાદ CID ક્રાઈમે સત્તાવાર FIR નોંધીને તપાસનો સપાટો બોલાવ્યો છે.
કાયદાનો આ કૌભાંડીઓએ ખોટો ફાયદો ઉઠાવ્યો
સામાન્ય રીતે રાજકીય પક્ષોને અપાતા દાન પર ટેક્સમાં મુક્તિ મળતી હોય છે, બસ આ જ કાયદાનો આ કૌભાંડીઓએ ખોટો ફાયદો ઉઠાવ્યો. કરદાતાઓ પાસેથી ચેકથી ડોનેશન લેવાતું, ચૂંટણી પંચ સમક્ષ ખોટા કન્ટ્રીબ્યુશન રિપોર્ટ એટલે કે Form 24A રજૂ કરાતા અને ત્યારબાદ કમિશન કાપીને બાકીની રકમ રોકડામાં પરત કરી દેવાતી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં બોગસ બિલો અને નકલી દસ્તાવેજોનો મોટો ખેલ ખેલાયો છે.
સરકારી તિજોરીને આશરે 155 કરોડનું નુકસાન
આ કૌભાંડનો આંકડો નાનોસુનો નથી. ઈન્કમટેક્સ વિભાગની તપાસમાં બહાર આવ્યું કે, માત્ર એક જ 'સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી'ના બેંક ખાતામાં 519 કરોડના શંકાસ્પદ વ્યવહારો થયા, જેનાથી સરકારી તિજોરીને આશરે 155 કરોડનું નુકસાન થયું છે. તો બીજી તરફ 'ગરીબ કલ્યાણ પાર્ટી'ના નામે પણ 206 કરોડથી વધુનું બોગસ ડોનેશન દર્શાવાયું, જેમાં 62 કરોડથી વધુની ટેક્સ ચોરી થઈ, એટલું જ નહીં, ક્રિષ્ના અને જલારામ એન્ટરપ્રાઈઝિસ જેવી પેઢીઓના ખાતામાં તો 1,295 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે.
CID ક્રાઈમમાં બે અલગ-અલગ ફરિયાદો નોંધાવી
આ મહા-ઠગાઈ સામે આવતા જ ઈન્કમટેક્સ વિભાગે અમદાવાદ CID ક્રાઈમમાં બે અલગ-અલગ ફરિયાદો નોંધાવી છે. ગરીબ કલ્યાણ પાર્ટીના પ્રમુખ નીરજ કુમાર ક્ષત્રિય અને સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીના પ્રમુખ સુરેન્દ્ર તિવારી સહિતના આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. કાગળિયા ભલે પાકા હતા, પણ કાયદાના હાથ હવે કૌભાંડીઓની ગરદન સુધી પહોંચી ગયા છે.
મોટા ઉદ્યોગપતિઓ અને કરદાતાઓના નામ બહાર આવે
હવે જોવાનું એ રહેશે કે CID ક્રાઈમની આ ઊંડી તપાસમાં કયા મોટા ઉદ્યોગપતિઓ અને કરદાતાઓના નામ બહાર આવે છે, જેમણે વ્હાઇટ મનીના નામે બ્લેક મનીનો આ કાળો કારોબાર ચલાવ્યો હતો.