દિવાળી ટાણે આગના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અમદાવાદ ગ્રામ્ય ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં મટોડા જીઆઈડીસીમાં એક ચોકલેટ બનાવતી કંપનીમાં આગ લાગતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ આ આગ 6 નવેમ્બરના રોજ રાતે લગભગ સવા નવ વાગ્યાની આસપાસ લાગી હતી. આગ લાગી હતી ત્યાં નીચેના માળે 400થી વધુ દીકરીઓ ફરજ પર હાજર હતી. આગ લાગતા જ ભારે બૂમાબૂમ થવા લાગી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, આગ લાગી તે સમયે દીકરીઓએ કરેલા અવાજ અને બૂમાબૂમના કારણે સમયસર જાણ થતા મોટી દુર્ઘટના ટળી હતી. તમામ દીકરીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
બીજી તરફ, આ ઘટનામાં એક 30 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયુ છે. મળતી માહિતી મુજબ, આગ લાગતા આ યુવકનો મોબાઈલ નીચે પડી ગયો હતો. ત્યારબાદ યુવક મોબાઈલ લેવા માટે ગયો અને તેને ગૂંગળામણ થવા લાગી હતી. ગૂંગળામણના કારણે યુવકનું મૃત્યુ થયું છે હોવાની શંકા છે. આગની ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ કયા કારણોસર લાગી અને યુવકનું મૃત્યુ કયા કારણોસર થયું તે અંગે જો કે હાલ તપાસ ચાલુ છે.
બીજી બાજુ રાજ્યના નવસારીના બીલીમોરામાં પણ એક પ્લાસ્ટિક હોલસેલ દુકાનમાં ભીષણ આગ લાગી જેના કારણે 8થી 10 લાખનો સામાન બળીને ખાખ થઈ ગયો. આ આગ ફટાકડાના કારણે લાગી હોવાની આશંકા છે. ફાયરની ટીમે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો. સદનસીબે જાનહાનિ ટળી.
અંકલેશ્વરના ભડકોદ્રા ડમ્પિંગ સાઈટમાં પણ ભીષણ આગના સમાચાર છે. નવા ત વરા ગામે ખેરડીના ખેતરમાં આગ લાગી. ભારે જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. દૂર દૂર સુધી આગના ગોટેગોટા નજરે ચડતા હતા. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો. ગ્રામજનોએ ટ્રેક્ટરથી ખેતર ખેડી આગ ફેલાતી અટકાવી. શેરડીનો ઊભો પાક જો કે બળીને ખાખ થઈ ગયો.