ઉદય રંજન, અમદાવાદ : અમદાવાદ શહેરમાં હવે મહિલાઓ પોતાના જ ઘરમાં અસુરક્ષિત હોવાની એક ચોંકાવનારી ઘટના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાંથી સામે આવી છે. સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતી ઘરે બેઠા ચપ્પલ બનાવવાની છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. 15 નવેમ્બરની મધ્યરાત્રીએ આશરે બે વાગ્યે યુવતી પોતાના ઘરના બીજા માળે આવેલા બેડરૂમમાં એકલી સૂતી હતી.
રાતના અંધારાનો ફાયદો ઉઠાવીને સોસાયટીમાં જ રહેતો 19 વર્ષીય રોમિયો પ્રકાશ અશોકભાઈ ઢાંલીયા ઉર્ફે 'બરમુડો' ચૂપચાપ ઘરમાં ઘૂસી ગયો હતો. બીજા માળે જઈને તેણે સૂતેલી યુવતીના શરીર પર હાથ ફેરવવાનું શરૂ કર્યું. અચાનક કોઈનો સ્પર્શ થતાં જ યુવતીની આંખ ખુલી ગઈ. સામે પોતાના જ સમાજનો અને સોસાયટીનો પરિચિત યુવક જોઈ યુવતી ચોંકી ઉઠી. યુવતીએ અડધી રાત્રે અંદર આવવાનું કારણ પૂછતાં જ હવસખોર 'બરમુડો' ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે યુવતીને બાથ ભરી શારીરિક સંબંધ બાંધવાની અભદ્ર માગણી કરી હતી.
અચાનક બનેલી ઘટનાથી ગભરાઈ ગયેલી યુવતીએ હિંમત દાખવીને જોરશોરથી બૂમાબૂમ કરી મૂકી. યુવતીનો અવાજ સાંભળીને નીચે સૂતેલા માતા-પિતા અને ભાઈ તાત્કાલિક દોડીને ઉપર આવ્યા. પરિવારજનોને આવતા જોઈને આરોપી પ્રકાશ ઉર્ફે 'બરમુડો' અંધારામાં નાસી છૂટ્યો હતો.
શરૂઆતમાં આઘાત અને લોકલાજના ડરથી પીડિત પરિવાર ચૂપ રહ્યો હતો. પરંતુ માતા-પિતા અને સમાજના લોકોએ હિંમત આપતા 15 નવેમ્બરના રોજ બપોરે બે વાગ્યે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી. ફરિયાદ મળતાની સાથે જ કૃષ્ણનગર પોલીસે એક્શન મોડમાં આવીને ગણતરીના કલાકોમાં જ હવસખોર આરોપી પ્રકાશ ઢાંલીયા ઉર્ફે 'બરમુડા'ને દબોચી લીધો હતો.
ઘરમાં ઘૂસીને દીકરીની આબરૂ પર હાથ નાખવાનો પ્રયાસ કરનાર 'બરમુડો' હવે પોલીસના સકંજામાં છે અને જેલના સળિયા ગણી રહ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુનેગાર ગમે તેટલો ચાલાક કે પરિચિત કેમ ન હોય, જો પીડિત પરિવાર હિંમત બતાવે તો કાયદાના હાથ તેના સુધી પહોંચી જ જાય છે.
પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું હવે દીકરીઓ પોતાના જ ઘરમાં પણ અસુરક્ષિત છે? આરોપીઓની હિંમત દિવસેને દિવસે કેમ વધી રહી છે? કાયદાનો ડર આવા હવસખોરોમાં ક્યારે બેસશે, તે જોવું રહ્યું.