સોનું વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ચૂકયું છે. લગ્નગાળાની સીઝનની શરૂઆતની સાથે જ સોનાના ભાવમાં સૌથી મોટો કડાકો જોવા મળી રહ્યો છે. જે સોનું વર્ષની શરૂઆતમાં 1.80 લાખ રૂપિયાની નજીક પહોંચી ગયું હતું અને એવા દાવા થતા હતા કે સોનું 2 લાખ પાર જશે તેણે અચાનક એવો તે યુટર્ન લીધો કે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. 20 નવેમ્બરે સોનું વર્ષ 2026ના સૌથી તળિયાના ભાવે પહોંચી ગયું. સોનામાં સાપ્તાહિક લગભગ 10 હજાર જેટલો અને ચાંદીમાં 16 હજાર રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો.
કોમેક્સ પર ગોલ્ડનો ભાવ તૂટીને 3539 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો જ્યારે ચાંદી પણ ઘટાડા સાથે 41.08 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થઈ હતી.
MCX પર શુક્રવારે ટ્રેડિંગ બંધ થયું ત્યારે સોનાનો વાયદા ભાવ 4.32 ટકા તૂટીને 121949 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદીનો વાયદા ભાવ 0.74 ટકાના વધારા સાથે 148900 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો.
MCXના ભાવ જોઈએ તો સોનું હાલ ઓલટાઈમ હાઈથી 58830 રૂપિયા સસ્તું છે અને ચાંદી 271100 રૂપિયા સસ્તી થઈ છે.
ઈન્ડિયા બુલિયન્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) પર 20 નવેમ્બરે જાહેર થયેલા સોનાના ભાવ વર્ષના નીચલા સ્તરે પહોંચ્યા હતા. એક ઝટકે સોનામાં 5947 રૂપિયા અને ચાંદીમાં 9789 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. સવારે સોનું તોતિંગ ઘટાડા સાથે 123584 પર ખુલ્યું હતું જ્યારે સાંજે સામાન્ય વધારા સાથે 123893 પર બંધ થયું હતું. ચાંદીની વાત કરીએ તો ચાંદી પણ ભારે ઘટાડા સાથે 150650 પર ખુલી હતી અને પછી સામાન્ય વધારા સાથે 152528 પર બંધ થઈ હતી. પરંતુ સાપ્તાહિક ઘટાડાની વાત કરીએ તો સોનું અને ચાંદી ભારે કડાકાના માહોલમાં જોવા મળ્યા.
IBJAની વેબસાઈટ પર સાંજ જાહેર થયેલા બંધ ભાવ મુજબ 24 કેરેટ સોનાથી લઈને 14 કેરેટવાળા સોના અને એક કિલો ચાંદીના ભાવ નીચે પ્રમાણે રહ્યા.
IBJAના આ સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે (16 નવેમ્બર) 24 કેરેટ સોનાનો ભાવ 134380 રૂપિયા પર ખુલ્યો હતો. જ્યારે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે (20 નવેમ્બર) સોનું 123893 ના સ્તરે બંધ થયું હતું. એટલે કે આ સમયગાળામાં સોનાના ભાવમાં 10,487 રૂપિયાનો ઘટાડો નોંધાયો.
જ્યારે ચાંદીની વાત કરીએ તો એ જ સમયગાળામાં સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે એક કિલો ચાંદીનો ભાવ 169280 રૂપિયા પર ખુલ્યો હતો જ્યારે છેલ્લા કારોબારી દિવસે ચાંદી 152528 રૂપિયાની સપાટીએ બંધ થઈ હતી એટલે કે ભાવમાં 16,752 રૂપિયા જેટલો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે.
IBJAના આંકડા જોઈએ તો સોનું ઓલટાઈમ હાઈથી 52228 રૂપિયા સસ્તું છે. જ્યારે ચાંદી 233,405 રૂપિયા સસ્તી થઈ છે.
