RBI MPC: ડિસેમ્બરમાં લોન મોંઘી થવાની પૂરી શક્યતા! RBI આપ્યો સંકેત, EMI પર વધી શકે છે બોજ
આગામી મહિને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની MPC બેઠક યોજાવાની છે. આ બેઠકમાં વ્યાજદરમાં વધારો થવાની સંભાવના છે. ખુદ રિઝર્વ બેંકે પણ પોતાના માસિક બુલેટિનમાં તેનો સંકેત આપતા મોંઘવારીને વિલન ગણાવી છે.
RBI November Bulletin : દેશમાં મોંઘવારીનું ભારણ હવે માત્ર રસોઈના બજેટ સુધી સીમિત રહી ગયું નથી. કપડા, મકાન, સારવાર, હોટલ અને બીજી સેવાઓની કિંમતમાં પણ તેજી આવવા લાગી છે. સતત વધી રહેલી મોંઘવારી હવે ભારતીય રિઝર્વ બેંક માટે પણ ચિંતાનું કારણ બની રહી છે. તેવામાં ડિસેમ્બરમાં યોજાનાર નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠકમાં રેપો રેટ વધવાનું નક્કી છે. જો તેમ થયું તો હોમ લોન, કાર લોન અને બીજા ફ્લોટિંગ રેટવાળી લોન EMI પર દબાણ વધી શકે છે.
RBI ના નવેમ્બર બુલેટિનમાં પ્રકાશિત સ્ટેટ ઓફ ધ ઇકોનોમી રિપોર્ટે મોંઘવારીને લઈને મહત્વના સંકેત આપ્યા છે. રિપોર્ટ પ્રમાણે ઓક્ટોબરમાં 4 ટકા અને 6 ટકાથી વધુ મોંઘવારીવાળા સામાન અને સેવાઓની હિસ્સેદારી વધી છે. તેનો મતલબ છે કે મોંઘવારીનો ભાર હવે કેટલીક ગણતરીની વસ્તુઓ સુધી સીમિત નથી, પરંતુ અર્થવ્યવસ્થાના ઘણા ક્ષેત્રોમાં ફેલાઈ રહી છે.
બે વર્ષમાં પ્રથમવાર 6 ટકાને પાર મોંઘવારી
ઓક્ટોબરમાં દેશમાં રિટેલ ફુગાવાનો દર વધી 6.09 ટકા પર પહોંચી ગયો, જ્યારે સપ્ટેમ્બરમાં તે 5.54 ટકા હતો. આશરે બે વર્ષમાં પ્રથમવાર રિટેલ ફુગાવો આરબીઆઈની 6 ટકાની ઉપરી સહનશીલતાની મર્યાદાને પાર નીકળ્યો છે. CPIની 12માંથી 11 શ્રેણીઓમાં સપ્ટેમ્બરના મુકાબલે મોંઘવારી વધી છે. રિઝર્વ બેંક પ્રમાણે મોંઘવારીનું દબાણ હવે ખાવા-પીવાની વસ્તુ અને ઈંધણથી આગળ વધી રહ્યો છે. ખાદ્ય અને ઈંધણને છોડી માપવામાં આવતી કોર મોંઘવારી ઓક્ટોબરમાં વધી 4.5 ટકા થઈ ગઈ, જે સપ્ટેમ્બરમાં 4.3 ટકા હતી. સૌથી મહત્વની વાત છે કે સોનું અને ચાંદી જેવી ધાતુઓને હટાવ્યા બાદ કોર મોંઘવારી 60 બેસિસ પોઈન્ટ વધી 3.8 ટકા પર પહોંચી ગઈ છે. તેનાથી સંકેત મળે છે કે કિંમતી ધાતુઓની કિંમત સિવાય પણ અર્થવ્યવસ્થામાં મોંઘવારીનું ભારણ વધી રહ્યું છે.
આ પણ વાંચોઃ સોનું 1 લાખે આવશે કે 1.50 લાખને પાર જશે... આ 3 તારીખો કરશે નક્કી! આજની રાત છે ખાસ
કપડા, મકાન અને સારવાર પણ મોંઘવારીની ઝપેટમાં
RBI ના રિપોર્ટ પ્રમાણે ઓક્ટોબરમાં રેસ્ટોરન્ટ અને હોટલ સેવાઓ, કપડા અને જૂતા, આવાસ તથા સ્વાસ્થ્ય સેવાઓની કિંમતમાં પણ ભારે વધારો થયો છે. એટલે કે મોંઘવારીની અસર હવે સામાન્ય લોકોના રોજિંદા ખર્ચમાં પણ વ્યાપક થઈ રહી છે. ઓક્ટોબરમાં 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 29મા મોંઘવારી વધી. તેમાંથી 11 રાજ્યોમાં મોંઘવારી દર 6થી 8 ટકા વચ્ચે રહ્યો. ગ્રામીણ વિસ્તારમાં મોંઘવારી 6.6 ટકા અને શહેરી વિસ્તારમાં 5.4 ટકા સુધી પહોંચી છે. બંને ક્ષેત્રોમાં ખાદ્ય તથા પેય પદાર્થોની મોંઘવારી 6 ટકાથી ઉપર રહી છે.
નવેમ્બરમાં પણ મોંઘવારીથી રાહતનો સંકેત નહીં
RBI પ્રમાણે નવેમ્બરમાં ઉપલબ્ધ 19 તારીખ સુધીના આંકડા પણ કિંમતોના દબાણ તરફ ઇશારો કરી રહ્યાં છે. પ્રમુખ અનાજ અને દાળોની કિંમતમાં તેજી આવી છે. ખાદ્ય તેલોના ભાવ પણ વધ્યા છે, જેમાં સરસવનું તેલ મુખ્ય છે. જથ્થાબંધ મોંઘવારીના આંકડા પણ ચિંતા વધારી રહ્યાં છે. ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારી દર વધી 12.3 ટકા થઈ ગયો, જે સપ્ટેમ્બરમાં 11.4 ટકા હતો. ઈંધણ અને વીજળી ક્ષેત્રની મોંઘવારી 32.8 ટકા સુધી પહોંચી ગઈ. ઔદ્યોગિક ઇનપુટ ખર્ચની મોંઘવારી 19.6 ટકા અને કૃષિ ઇનપુટ ખર્ચની મોંઘવારી 15.5 ટકા રહી.
ડિસેમ્બરમાં આરબીઆઈ સામે શું હશે વિકલ્પ?
મોંઘવારીના આ આંકડા વચ્ચે ડિસેમ્બરમાં RBI MPC બેઠક પર બજાર અને લોનધારકોની નજર રહેશે. આરબીઆઈએ ઓક્ટોબરની બેઠકમાં રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ વધારી 5.50 ટકા કર્યો હતો. સાથે કેન્દ્રીય બેંકે પોતાના નીતિગત વલણને બદલી ક્રેલિબ્રેટેડ ટાઇટનિંગ એટલે કે તબક્કાવાર નાણાકીય કડકાઈ તરફ કરી દીધું હતું. આ વલણનો સંકેત છે કે આગળ વ્યાજદર વધારવા કે તેને સ્થિર રાખવાનો નિર્ણય મોંઘવારી અને આર્થિક વિકાસની સ્થિતિને જોઈ કરવામાં આવશે. એટલે કે ડિસેમ્બરમાં રેપો રેટ વધારવાની સંભાવના નકારી શકાય નહીં, પરંતુ આરબીઆઈએ હજુ કોઈ વધારાની જાહેરાત કરી નથી.