સુપ્રીમ કોર્ટનો ECL ફાઇનાન્સને મોટો ઝટકો, COCમાંથી બહાર રાખવાનો નિર્ણય યથાવત
ECL Finance : ગ્રેટર નોઈડામાં આવેલ મેઘદૂતમ એનકોર હાઉસિંગ પ્રોજેક્ટમાં, ECL ફાઈનાન્સે સાહા ઈન્ફ્રાટેકને લોન આપી હતી. પરંતુ, ગેરંટર કંપની પામ ડેવલપર્સના માધ્યમથી તેમણે સમગ્ર પ્રોજેક્ટ અને કંપનીની મહત્વપૂર્ણ નિર્ણય લેવાની પ્રક્રિયાઓ પર સીધું નિયંત્રણ મેળવી લીધું હતું. આ લેખમાં જાણીશું કે, કેવી રીતે આ કંપની સુપ્રીમ કોર્ટમાં કાયદાકીય લડાઈમાં ફસાઈ.
પરિવેશ વાત્સ્યાયન, ઝી મીડિયા : એક એવી ફાઇનાન્સ કંપની, જે કોઈ બીજી કંપનીને માત્ર લોન જ આપતી નહોતી, પરંતુ તે કંપનીના દરેક નાના-મોટા નિર્ણયો અને કામકાજમાં પણ દખલગીરી કરતી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે જો કોઈ ધિરાણ આપતી કંપની દેવાદાર કંપનીના નીતિગત નિર્ણયો પર દખલ રાખતી હોય, તો તેને માત્ર ધિરાણકર્તા ન માની શકાય, પરંતુ કંપનીની રિલેટેડ પાર્ટી ગણવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ECL ફાઇનાન્સ લિમિટેડ પર સવાલો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં ECL ફાઇનાન્સ લિમિટેડની કામગીરી કેવી રીતે સામે આવી, તેના વિશે આ લેખમાં જાણીશું.
2016માં શરૂ થયા હતા નાણાકીય વ્યવહાર
સાહા ઇન્ફ્રાટેક નામની કંપની ગ્રેટર નોઈડામાં એક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ બનાવી રહી હતી. આ પ્રોજેક્ટનું નામ હતું 'પ્રોજેક્ટ એન્કોર' જેને બાદમાં 'મેઘદૂતમ એન્કોર' નામ આપવામાં આવ્યું. આ પ્રોજેક્ટ માટે 2016માં 160 કરોડ રૂપિયાના ડિબેન્ચર જાહેર કરવાની યોજના બનાવવામાં આવી હતી.
પરંતુ જાહેર થયા માત્ર 110 કરોડ રૂપિયાના ડિબેન્ચર અને આ તમામ ડિબેન્ચર ECL ફાઇનાન્સે ખરીદ્યા હતા. આ સોદામાં પામ ડેવલપર્સે ગેરંટરની ભૂમિકા ભજવી હતી. એટલે કે જો સાહા ઇન્ફ્રાટેક પૈસા ચૂકવી ન શકે, તો તેની જવાબદારી પામ ડેવલપર્સ પર આવવાની હતી.
અમેરિકાની મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની સજ્જડ હારથી ક્રૂડ ઓઈલ ધડામ થયું, એક જ દિવસમાં ભાવમાં મોટો કડકો, સસ્તું થશે પેટ્રોલ?
ફોરેન્સિક ઓડિટ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
વર્ષ 2017માં ECL ફાઇનાન્સે સાહા ઇન્ફ્રાટેકને વધુ 90 કરોડ રૂપિયાની ક્રેડિટ સુવિધા આપી હતી. આમાં પણ પામ ડેવલપર્સ ગેરંટર બની હતી. અહીંથી જ નાણાંની લેવડદેવડ અને ગેરરીતિઓની રમત શરૂ થઈ. સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા ફોરેન્સિક ઓડિટ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો.
રિપોર્ટ અનુસાર, પામ ડેવલપર્સ, જે સાહા ઇન્ફ્રાટેકની કોર્પોરેટ ગેરંટર હતી, તેનો ઉપયોગ એક માધ્યમ તરીકે કરવામાં આવ્યો હતો, જેથી સાહા ઇન્ફ્રાટેક પાસેથી નાણાં લઈને બે અન્ય કંપનીઓમાં ટ્રાન્સફર કરી શકાય અને આ બંને કંપનીઓ પામ ડેવલપર્સના જ પ્રમોટરોની હોવાનું જણાવવામાં આવ્યું હતું. ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો થયો કે આ બંને કંપનીઓ પર ECL ફાઇનાન્સનું જ નિયંત્રણ હતું.
વર્ષ 2020માં પામ ડેવલપર્સ નાદાર થઈ
ત્યારબાદનું કારસ્તાન તો વધુ ચોંકાવનારું હતું. વર્ષ 2020માં પામ ડેવલપર્સ નાદાર થઈ ગઈ. ECL ફાઇનાન્સ અને તેના ડિબેન્ચર ટ્રસ્ટીએ મળીને આશરે 270 કરોડ રૂપિયાનો દાવો રજૂ કર્યો અને પોતાને તે સમિતિમાં સામેલ કરી લીધા, જે નક્કી કરે છે કે હવે કંપનીનું ભવિષ્ય શું હશે. આ સમિતિને કમિટી ઓફ ક્રેડિટર્સ કહેવામાં આવે છે.
નિયમ એવો છે કે COCમાં માત્ર એવા જ લેણદારો સામેલ થઈ શકે છે, જેઓ કંપનીના પોતાના લોકો ન હોય. અહીંથી જ ECL ફાઇનાન્સ લિમિટેડના કારનામાઓના એક પછી એક કારનામાં બહાર આવવા લાગ્યા. સુપ્રીમ કોર્ટે જ્યારે પામ ડેવલપર્સની નાદારી પ્રક્રિયા અને ECL ફાઇનાન્સ સાથે જોડાયેલા દસ્તાવેજોની તપાસ કરી, ત્યારે જે હકીકતો સામે આવી તે ચોંકાવનારી હતી.
ECL પાસે માત્ર પોતાના પૈસા વસૂલવાનો અધિકાર જ નહોતો
ECL પાસે માત્ર પોતાના પૈસા વસૂલવાનો અધિકાર જ નહોતો. તેની પાસે કંપનીમાં ડિરેક્ટરની નિમણૂક કરવાનો અધિકાર હતો. બોર્ડમાં કોઈપણ મતભેદ કે મડાગાંઠ ઊભી થાય તો અંતિમ નિર્ણય લેવાનો અધિકાર હતો. દરેક ત્રિમાસિક બજેટને મંજૂરી આપવાનો અધિકાર હતો. મેનેજમેન્ટના કોઈપણ અધિકારીને હટાવવા સામે વીટો પાવર હતો. એટલું જ નહીં, કંપનીના બેંક એકાઉન્ટ પર પણ તેનું સીધું નિયંત્રણ હતું.
આ તમામ દસ્તાવેજોની તપાસ કર્યા બાદ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એટલે કે NCLTએ ECL ફાઇનાન્સ લિમિટેડને કમિટી ઓફ ક્રેડિટર્સમાંથી બહાર રાખી હતી. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે NCLTના આદેશને યથાવત રાખતાં ECL ફાઇનાન્સને COCમાંથી બહાર રાખવાના નિર્ણય પર મહોર મારી દીધી.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરતાં કહ્યું કે, કંપનીના કામકાજમાં દખલગીરી કરતી કંપની કોઈ સામાન્ય બાહ્ય લેણદાર નથી, પરંતુ તેને કંપનીની પોતાની વ્યક્તિ માનવામાં આવશે. તેથી તેને તે સમિતિમાં બેસવાનો અધિકાર નથી, ભલે તેના પૈસા કંપની પર બાકી હોય.
ECL ફાઇનાન્સને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો
ECL ફાઇનાન્સ માટે સુપ્રીમ કોર્ટનો આ આદેશ કોઈ મોટા ઝટકાથી ઓછો નથી. માત્ર સુપ્રીમ કોર્ટે જ નહીં, પરંતુ રિઝર્વ બેંકે પણ અગાઉ ECL ફાઇનાન્સને ઝટકો આપ્યો હતો.
મે 2024માં RBIએ ECL ફાઇનાન્સ અને તેની ગ્રુપ કંપની એડલવાઇસ ARC પર વ્યાવસાયિક પ્રતિબંધો લગાવ્યા હતા. કારણ કે RBIની તપાસમાં એડલવાઇસની બંને કંપનીઓ લોન સંબંધિત મામલાઓમાં અનેક અનિયમિતતાઓ માટે જવાબદાર હોવાનું સામે આવ્યું હતું.