યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ જાહેર કરી, ટેસ્ટ રમવાનું સપનું અધૂરું રહ્યું
યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે. જોકે તે નિર્ધારિત ઓવરમાં રમવાનું જાળવી રાખશે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ નિર્ણય તત્કાલ પ્રભાવથી લાગૂ થશે. પરંતુ તેણે સ્પષ્ટ કર્યું છે કે તે વ્હાઇટ બોલ ક્રિકેટમાં રમવાનું યથાવત રાખશે.
36 વર્ષીય ચહલે પોતાનો અંતિમ રેડ બોલ મુકાબલો નોર્થમ્પટનશાયર માટે રમ્યો હતો. હવે તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. એટલે કે ચહલની સફર રેડ બોલ ક્રિકેટમાં ખતમ થઈ ગઈ છે, તે આગામી સમયમાં નિર્ધારિત ઓવરના ક્રિકેટમાં રમતો જોવા મળી શકે છે. ચહલે સોશિયલ મીડિયા પર પોતાની નિવૃત્તિની જાણકારી આપી છે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં યુઝવેન્દ્ર ચહલે 49 મેચની 79 ઈનિંગમાં 149 વિકેટ ઝડપી. આ દરમિયાન તેની બોલિંગ એવરેજ 32.27, ઇકોનોમી 3.13 અને સ્ટ્રાઇક રેટ 61.8 રહી. ચહલે ફર્સ્ટ ક્લાસમાં 6 વખત પાંચ વિકેટ અને 8 વખત ચાર વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 6/44 અને મેચમાં સર્વશ્રેષ્ઠ 9/99 રહ્યું.
ચહલે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું કે રેડ બોલ ક્રિકેટથી તેની સફર ખતમ થઈ છે, પરંતુ તે વનડે અને ટી20 ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહ્યો નથી. તેનું કહેવું છે કે દેશ માટે રમવાની ભૂખ હજુ છે અને તે આ બંને ફોર્મેટમાં વાપસી કરવા માટે જોર લગાવશે.
ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે ચહલ
ચહલ ભારતીય ટીમમાંથી લાંબા સમયથી બહાર ચાલી રહ્યો છે. તેણે ભારત માટે અંતિમ વનડે 24 જાન્યુઆરી 2023ના ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. તો અંતિમ ટી20 મેચ 13 ઓગસ્ટ 2023ના વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી.